જ્ઞાન પ્રાપ્ત કરવાના અભિગમો :
(Approaches to Acquire knowledge)
કોઈપણ જાતના અનુમાન કે તર્કના અવલંબન વિના તત્કાલ થતું આકલન (Apprehension) કે પ્રજ્ઞાન (Cognition) એટલે અંતઃપ્રજ્ઞા. કોષના અર્થઘટન મુજબ, અંત : પ્રજ્ઞા એ જોય વિષય કે વિષયની સંપ્રજ્ઞાન સ્થિતિ છે. તે સ્વતઃ જ્ઞાન છે. સ્વતઃ એટલે પોતે પોતાની મેળે જ - જાતે જ - સ્વયં જે પ્રમાણ છે તે, અથવા નિરપેક્ષ, મીમાંસકોના મતે, આપણું બાહ્ય વિષયનું અથવા આંતર વિષયનું જ્ઞાન પોતાના ઉદય સાથે જ પોતાના સત્યપણાની સાબિતી (પ્રામાણ્ય) આપે પ્રતિભા વડે ઉત્પન્ન થાય તે પ્રતિભા જ્ઞાન (Intuition). અંતઃપ્રજ્ઞા સરળતાથી ન સમજાય તેવી પ્રજ્ઞાન પ્રક્રિયા છે, તે આનુભવિક અને તાર્કિક પૃથકકરણનાં કરતાં વધુ જટિલ અને ખૂબ સીધી રીતે સ્પર્શતી પ્રક્રિયા છે. તેને જ્ઞાન પ્રાપ્ત કરવાનો અભિગમ કહેવા કરતાં જ્ઞાનનો પ્રાથમિક સ્રોત કહેવો વધુ યોગ્ય છે.
2. ગુરમત (Authority) :
આપણા તમામ જ્ઞાન - માહિતી કે જાણકારીનો મહદંશે કોઈક અધિકૃત (authority) સાબિતીમાંથી નિષ્પન્ન થયેલો હોય છે. તેના વિના આધુનિક સભ્યતા કદાચ કાર્યશીલ બની પણ ન શકે. ઘણા વિચારકો અધિકૃતતાનું જ્ઞાન પ્રાપ્ત કરવાની પ્રક્રિયામાં ઘણું ઊંચું મહત્ત્વ આંકે છે. આ અભિગમ દ્વારા જ્ઞાન એટલા માટે પ્રાપ્ત કરવામાં આવે છે કે અધિકૃતો દ્વારા એ સાચું છે, એવું કહેવામાં આવેલું હોય છે. આવા અધિકૃતો, માતા - પિતા, શિક્ષકો કે ગુરુ, સરકાર, ધર્મગુરુઓ અને ડૉક્ટરો પણ હોઈ શકે . આદર્શ બનેલા એવા અધિકૃતો જે કંઈ કહે, કરે તે સત્ય જ હોય એવું માની લઈ આ અભિગમ દ્વારા જ્ઞાનને એ જ સ્વરૂપમાં સ્વીકારે છે, જે સ્વરૂપમાં અધિકૃતો દ્વારા આપવામાં આવ્યું હોય. મોટાભાગની માહિતીઓ જે ગ્રંથસ્થ થઈ છે, તેને શાસ્ત્ર પ્રમાણ કે ગુરમત દ્વારા સત્ય છે, એમ કહીને આપવામાં આવે છે. જ્ઞાનની પ્રક્રિયાના આ અભિગમમાં જ્ઞાનની માહિતીની પ્રમાણભૂતતા સંબંધી તાત્વિક સમસ્યાઓ ઉદ્દભવે છે. એ સમસ્યાઓ જેમ જેમ તથ્યાત્મક માહિતી વધુ ને વધુ પ્રગટ પ્રમાણમાં ઉપલબ્ધ થતી જાય, તેમ તેમ વધુ જટિલ બનતી જાય છે.
3. તર્કસંગતતા | બુદ્ધિવાદ ( Rationalism ) :
તર્કયુકતતા (Reasoning) કે તર્ક અથવા બુદ્ધિયુક્ત વિચાર (Logic) જ જ્ઞાનનું કેન્દ્રવર્તી તત્ત્વ છે, એવું માનનાર આ દૃષ્ટિકોણ કે અભિગમ બુદ્ધિવાદે (Rationalism) તરીકે ઓળખાય છે. આ અભિગમ મુજબ, જ્ઞાનની પ્રક્રિયામાં જ્ઞાનના સ્વરૂપે કંઈ પણ નક્કી થતાં પૂર્વે ઇન્દ્રિયો દ્વારા પ્રાપ્ત સંવેદનોની કાચી સામગ્રી મન દ્વારા અર્થપૂર્ણ તરાહોની વ્યવસ્થામાંથી પસાર થવી જોઈએ. માણસ માત્ર સંવેદનાજનિત કાચા અનુભવને જ જાણતો નથી, પણ તે અર્થપૂર્ણ વિચારો, વિભાવનાઓ અને નિયમો જેવા જટિલ સ્વરૂપે જાણે છે. તેથી જો જ્ઞાનમાં વિચાર જ કેન્દ્રિત તત્ત્વ હોય માત્ર વિચાર જ મહત્ત્વપૂર્ણ જ્ઞાનનો સ્રોત બની શકે. આ અભિગમ મુજબ જ્ઞાન પ્રાપ્ત કરવાની પ્રક્રિયા માત્ર તર્ક (Reason) પર જ આધારિત હોય છે. આ અભિગમ મુજબ જ્ઞાન અનુભવ નિરપેક્ષ હોય છે એટલે જ્ઞાન સ્વતઃ પ્રમાણિત નિયમોની તર્કસંગતતા (Reasoning) દ્વારા, કોઈપણ જાતના ઈન્દ્રિય અનુભવ વગર પ્રાપ્ત થાય છે. બુદ્ધિવાદી અભિગમ નિરપેક્ષ અનિવાર્ય વિધાનો પર મોટો મદાર બાંધે છે.
4. અનુભવવાદ (Empiricism) :
જ્ઞાન પ્રાપ્ત કરવાના આ અભિગમ મુજબ જ્ઞાન અવલોકનજન્ય અને અનુભવજન્ય છે. આ અભિગમ જ્ઞાનને અનુભવાશ્રિત માને છે એટલે કે, જ્ઞાન અવલોકન કે એવા જ બીજા ઈન્દ્રિય અનુભવના બોધથી પ્રાપ્ત થાય છે. આ અભિગમની સાથે ચુસ્ત અનુભવવાદીઓ (Empiricists) નું મંતવ્ય એવું છે કે, ઇન્દ્રિયાનુભવ વિનાનું મન તો કોરું જ હોય, તેથી સ્વતઃ પ્રમાણિત સિદ્ધાંતો અને કહેવાતાં તાર્કિક સત્યનું બધું જ્ઞાન મૂલતઃ અનુભવાશ્રિત જ હોય છે. અનુભવવાદીઓ જ્ઞાનેન્દ્રિયોને જ જ્ઞાનનું ઉદ્ભવસ્થાન ગણે છે.
5. વૈજ્ઞાનિક પદ્ધતિ
જ્ઞાનપ્રાપ્તિની વૈજ્ઞાનિક પદ્ધતિ અનુભવના સિદ્ધાંતને માન્ય કરતી પદ્ધતિ છે. આ અભિગમમાં નિયમબદ્ધ અને નિયંત્રિત અનુભવો દ્વારા આનુષંગિક દત્ત સામગ્રી (Data) એકઠી કરવામાં આવે છે અને પુરાવાઓનું મૂલ્યાંકન કરી પ્રશ્નોના જવાબ મેળવવામાં આવે છે. આ અભિગમ મુજબ જ્ઞાન પ્રાપ્ત કરવા માટે તર્ક, ગોઠવણ અને પૃથક્કરણ દ્વારા ઉકેલ મેળવવા માટે નિયમબદ્ધ ચકાસણી થાય છે. ચકાસી શકાય તેવી ઉપસ્થાપના (Hypothesis) રચવામાં આવે છે. ચકાસણી ચોક્કસ પૂર્ણ કરી શકાય તેવી ઉપયોગી હોય છે. અસરકારક રૂપરેખાનું પૃથક્કરણ અને વર્ગીકરણ પણ કરવામાં આવે છે. આ પદ્ધતિ દ્વારા મેળવેલ જ્ઞાન કે ઉકેલ ગમે ત્યારે ગમે ત્યાં રજૂ કરી શકાય તેવો ચુસ્ત અને ચકાસણી માટે મુક્ત અને ચોક્કસ હોય છે.