Education Gujarati
Education Gujarati Join Our Telegram Channel
Join
Follow To WhatsApp Channel. Education Gujarati

Search Suggest

Film Review - adi shankaracharya

ફિલ્મ સમીક્ષા
સ્વના આધારે ફિલ્મની સમીક્ષા
આદી શંકરાચાર્ય - adi shankaracharya
પ્રસ્તાવના

કચકડાની રીલ પણ માનવજગતને પથદર્શન કરાવતી રહે છે. વળી આ માધ્યમ એટલું વાચાળ છે કે એની સરખામણી કેલિડોસ્કોપ સાથે કરી શકાય. અનેક અર્થછાયાઓથી ભરપૂર એવાં ચલચિત્રો જોવા જનાર પ્રત્યેક વ્યક્તિ પોતાના આગવા દૃષ્ટિકોણથી મૂવી જોતો હોય છે અને મૂલવતો હોય છે. વ્યક્તિના સ્વને ઘડનાર પરિબળ તરીકે સિનેમાનું પ્રદાન પુસ્તકો જેટલું તો નહિ, પરંતુ ઓછું પણ નથી. વિશ્વના અનેક નામી - અનામી ફિલ્મમેકરો દ્વારા બનાવેલા ચલચિત્રો જાણે કચકડે કંડારેલી કવિતા જેવા છે. સત્યજીત રેની પથ રે પાંચાલી જુઓ કે પથ રે પાંચાલી પુસ્તક વાંચો. બંનેની અસર એકસરખી અને ઘણી વાર સિનેમાની અસર વધુ પડે છે કેમ કે તે વ્યાપક અને બોલકું માધ્યમ છે. 
      બિમલ મિત્રની "સાહેબ, બીબી ઔર ગુલામ" વાંચો કે ગુરુદત્ત દિગ્દર્શિત કરેલ "સાહેબ, બીબી ઔર ગુલામ" જુઓ, નિતાંત આનંદ જ પ્રાપ્ત થાય. બિમલ રૉય, વ્હી. શાંતારામ, રાજકપૂર, ગુરુદત્ત, સત્યજીત રે, શ્યામ બેનેગલ, સ્ટેન્લી હબીક, સ્પીલબર્ગ, કુરુસાવા, બર્ગમન એમ અનેક નામી - અનામી દિગ્દર્શકોએ અપ્રતિમ અને નિતાંત સુંદર કચકડાની કવિતાઓ કંડારી છે. સિનેમાના માધ્યમ સાથે વ્યક્તિ અભિન્નપણે જોડાયેલો છે, જાણે - અજાણે પરદા પરનાં પાત્રો સાથે પોતાને જોડતો દર્શક પાત્રના સુખે સુખી અને પાત્રના દુઃખે દુઃખી પણ થતો હોય છે. શિક્ષણના ક્ષેત્રે ચલચિત્રોના માધ્યમનો બૃહદ્ ઉપયોગ થવા લાગ્યો છે. સ્વનો વિકાસ સિનેમાના માધ્યમથી શક્ય છે. જે સિનેમાને સ્વવિકાસના દૃષ્ટિકોણથી અને એવા ચલચિત્રો જેમાં સ્વની યાત્રાનો આરંભ અને અંત થયો હોય, તેવા પસંદ કરવામાં આવેલા હોય.

Cost and krew :

નિદર્શક : જી. વી. એયર
નિર્માતા : રાષ્ટ્રીય ફિલ્મ વિકાસ નિગમ
અભિનેતા : સર્વદામન બેનર્જી (આદી શંકરાચાર્ય)
                શ્રીનિવાસ પ્રભુ 
                ભારત ભૂષણ (શિવા ગુરુ)
                જી. વી. એયર (વેદ વ્યાસ)
સંગીત : એમ બાલમુરલી કૃષ્ણ
છાયાકાર : મઘુ અંબાત
પ્રદર્શન તારીખ : 1983
સમય સીમા : 160 મિનિટ
દેશ : ભારત
ભાષા : સંસ્કૃત
એવોર્ડ : રાષ્ટ્રીય ફિલ્મ એવોર્ડ


આદિ શંકરાચાર્ય ચલચિત્ર :

       આ ચલચિત્ર 1983 માં જી.વી.ઐયર દ્વારા બનાવવામાં આવેલું હતું. સંસ્કૃત ભાષામાં બનેલું આ પહેલું ચલચિત્ર હતું. ત્યારબાદ અન્ય ભાષાઓમાં તેને અનુવાદિત કરવામાં આવ્યું હતું. 
     આદિ શંકરાચાર્ય વેદાન્તનો પ્રચાર - પ્રસાર કરનાર સંત જ નહિ, પરંતુ મહાન તત્ત્વજ્ઞાની અને સુધારક પણ હતા. સંસ્કૃત ભાષાના પ્રકાંડ પંડિત એવા આદિ શંકરાચાર્યે સંસ્કૃત ભાષામાં અભુત પદો રચી, એ ભાષાના સૌંદર્યમાં અભિવૃદ્ધિ કરી હતી.

 ચલચિત્રની પટકથા : 

       ચલચિત્રની શરૂઆતમાં સનાતન હિંદુ ધર્મ લુપ્ત થવાની ઘડીઓ ગણી રહ્યો હતો, બુદ્ધ ધર્મનો ફેલાવો વધી ગયો હતો પણ એ જ બુદ્ધ ધર્મ બિનજરૂરી વિધિવિધાનોના કારણે ધીમે - ધીમે તેનું પ્રભુત્વ ગુમાવી રહ્યો હતો. હિંદુ ધર્મમાં અનેક દૂષણો વ્યાપ્ત હતાં, પશુઓની બલિ ચડાવવી, કર્મકાંડો વગેરે એવા અરાજકતાભર્યા સમયમાં તેજસ્વી સૂર્યની માફક શંકરનો ઉદય થવો, એ સનાતન હિંદુ ધર્મની અંદર થયેલી શકવર્તી ઘટના ગણી શકાય. શંકરાચાર્યનો ઉદય એવા સમયગાળામાં થયો જયારે કોઈને પણ સનાતન ધર્મના પાયા ઉપર ચણાયેલ વાસ્તવિક જગત અને સત્ય સાથે સંબંધ જ ન હતો. શિવોહમના સ્થાને ડુંકને જેવા વ્યાકરણના નિયમો ગોખાવતા સ્ત્રોતોના રટણ ભારતભરમાં ચાલતા હતા. 
       આદિ શંકરાચાર્ય ક્યારે થઈ ગયા, એ સંબંધમાં વિવિધ મતો પ્રવર્તે છે. ઈ.સ. પૂર્વે કેટલાક શતકોથી માંડી ઈ.સ. પછી આઠમા શતક સુધીમાં એમને માટેનો ભિન્ન ભિન્ન સમય બતાવવામાં આવે છે. સામાન્યતઃ વિદ્વાનોમાં તેમની કાળગણના જે ઈ.સ. 788-820 દર્શાવવામાં આવે છે, તે સ્વીકાર્ય બની છે.
      શંકરાચાર્યના સમયે આર્યાવર્તની સ્થિતિ કેવી હતી, જેની થોડીક ઝાંખી આ ચલચિત્રની શરૂઆતમાં આપવામાં આવી છે. ભગવાન બુદ્ધના સમય પછી કાળક્રમે પાખંડીઓનું જોર વધવા લાગ્યું . સમગ્ર આર્યાવર્તમાં અંધશ્રદ્ધા અને અજ્ઞાનનું બળ વધવા લાગ્યું હતું. આવા સમયે ભારતીય વેદાંત તત્ત્વજ્ઞાનની પશ્ચાદ્ભૂમિકા પર જુદા - જુદા ધર્મો તથા પંથોનું એકીકરણ કરી શકે, વિશાળ જનસમુદાયના અજ્ઞાનને દૂર કરી શકે, સૂક્ષ્મ મર્મગ્રાહી બુદ્ધિ વડે તાર્કિકોના કુતર્કોનું ખંડન કરી શકે તેવા કર્મવીર, જ્ઞાનવીર, તેજસ્વી અને પ્રતિભાશાળી સંન્યાસીની દેશને જરૂર હતી. આ વિષમ પરિસ્થિતિમાં અજ્ઞાનના તિમિરને ભેદી ભારતના આત્માને જાગ્રત કરે એવો પ્રદીપ્ત ભાસ્કર ભારતના ગગનમાં ઉદિત થયો. એ ભાસ્કર તે સમર્થ જગદ્ગુરુ આદિ શંકરાચાર્ય. 
      આદિ શંકરાચાર્ય ચલચિત્રમાં શંકરના બાળપણથી લઈને તેમના મહાપ્રયાણ સુધીની કથા પ્રતીકાત્મક રીતે આલેખાઈ છે. બાળશંકરના પિતા શિવગુરુ, તેમના અંતિમ સમય નજીક આવતાં બાળશંકરને મૃત્યુ વિશેની ગહનતમ વાત, મૃત્યુને મિત્ર બનાવવાનો ગૂઢાર્થ, શિવગુરુનું મૃત્યુ અને મૃત્યુનું બાળશંકરના મિત્ર બનવું સતત પડઘાતો શ્લોક, आकाशात् अतितम् तोयम् सागरत् प्रतिगच्छति અર્થાત્ આકાશમાંથી પડતું પાણી જેમ સાગરમાં ભળી જાય છે તેમ દરેક જીવાત્મા મૃત્યુ પછી બ્રહ્મમાં, પરમ તત્ત્વમાં ભળી જાય છે. ખરેખર શ્લોક તો એવો છે કે, બધા દેવોને કરેલા વંદન કેશવને સમર્પિત થાય છે. અહીં શંકરને બીજો મિત્ર પ્રજ્ઞાન (Wisdom) મળે છે. સમગ્ર ચલચિત્રમાં શંકરાચાર્ય સાથે પ્રજ્ઞાન અને મૃત્યુ પ્રતીકાત્મક રીતે સાથે જ રહે છે.
      બાળ શંકરનું સંન્યાસી થવું પણ પ્રતીકાત્મક રીતે બતાવ્યું છે, માતાને આપેલું વચન, વેદ અને સનાતન ધર્મને પુનઃ સ્થાપિત કરવા માટેની શંકરાચાર્યની ચલચિત્રમાં દેશવિલી યાત્રા ખરેખર તો સ્વના વિકાસની યાત્રા છે. શંકરાચાર્યને જીવનયાત્રામાં થયેલા અનુભવો, ગુરુ પાસેથી મેળવેલું જ્ઞાન અને સતત પ્રજ્ઞાન અને મૃત્યુની હાજરી સ્વના વિકાસના પાથેય પૂરા પાડતી રહે છે.
      પ્રખર પંડિત એવા પૂર્વમીમાંસાના વિદ્વાન મંડનમિશ્ર સાથેનો શાસ્ત્રાર્થ, મંડનમિશ્રના પોપટ સાથેનો પ્રજ્ઞાનનો શાસ્ત્રાર્થ વગેરે ચલચિત્ર જોનારને જુદી જ અનુભૂતિ કરાવે છે. જીવનયાત્રા દરમિયાન આદિ શંકરાચાર્યે બનાવેલા શિષ્યો પદ્મપદ, તોટક, હસ્તામલક, સુરેશ્વરા, વગેરેને ચાર દિશાઓમાં વેદના પ્રચાર - પ્રસાર માટે મોકલ્યા. આદિ શંકરાચાર્યે સનાતન હિંદુ ધર્મની પુનઃપ્રતિષ્ઠા માટે ચાર મઠ સ્થાપ્યા અને વેદોકત ધ્યાનસૂત્ર આપ્યા. જગન્નાથપૂરી મઠને પ્રજ્ઞાનમ્ બ્રહ્મ, શૃંગેરી મઠને અહં બ્રહ્માસ્મિ, બદરીનાથ મઠને અથમાત્મા બ્રહ્મ અને દ્વારકા મઠને તત્ત્વમસિ ધ્યાનસૂત્રો આપ્યાં. 
       આદિ શંકરાચાર્ય ચલચિત્ર મનોરંજક ચલચિત્ર નથી, જીવનના અતિ ગૂઢ રહસ્યોને ઉજાગર કરતા એક મહામાનવની જીવનગાથા છે. સમગ્ર ચલચિત્રમાં વેદ - ઉપનિષદ્રના ગહનતમ રહસ્યો ઉદ્ઘટિત થતા રહે છે. સ્વને વિકસવા માટેની કૂંચીઓ જો જોનાર સજાગ હોય તો જ પ્રાપ્ત કરી શકે છે. 
     સમગ્ર ચલચિત્રમાં સ્વ વિકાસ તરફ લઇ જતાં કેટલાંક દૃશ્યો અને સંવાદોની ચર્ચા કરીએ : 
  •        શંકરનાં પિતા શિવગુરુના અંતિમ સમયે કહેવાયેલા ભગવદ્ ગીતાના શાશ્વત વાક્યો "ઈદમ્ શરીરમ્ અશાશ્વતમ્ અહમ ગમિષ્યામિ શાશ્વત પદમ્", અર્થાત આ શરીર નાશવંત છે અને હું શાશ્વત પદની પ્રાપ્તિ માટે ગમન કરું છું.
       મૃત્યુને મિત્ર બનાવો, આકાશાત્ પતિતમ્ તોયમ્ યથા ગચ્છતિ સાગરનો આખા ચલચિત્રમાં મૃત્યુના સંદર્ભે ગૂંજતો શ્લોક. 
  • નાળિયેરની ચોરી કરતા ચોરને ગુરુ દ્વારા નાળિયેર આપી છોડી દેવો અને કહેવું : દેહસ્ય દંડમ્ કનિષ્કમ્, મનોદંડમ્, ચિરસ્થાયી. દરેક શિક્ષકે યાદ રાખવા જેવી વાત છે કે, શારીરિક શિક્ષા અસ્થાયી છે, ગુરુએ વ્યક્તિના મનને સ્વસ્થ કરવાનું છે. સત્યને જાણવું એ જ પરમ ધર્મ છે.
  •      શંકર દ્વારા મૃત્યુ કેવું પ્રભાવશાળી એ જોવું છતાં લોકોનું અજ્ઞાન, રૂઢિઓ, કુરિવાજોથી વ્યથિત શંકરની ગુરુની શોધ અને ગોવિંદપદાનો મેળાપ . ગોવિંદપદાનો પ્રશ્ન આ નાશવંત શરીરથી તું અસ્તિત્ત્વનો દરિયો કેમ પાર કરીશ ? અને શંકરનો સ્વના શાશ્વત વિકાસ માટેનો અભુત જવાબ, શરીર એ જન્મ અને મરણનો વિષય છે, આત્મા જન્મ - મરણથી પર છે. જે શાશ્વત છે તેના અસ્તિત્વનો પ્રશ્ન જ હોતો નથી, જાણે ગીતાનું પરમ જ્ઞાન - ન હન્યતે હજમાના શરીરાઃ આગળ સત્યકામ - જાબાલિની વાર્તા દ્વારા મૃતિકા એવ સત્યમ્ અને છંદોગ્ય ઉપનિષદનું મહાવાક્ય સર્વમ્ ખલ્વિદમ્ બ્રહ્મ, બ્રહ્મ જ સત્ય છે.
  •   કાશીમાં ડુંકનૈના વ્યાકરણને રટતા મૂઢ મનુષ્યોને ભજગોવિંદમ્ મૂઢમતેનું પરમ જ્ઞાન, સ્વ તો શાશ્વત છે પણ અજ્ઞાન અને ત્રિગુણાત્મક પ્રકૃતિના લીધે સત્યને જોઈ શકતો નથી. મંડન મિશ્ર સાથેનો વિવાદ, પોપટને પાંજરામાંથી મુક્ત કરવાના પ્રજ્ઞાનના પ્રતીકાત્મક દશ્ય દ્વારા સ્વ પોતાના જ જ્ઞાનના પાંજરામાં પૂરાયેલો છે. તેને મુક્ત કોણ કરેનો શાશ્વત સવાલ, મંડનમિશ્રની પત્ની દ્વારા કહેવાયેલું અદભૂત સત્ય- અનુભવ જ્ઞાન કરતાં વધુ મહત્ત્વનો છે, શિક્ષણની પ્રક્રિયા સાથે સંકળાયેલા દરેકે આ વાક્ય આત્મસ્થ કરવું જ જોઈએ. 
  •   શંકરાચાર્યના શિષ્યોમાં પાત્રતા ન હોવા છતાં સિનિયોરીટીના ધોરણે ભાષ્ય લખવાની માંગ અને સંઘર્ષ, શંકરાચાર્યનો અદ્ભુત જવાબ જે મેનેજમેન્ટના ખ્યાલોને બદલી નાખે તેવો છે 'Experience is better than seniority or scholarliness' 
          અંતમાં , આદિ શંકરાચાર્ય દ્વારા હિમાલય તરફનું પ્રયાણ અને સ્વના વિકાસના શાશ્વત વચનો 
  • મહાન સત્ય એ જ છે, જે બધા જ આત્માઓમાં છે, આત્માતત્ત્વનું સાચું જ્ઞાન સ્વને મુક્તિ તરફ દોરે છે. જે સ્વને જાણે છે, તે જ વિકસે છે.
  • આધ્યાત્મિક આકાશમાં શંકર જ સૂર્ય છે, જ્યાં સુધી જ્ઞાનના કિરણો જ હતાં, સામાન્ય સૂર્ય ચંદ્ર જેવો ફિક્કો હતો. હું જ્ઞાનના સૂર્યને નમન કરું છું, જે વિચારો, શબ્દો અને કાર્યોમાં ઊગે છે. 
  • જેને કશું જ વળગણ નથી, એ જ શાશ્વત સ્વને પામે છે.

 ઉપસંહાર : 

આદિ શંકરાચાર્ય અંદરની યાત્રા કરાવે છે. સમગ્ર ચલચિત્રમાં ઉપનિષદના મંત્રો અને વેદોક્ત ઋચાઓ ગૂંજે છે. દરેક સંવાદ જીવનના શાશ્વત રહસ્યની ખોજ કરે છે. નચિકેતા અને યમના સંવાદની કથકલી દ્વારા પ્રસ્તુતિ જુદા જે ભાવવિશ્વમાં લઈ જાય છે. સમગ્ર ચલચિત્રમાં આકાશાત્ પતિતમ્ તોયનો નાદ સંભળાયા કરે છે. જ્ઞાન જ મોક્ષપ્રાપ્તિનો માર્ગ છે. આદિ શંકરાચાર્ય અલૌકિક પ્રતિભા ધરાવતી અને દિવ્ય તેજથી માનવકુળના પંથને અજવાળતી વિભૂતિ હતી. માત્ર 32 વર્ષના ટૂંકા આયુષ્યમાં વેદાન્તનો પાર પામી ગયેલા શંકરાચાર્ય પરમોચ્ચ કોટિના તત્ત્વજ્ઞ હતો. 

આદિ શંકરાચાર્ય ચલચિત્રના અંત ભાગમાં વેદોક્ત મંત્ર સમજીએ તો પણ ઘણું. 
         ऊँ पूर्णमद : पूर्णमिद पूर्णदपूर्ण मुदच्यते 
         । पूर्णस्य पूर्णमादाय, पूर्णमेवाशिष्यते ।
એ (પરબ્રહ્મ) સર્વ રીતે પૂર્ણ છે. 
એ પૂર્ણમાંથી (આ) પૂર્ણનો ઉદ્ભવ થયો છે. (એ) પૂર્ણમાંથી (આ) પૂર્ણને કાઢતાં પાછળ પૂર્ણ (પરબ્રહ્મ) જ શેષ રહે છે.
B.Ed - Trainee, District Institute Of Education And Training ( DIET ) - Patan Affiliated with ( IITE ) Indian institute of Teachers Education - Gandhinagar

Post a Comment

Please do not enter any spam link in the comment box.