પંચકોષનું બંધારણ
Constituent of Panch kosh
વિશ્વના તમામ દાર્શનિકો "સ્વ"નો પાર પામવા મથતા રહે છે અને અંતે 'નેતિ નેતિ' કહી હાથ ઊંચા કરી દે છે. ભારતીય દર્શનમાં “સ્વ” ની ભાળ મેળવવા બહુ જ મથામણ થઈ છે. "कोडहम्" - એટલે કે "હું કોણ છું" થી શરૂ થયેલી યાત્રા 'सोडहम्' તે જ હું છું સુધી અટકી છે. ગુજરાતના આદિ કવિ નરસિંહ મહેતા એ પણ આવી જ પંક્તિઓ લખી છે કે “નીરખને ગગનમાં કોણ બોલી રહ્યું, તે જ હું” તે જ હું તત્ત્વ બોલે એટલે કે સોહનું દર્શન આપણા શાસ્ત્રોમાં થયેલું છે. ભારતીય દર્શનમાં અને ભારતીય મનોવિજ્ઞાનમાં પંચકોષના અસ્તિત્વ વિશે છણાવટ થઈ છે. જે પાશ્ચાત્ય દર્શન કે પાશ્ચાત્ય મનોવિજ્ઞાનમાં નથી. યોગશાસ્ત્ર મુજબ, માનવનું અસ્તિત્વ પાંચ ભાગોમાં વહેંચાયેલું છે, જેને પંચકોષ કહે છે. ભારતીય દર્શન શરીર, મન અને આત્માને પરસ્પરથી અલગ જુએ છે. આત્મા જ્યારે બંધનમાં પડે છે ત્યારે તે મન અને શરીર સાથે સંકળાય છે. જેમ ડુંગળીના એક પર એક પડ વિંટળાયેલા હોય છે, તેમ જીવાત્મા આ પંચકોષમાં વિભાજિત થયેલો હોય છે. ભારતીય મનોવિજ્ઞાન મુજબ, આ પાંચ કોષોમાં જાગ્રત, અર્ધજાગ્રત અને અજાગ્રત મનની અનુભૂતિ થતી હોય છે. પ્રત્યેક કોષ એકબીજા સાથે ઘનિષ્ઠ રીતે સંકળાયેલા અને એકબીજાને પ્રભાવિત કરતા હોય છે. પંચકોષનું બંધારણ સમજીએ.
પંચકોષનું બંધારણ : (Constituent of Panch kosh)
1. અન્નમય કોષ (Physical Body) :
ઉદેશ : ભૌતિક જીવનની સંપન્નતા (અપરા વિઘા) :
આ કોષ અન્ન અને ભોજન દ્વારા નિર્મિત છે. અન્નના રસથી ઉત્પન્ન થઈ, વૃદ્ધિ પામે અને અન્નરૂપે પૃથ્વીમાં વિલીન થઈ જાય. આનંદનું પ્રથમ અને નિમ્નતમ સ્વરૂપ છે. માનવનું ભૌતિક શરીર અન્નમય કોષ છે. દશ્યમાન જગત જેમાં આપણા શરીરનો પણ સમાવેશ થાય તે અન્નમય કોષ છે. આ પ્રથમ કોષ છે , જયાં "સ્વ" પોતાને સ્થૂળ રીતે અભિવ્યક્ત કરે છે. "સ્વ" શરીરને જ હું માની નિરંતર ભોગ - વિલાસમાં રહે છે. માનવ માટે ભૌતિક જીવનની સંપન્નતા અન્નમય કોષની આનંદપ્રાપ્તિનું પ્રારંભિક લક્ષણ છે. માત્ર ભૌતિક સંપન્નતા જ નહીં પરંતુ શિક્ષણ દ્વારા ભૌતિક તત્ત્વોની જાણકારી, તેનો ઉપયોગ, આજીવિકા માટેની ક્રિયાઓનું જ્ઞાન, ભૌતિક જગતનું જ્ઞાન તેની પ્રાપ્તિ, તેના ઉપભોગની જાણકારી, રોજીરોટી મેળવી પરિવારનું ભરણપોષણ વગેરે પણ અન્નમય કોષના લક્ષણો છે . આ “સ્વ” નો સૌથી બહારનો સ્થૂળદેહ ધરાવતો આકાર અને ઓળખ ધરાવતો નાશવંત કોષ છે.
2. પ્રાણમય કોષ (Energy Body) :
ઉદેશ : સ્વસ્થ શરીર જાળવવું (અપરાવિદ્યા) ભૌતિક “સ્વ” થી ઉપર 'પ્રાણમય' સ્વ કે કોષ છે. પ્રાણશક્તિથી બનેલો છે. પાંચ પ્રાણ (પ્રાણ, અપાન, સમાન વ્યાન અને ઉદાનવાયુ) અને ઈન્દ્રિયોનો સમૂહ એટલે પ્રાણમય કોષ. આ પાંચ પ્રાણ અનુક્રમે શરીરમાં પાંચ પ્રકારની ક્રિયાઓ શ્વાસોચ્છશ્વાસ, વિસર્જન, પાચન, રક્તભ્રમણ અને વિચારથી જોડાયેલા છે. શ્વાસોશ્વાસની ક્રિયા કરવાથી જે સ્પંદન અંદર બહાર થાય છે, જેનાથી આપણી ચારે બાજુ પ્રાણવાયુનો ક્રમ બને છે તે પ્રાણમય કોષ છે. માનસિક અને શારીરિક રીતે સ્વસ્થ મનુષ્ય સંપૂર્ણ શ્વાસ લે તેનો પ્રાણમય કોષ ઉત્તમ અવસ્થામાં રહે છે. સ્વસ્થ શરીર દ્વારા આનંદપ્રાપ્તિ કરવા માટે પ્રાણમય કોષ - શક્તિ જરૂરી છે. સજીવસૃષ્ટિના સુયોગ્ય વિકાસની પ્રક્રિયા અને ઈન્દ્રિયગત વિષયોમાં તેની પ્રવૃતતાની જાણકારી અને તે પ્રમાણેની શક્તિ પ્રાપ્ત કરી સ્વસ્થ શરીરનું નિર્માણ પ્રાણમય કોષની પ્રાથમિકતા છે. પ્રાણાયમના સતત પ્રયોગથી પ્રાણમય કોષ સ્વસ્થ રહી શકે છે.
3. મનોમય કોષ (Mental Body) :
ઉદ્દેશ : બૌદ્ધિક વિકાસ કરવો (પરા અને અપરાવિદ્યા) જેને આપણે મન કે મસ્તિષ્ક કહીએ છીએ તે મનથી બનેલો કોષ જો કે મન એ શરીરશાસ્ત્ર મુજબનો કોઈ ભૌતિક અવયવ નથી, પરંતુ આપણે જે કંઈ જોઈએ-સાંભળીએ એટલે કે ઈન્દ્રિયગત સંદેશ મસ્તિષ્કમાં જાય ત્યાં ચેતાતંત્ર મુજબ સૂચનાઓ એકઠી થાય અને મસ્તિષ્કમાંથી જુદા-જુદા રસાયણોનો સ્ત્રાવ થાય છે. આપણા વિચારો બને અને એ વિચારો મુજબ મન સ્પંદિત બનતા પ્રાણમય કોષની આસપાસ જે આવરણ રચાય તેને મનોમય કોષ કહે છે. મનોમય કોષ માનવીના બૌદ્ધિક વિકાસ સાથે સંકળાયેલો છે. આ વિકાસ ભાષા, અંકશક્તિ, માનસિક શક્તિ જેવી કે તર્ક, સર્જનાત્મકતા, ચિંતન વગેરેના સંદર્ભમાં હોઈ શકે. પ્રાણીઓથી મનુષ્ય મન અને વિચારના સ્તરે બૌદ્ધિક વિકાસના કારણે ઉચ્ચ સ્થાને બિરાજે છે. વૈચારિક શક્તિ, તાર્કિકતા, સર્જનાત્મકતા, અનુભવોનો સંચય અને સમાયોજન વગેરે મનોમય કોષની લાક્ષણિકતા છે. પ્રાણમય કોષથી પણ સૂક્ષ્મ છે. કર્મેન્દ્રિયોના ઘોડા શરીરરૂપી રથને હંકારે ત્યારે લગામનું કાર્ય મનોમય કોષ કરે છે.
4. વિજ્ઞાનમય કોષ (Wisdom Body) :
ઉદ્દેશ : માનસિક વિકાસનો (ઉદ્દેશ પરા અને અપરાવિદ્યા) વિજ્ઞાનમય કોષ અંર્તગત કે સહજ જ્ઞાનથી બને છે. ત્રણ કોષના બંધારણ ભારતીય મનોવિજ્ઞાન મુજબ હતા અને ચોથા તથા પાંચમા કોષનું બંધારણ ભારતીય દર્શનશાસ્ત્રના આધારે છે. સૂમ એવો વિજ્ઞાનમય કોષ મનોમય કોષની અંદર છે, એવી ધારણા ભારતીય દર્શનશાસ્ત્રમાં છે. વિવેક અને સારાસારનું ભાન કરાવે, નિરક્ષીર વિવેક આપે તે વિજ્ઞાનમય કોષ સત્ શું છે, અસત્ શું છે, પ્રેમ અને શ્રેયનું ભાન કરાવે તે વિજ્ઞાનમય કોષ છે. બુદ્ધિ જ્ઞાત ક્ષેત્રમાં રહેવા છતાં અજ્ઞાત ક્ષેત્રમાં પ્રવેશી શકે છે. નવી શોધ, નવી વિચારણા, પૂર્વસ્કૃતિના ઉપયોગ દ્વારા વ્યક્તિ કે પરિસ્થિતિ સંદર્ભે નાવીન્યપૂર્ણ વિચારણા અને યોગ્ય નિર્ણય લેવાની ક્ષમતા વિજ્ઞાનમય કોષ આપે છે. જ્ઞાન એ જ વિજ્ઞાન છે. પોતાની જાત વિશે ઓળખવાની શરૂઆત અહીંથી થાય છે.
5. આનંદમય કોષ (Bliss body) :
ઉદેશ : આત્માનુભૂતિનો ઉદ્દેશ (પરાવિદ્યા) સ્વના આ સ્તરને આનંદમય કોષ કહે છે. ભારતીય દર્શનશાસ્ત્ર મુજબ અહીં સ્વ બ્રહ્મ સાથે એકરૂપ થઈ જાય છે. દરેક "સ્વ" ની આ મોક્ષપ્રાપ્તિની ઝંખના છે. અહીં જ્ઞાતા અને શેય વચ્ચેનો ભેદ મટી જાય છે. અહીં સ્વની સાચી ઓળખ થાય છે. જ્ઞાતા જ્ઞાનમય બ્રહ્મમય બની આવરણરહિત બની જાય તે આનંદ છે. આત્મજ્ઞાન થતાં 'સ્વ'ને સત્-ચિ-આનંદની અનુભૂતિ થાય છે. સાધનને સાધ્ય ન માનતાં સાધનશુદ્ધિનું મહત્ત્વ સમજી બ્રહ્મસાક્ષાત્કારની સાધના અહીંથી શરૂ થઈ તેની પ્રાપ્તિ થાય ત્યાં સુધી ચાલુ રહે છે. બ્રહ્મનો સાક્ષાત્કાર અંતિમ લક્ષ્ય બને છે. ટૂંકમાં, ઉપનિષદના મહાવાક્ય सर्व खलि वहं ब्रह्म | સર્વ (સમસ્ત) ખરેખર બ્રહ્મ છે, તેની આત્માનુભૂતિ થાય છે.