આ નાનકડી વાર્તા માતૃભાષા વ્યક્તિના વ્યક્તિત્વ સાથે કેટલી ગાઢ રીતે જોડાઈ ગઈ છે, તે બતાવે છે. જીવનના સહજ ભાવો અને પ્રતિક્ષિપ્ત ક્રિયાઓ માતૃભાષા સાથે જ સઘન રીતે જોડાયેલાં છે.
આજે અંગ્રેજી ભાષાનું ચલણ વિશેષ મહત્ત્વનું બન્યું છે અને બાળકોને અંગ્રેજી માધ્યમમાં ભણાવવાની ઘેલછાએ સમાજમાં અનેક પ્રશ્નોને જન્મ આપ્યો છે ત્યારે માતૃભાષાના મહત્ત્વને ઊંડાણપૂર્વક સમજવાનો સમય પણ પસાર થઈ ગયો છે, તેવું લાગે છે. વાસ્તવમાં આપણી સમગ્ર વિચારધારા માતૃભાષાના રંગે રંગાયેલી હોય છે અને આપણો જગત સાથેનો અનુભવ માતૃભાષા દ્વારા જ પ્રથમ ગ્રહણ થાય છે. એ અર્થમાં વ્યક્તિના શ્વાસ અને ધબકાર સાથે માતૃભાષા જોડાયેલી છે. છતાં પ્રવર્તમાન સમયમાં માતૃભાષા પ્રત્યેના ગૌરવની અવહેલના થતી જોવા મળે છે. અંગ્રેજી ભાષાના શિક્ષકને જેટલી સામાજિક પ્રતિષ્ઠા મળે છે, તેટલી ગુજરાતી ભાષાના શિક્ષકને નથી મળતી. અને સાથે સાથે ગુજરાતી ભાષાના શિક્ષકને પણ પોતે માતૃભાષાના શિક્ષક હોવાનું ગૌરવ પણ અનુભવાતું નથી. સામે પક્ષે વિદ્યાર્થીઓને પણ એમ લાગે છે કે ગુજરાતી ભાષામાં શું ભણવાનું છે ? આમ વિદ્યાર્થી, વાલીઓ, શિક્ષક અને સમગ્ર સમાજ ગુજરાતી ભાષાના ગૌરવની ઉપેક્ષા કરતો હોય તે શિક્ષણ જગત માટે ચિંતાનો વિષય છે. અને હવે આ ઉપેક્ષા સહેજ પણ પોસાય તેમ નથી. પ્રસ્તુત પ્રકરણમાં માતૃભાષાની પરિભાષા, તેનું મહત્ત્વ, માતૃભાષાની શિક્ષણની વર્તમાન સ્થિતિ, માધ્યમિક શાળાઓમાં માતૃભાષા શિક્ષણની ઉપેક્ષા અને તે ઉપેક્ષા દૂર કરવાના ઉપાયો વિશે વિશદ્ ચર્ચા કરવામાં આવી છે.
માતૃભાષાનું મહત્ત્વ :
શિક્ષણના માધ્યમ તરીકે :
શિક્ષણના માધ્યમ તરીકે માતૃભાષાનું મહત્ત્વ જણાવતાં રવીન્દ્રનાથ ટાગોર કહે છે, “જ્યાં સુધી માતૃભાષાને ઉચ્ચ શિક્ષણનું માધ્યમ ન બનાવાય, જયાં સુધી માતૃભાષામાં જ બધાં પાઠ્યપુસ્તકોની પ્રાપ્તિ શક્ય ન બનાવાય, ત્યાં સુધી શિક્ષણધારાને મુક્ત રીતે વહેતી કરવાનું શ્રેય આપણને મળવું શક્ય નથી.” આ ઉપરાંત ગાંધીજીએ પણ શિક્ષણના માધ્યમ તરીકે માતૃભાષાને જ આવશ્યક ગણેલ છે. હવે અત્યારે શિક્ષણના માધ્યમ તરીકે માતૃભાષાના સ્થાન અંગે મતાંતર છે જ નહીં. દરેક ચિંતકે આ બાબત સ્વીકારી છે જ. માટે જ આજે દુનિયામાં દરેક જગ્યાએ બાળકો માતૃભાષામાં જ શિક્ષણ મેળવે છે. હા .... વિશિષ્ટ ક્ષેત્રનું વિશિષ્ટ શિક્ષણ ચોક્કસ જગ્યાએ મેળવવા માટે અન્ય ભાષાને માધ્યમ તરીકે સ્વીકારવી પડે છે, ત્યારે બાળક બીજી ભાષા દ્વારા સરળતાથી સાહજિક રીતે શીખી શકતો નથી, જેટલું તે તેની માતૃભાષા દ્વારા સાહજિક રીતે શીખે છે.
આજે તમે જાણો જ છો કે પ્રાથમિકથી માંડીને કૉલેજ કક્ષા સુધી શિક્ષણના માધ્યમ તરીકે માતૃભાષાને જ મહત્ત્વ આપવામાં આવેલું છે. પાઠ્યપુસ્તકો ઉપરાંત વર્ગખંડમાં થતું પ્રત્યાયન પણ માતૃભાષામાં જ કરવામાં આવે છે. આજે પણ વિદ્યાર્થી સંદર્ભગ્રંથની પસંદગી કરવામાં પણ માતૃભાષાને જ પ્રાધાન્ય આપે છે. અધ્યયન અને અધ્યાપન માતૃભાષામાં થાય છે એટલું જ નહીં પરંતુ મૂલ્યાંકન પણ માતૃભાષા દ્વારા જ કરવામાં આવે છે. કારણ કે બાળક માતૃભાષા દ્વારા સારી રીતે, ઊંડાણપૂર્વક, અર્થગ્રહણ અને અભિવ્યક્તિ કરી શકે છે જેથી તેનો સિદ્ધિ આંક ઊંચો જાય છે.
અન્ય વિષયોનું શિક્ષણ પણ માતૃભાષામાં જ અપાય તેવું સૌ સ્વીકારે છે. શાળામાં શીખવવામાં આવતાં અન્ય વિષયો જેવાં કે ગણિત, વિજ્ઞાન, સમાજવિદ્યા, રમત - ગમત વગેરેનું શિક્ષણ પણ માતૃભાષા દ્વારા જ આપવામાં આવે છે. આમ અન્ય વિષયના પાયા તરીકે પણ માતૃભાષાને ગણી શકાય. અન્ય વિષયની સંકલ્પનાઓ પણ વિદ્યાર્થી માતૃભાષા દ્વારા જ સમજી શકશે તેમજ અભિવ્યક્તિ પણ માતૃભાષા દ્વારા જ કરી શકશે.
પ્રત્યાયનનું માધ્યમ :
પ્રત્યાયન માટે અંગ્રેજી શબ્દ છે - Communication તેનો અર્થ થાય છે માહિતી કે બાતમી આપવી કે તેની આપ - લે કરવી. અર્થાત કોઈ માધ્યમ દ્વારા વિચાર, સંદેશા કે લાગણીનું આદાનપ્રદાન કરવું. જે માટે સૌ પાસે સરળ સાધન છે માતૃભાષા. આપણે સૌ માતૃભાષા દ્વારા જ આપણા વિચારો, લાગણી, સંવેદના વગેરે એક - બીજા સુધી સરળતાથી પહોંચાડીએ છીએ.
સમાન માતૃભાષા ધરાવતાં સમાજમાં વાણીના વ્યવહાર માતૃભાષામાં જ થતાં હોય છે. ઘર, શેરી, શાળા, ગામ, જિલ્લો, રાજ્ય વગેરે જગ્યાએ વાણી વ્યવહાર માતૃભાષા દ્વારા જ થાય છે. વ્યક્તિ પોતાની માતૃભાષા દ્વારા ખૂબ જ સરળતાથી, સાહજિક રીતે, ઊંડાણપૂર્વક પોતાના વિચારો, માન્યતાઓ કે મત વ્યક્ત કરી શકે છે. દરેક વ્યક્તિ પાસે પોતાની મતભાષાનું શબ્દભંડોળ વિપુલ માત્રામાં હોય છે. જેના દ્વારા તે સાહજિક રીતે પ્રત્યાયન કરી શકે છે. આમ પોતાના વિચારો કે સંવેદનાઓ અન્ય વ્યક્તિને જણાવવા કે સમજાવવા માટે માતૃભાષા જ સબળ રીતે પ્રત્યાયનનું કામ કરે છે. તેવી જ રીતે અન્ય વ્યક્તિના વિચારો કે સંવેદનાઓ સરળતાથી જાણવા અને સમજવા માટે પણ માતૃભાષા પ્રત્યાયનનું કામ કરે છે.
ટૂંકમાં, સમાન માતૃભાષા ધરાવતા વ્યક્તિઓ વચ્ચે વાણી - વ્યવહારનું માધ્યમ માતૃભાષા જ કારગત નીવડે છે. આમ પણ વ્યક્તિ અનાયાસે તેમજ સાહજિક રીતે વિચાર વિનિમય કરવા માટે માતૃભાષાનો જ ઉપયોગ કરે છે. જેથી માતૃભાષાનું પ્રત્યાયન માટે મહત્ત્વ છે જ તેમ સ્વીકારીશું.
અસરકારક અભિવ્યકિતના માધ્યમ તરીકે :
મનુષ્ય એક સામાજિક પ્રાણી છે. ભાષા તેની સામાજિક જરૂરિયાત છે. ભાષા એ માનવીય પ્રક્રિયા છે. ભાષા એક સામાજિક સાધન છે. માતૃભાષાથી સામાજિક વ્યવહાર સરળ બને છે. વ્યક્તિ પોતાની પ્રેરક ભાષા દ્વારા, ભાષાની મધુરતા દ્વારા બીજાઓને પોતાના પ્રતિ આકર્ષી જ નથી શકતો, પણ તેની અભિવ્યક્તિ પણ કરી શકે છે, જેના દ્વારા સામાજિક વ્યવહારમાં સરળતા રહે છે. સમાજમાં વ્યક્તિ - વ્યક્તિ વચ્ચે મીઠા સંબંધો બાંધવા અને ટકાવી રાખવામાં માતૃભાષા ઉપયોગી છે. માતૃભાષાના શિક્ષણ દ્વારા વ્યક્તિમાં મીઠાશ, પ્રવાહિતા, પ્રાસાદિકતા અને સરળતા આવે છે.
સમાજના એક કાર્યક્ષમ અંગ બનવા માટે, સામાજિક વ્યવહારને કુશળ અને ફળદાયી બનાવવા માટે વ્યક્તિ માતૃભાષામાં કૌશલ્ય કેળવે તે ખૂબ જરૂરી છે. માતૃભાષા દ્વારા જ કચડાયેલા જીવનો આત્મા જાગે છે. માતૃભાષા દ્વારા જ રાષ્ટ્રની સામાજિકતા પાંગરે છે, અને તે સખત અને પ્રાણવાન બને વ્યક્તિની કે સમાજની ભાષા તો એની પ્રગતિની, એની અભિલાષાની, એના પુરુષાર્થની આરસી છે. એના પરથી વ્યક્તિ કે સમાજનાં રસ - વલણોને પ્રગતિને અને એની આખી સંસ્કૃતિને એના સાચા સ્વરૂપમાં પિછાની શકાય છે.
ભાષાકીય કુશળતાથી વિચારોની આપ - લે અને સામાજિક સંબંધ સરળ અને પ્રિયંકર બને છે. ભાષાની મીઠાશ, યોગ્ય શબ્દો વાપરવાની કુશળતા, ભાષામાં પ્રસન્ન ભાવ પ્રદર્શન, આત્મીયતાપ્રેરક ભાષા દ્વારા અન્ય વ્યક્તિ કે વ્યક્તિઓને અમુક વાતમાં ખાતરી કરાવવાની દલીલ શક્તિ, ભાષા દ્વારા મનોરંજન સામાજિક સંબંધો સ્થાપવામાં અને તેની મીઠાશ બનાવી ટકાવી રાખવામાં ભાષાની કુશળતા ખૂબ મહત્ત્વનો ભાગ ભજવે છે. આ બધી બાબતો માતૃભાષાના શિક્ષણ દ્વારા માતૃભાષામાં લાવી શકાય. માતૃભાષા ખરેખર સામાજિક કરણ માટે ઉપયોગી ઉપકરણ છે.
માતૃભાષાઃ અન્ય વિષયોનો પાયો :
ભાષા અધ્યયન સ્વયં શિક્ષણના ઊંચા મૂલ્યનું ઉત્પાદક છે. માતૃભાષા એ કેવળ વિષય નથી પણ એ તો દરેક વિષયના શિક્ષણનો પાયો છે. અને એટલે જ માતૃભાષાનું શિક્ષણ અતિ મહત્ત્વનું બનાવવું જરૂરી છે. માતૃભાષામાં જેનો પાયો નબળો તેને અન્ય વિષયોના અર્થગ્રહણમાં, તેનાં પાઠ્યપુસ્તકો અને સંદર્ભ સાહિત્યનો ગુરુતમ અને ફળદાયી ઉપયોગ કરવામાં મુશ્કેલી પડવાની જ. જુદા જુદા વિષયોમાં કેટલાક પાયાના ખ્યાલો કે પાયાની સંકલ્પનાઓ ભાષાના સ્તરે વિદ્યાર્થીને ન સમજાય તો તેને તે આવડતી નથી. આમ બધા વિષયોનું જ્ઞાન ભાષા દ્વારા મેળવવાનું હોવાથી માતૃભાષાનું શિક્ષણ આપવું આવશ્યક જ નહિ અનિવાર્ય છે. આથી જ રિચાર્ડસ કહે છે કે
“મનુષ્ય દ્વારા થતા અધ્યયનમાં ભાષાની અનન્ય ભૂમિકા છે અને વિભિન્ન વિષયો માટે કરવી પડતી ઉચ્ચ સ્તરની વિચારણામાં ભાષા અનિવાર્યપણે જરૂરી છે.”
ભાષા એ કૌશલ્યોનો વિષય છે. કથન, શ્રવણ, વાચન અને લેખન તેનાં મુખ્ય કૌશલ્યો છે. આ ચારેય કૌશલ્યો વિદ્યાર્થી હસ્તગત કરે તો તેના શિક્ષણ માટે મહત્ત્વની ભૂમિકા સર્જાય છે. જે વિદ્યાર્થી સારું કથન કરી શકે તે પ્રશ્નોના ઉત્તરો મૌલિક રીતે સારા આપી શકશે. જે વિદ્યાર્થીનું શ્રવણ કૌશલ સારું બનશે તે શિક્ષકના વક્તવ્ય, વાર્તાલાપ, સ્પષ્ટીકરણોનું અર્થગ્રહણ સારું કરી શકશે. વાચનકૌશલ્ય પર અધિકારિતા ધરાવનાર વિદ્યાર્થી પુસ્તકોનું વાચન કરી અર્થગ્રહણ કરી શકશે અને જેનું લેખન કૌશલ્ય વિકસિત તે પરીક્ષામાં સારો દેખાવ કરી શકશે. આમ ચારેય કૌશલ્ય શિક્ષણ માટે અતિ મહત્ત્વનાં છે. શિક્ષણની સફળતા માટે ચારેય કૌશલ્યોમાં પ્રાવીણ્યત જરૂરી છે.
વ્યક્તિને શિક્ષણ આપવું એટલે માનવીય વ્યક્તિત્વની સંકુલ આંતરિક શક્તિઓનો વિકાસ કરવો. આંતરિક શક્તિઓમાં ચોક્સાઇ, રચનાત્મકતા, અને મુક્ત વિચારવાની શક્તિ ખાસ મહત્ત્વની છે. ભાષા સાથે વિચારવાની શક્તિ સંકળાયેલી છે. લાભદાયી શિક્ષણના નિમિત્તમાં ભાષા અર્થપૂર્ણ અને મહત્ત્વની ભૂમિકા ભજવે છે. બીજા શબ્દોમાં કહીએ તો શિક્ષણની સફળતા વ્યક્તિના વ્યક્તિત્વ અને ભાષા કૌશલો વાપરવાની શક્તિ પર આધારિત છે. આમ માતૃભાષા વિના શિક્ષણ સંભવી શકે નહિ . માતૃભાષા એ શિક્ષણનો પાયો છે, સર્વ વિષયોના શિક્ષણનો પાયો છે.