Education Gujarati
Education Gujarati Join Our Telegram Channel
Join
Follow To WhatsApp Channel. Education Gujarati

Search Suggest

નાટ્યીકરણ ( રોલ પ્લે )

નાટ્યીકરણ ( રોલ પ્લે ) : 


 અર્થ : 

અધ્યેતાઓ કોઈ એકમ કે વિષયવસ્તુને નાટક અથવા સંવાદના સ્વરૂપમાં વર્ગસમક્ષ વાસ્તવિક રૂપે કે સજીવસ્વરૂપે પ્રદર્શિત કરે તેને નાટ્યીકરણ પ્રયુક્તિ કહેવામાં આવે છે. ટૂંકમાં, નાટ્યીકરણ એટલે બનાવો, ઘટનાઓ, પાત્રોને અભિનય સાથે વિના સંકોચે સંવાદો દ્વારા મૂર્ત સ્વરૂપ આપવાની પ્રયુક્તિ. તેનાથી વિષયવસ્તુને જીવંત સ્વરૂપ પ્રાપ્ત થાય છે.

સ્વરૂપ : 


કોઈપણ ઐતિહાસિક વ્યક્તિની ભૂમિકા પસંદ કરીને ઐતિહાસિક પ્રસંગની નાની નાટિકાઓ વિદ્યાર્થીઓ ભજવે, એ નાટ્યીકરણ થયું કહેવાય. અનુકરણ અને અભિનય કરવાની વૃત્તિ વિદ્યાર્થીઓમાં નાનપણથી જ જોવા મળે છે. સૈનિક, શિક્ષક, નેતા, મદારી, ફેરિયો વગેરેની નકલ બાળકો ખૂબ સહજતાથી કરે છે. બાળકોની આ વૃત્તિનો લાભ ઉઠાવીને સામાજિક વિજ્ઞાનનું જ્ઞાન આપવાની રીત એટલે નાટ્યીકરણ. આ પદ્ધતિમાં ક્રિયાનું તત્ત્વ છે અને ક્રિયા તે બાળકોનો મૂળભૂત સ્વભાવ છે. બાળકોમાં મેળવેલા જ્ઞાનને પ્રદર્શિત કરવાની તમન્ના હોય છે. બાળકોને નાટક જોવા અને ભજવવાં ગમે છે, તેથી મનોવૈજ્ઞાનિક આધાર પર રચાયેલી આ પદ્ધતિ વિદ્યાર્થી કેન્દ્રી પદ્ધતિ છે. (આ પદ્ધતિના વિનિયોગથી ઇતિહાસ શિક્ષણ જીવંત, રસપ્રદ અને અસરકારક બની જાય છે.) 

મહત્વ 


  • વિદ્યાર્થીઓની સ્મરણશક્તિ કેળવાય છે. 
  • વિદ્યાર્થીઓમાં સંવેગમય અને સંવેદનશીલ વલણો વિકસે છે. 
  • સામાજિક વિજ્ઞાનની ઘટનાઓ, પાત્રો અને પ્રસંગો યાદ રાખવા સરળ બની જાય છે. 
  • વિદ્યાર્થીને વાચિક અને અંગિક અભિનયની તક મળે છે, જેથી તેની ઉચ્ચારશુદ્ધિ, હાવભાવ અને વાણી કેળવાય છે. 
  • વિદ્યાર્થીઓને જૂથમાં સહકારથી કામ કરવાની ટેવ પડે છે, પરિણામે તેમનામાં સામાજિકતા વિકસે છે. 
  • ભૂતકાળ મૂર્ત સ્વરૂપે વર્ગખંડમાં પ્રગટ થાય છે. 
  • આ પદ્ધતિથી વિદ્યાર્થીઓ સ્વાનુભવ દ્વારા વિષયવસ્તુ શીખે છે. 
  • વિદ્યાર્થીઓની મૌખિક અભિવ્યક્તિ વધુ કેળવાય છે, જેથી સર્વાગી વિકાસ માટે અનુભવો મળે છે. 
  • બાળકોમાં રહેલો રંગમંચીય ભય દૂર થાય છે. અને આત્મવિશ્વાસ વધે છે.

નાટ્ય પ્રયુક્તિથી થતા લાભ : 


  •  વિદ્યાર્થીઓની પસંદગી પાત્રાનુકૂળ હોય ભાષામાં આરોહ અવરોહની અભિવ્યક્તિ તેમજ ઉચિત ભાવાભિવ્યક્તિ વિકસાવી શકાય છે. 
  • અધ્યેતાને પ્રસંગાનુકૂળ મૌખિક અભિવ્યક્તિ કરતાં આવડે છે. 
  • તેને યોગ્ય ઝડપથી અસરકારક ઉચ્ચારણથી, વિરામ ચિહ્નોની સમજ કેળવીને પાત્રના સંવાદો પ્રભાવક રજૂ કરતાં આવડે છે. 
  • તે ધીરે ધીરે બિનજરૂરી સભાક્ષોભ દૂર કરી યોગ્ય સંવાદો રજૂ કરીને પાત્રાભિવ્યક્તિ કરે છે જેથી તેના વ્યક્તિત્વનો વિકાસ થાય છે. 
  • નાટ્ય પ્રવૃત્તિ વેશભૂષાયુક્ત હોય તો પસંદગી અને સૌંદર્ય દૃષ્ટિ કેળવવાની તેને તક પ્રાપ્ત થાય છે. 
  • તે પ્રવૃત્તિ દ્વારા અધ્યેતા આત્મગૌરવની લાગણી અનુભવી શકે છે. 
  • કેટલીક વાર વર્ગના સમસ્યાયુક્ત બાળકોને આવી પ્રવૃત્તિ દ્વારા સુધરવાની તક સાંપડે છે. પ્રેરણા દ્વારા પૂર્ણ સમૂહ પણ વિકસી શકે છે. 

મર્યાદાઓ : 


  • બધા શિક્ષકો કે બધા વિદ્યાર્થીઓને અભિનય કલાનું જ્ઞાન હોતું નથી તેથી શક્યતા ઓછી છે. 
  • બધા એકમોનું સંવાદીકરણ કે નાટટ્યીકરણ શક્ય નથી. 
  • આ પ્રવૃત્તિ સમય વધુ લે છે જેથી અભ્યાસક્રમ પૂર્ણ થવામાં વિલંબ થાય છે. 
  • દરેક શાળામાં નાટ્યીકરણ પ્રવૃત્તિ થઈ શકે તેવી વ્યવસ્થા સુલભ હોતી નથી. 
  • આવી પ્રયુક્તિના આયોજનમાં નાણાંકીય ખર્ચનો પ્રશ્ન ભાષા શિક્ષકોને મૂંઝવતો હોય છે. 
  • નાટ્યીકરણ પ્રયુક્તિના આયોજનમાં શિસ્તના પ્રશ્નો પણ મૂંઝવતા હોય છે. વિદ્યાર્થીઓમાં ખોટી અનુકરણ પ્રકૃતિ કે ટેવ પડી જવાની બીક રહે છે. 
  • આ પ્રવૃત્તિમાં પ્રભાવક સંવાદીકરણ હાવભાવયુક્ત અભિનય અને નાટ્યકલા જરૂરી છે. જે બધા શિક્ષકોમાં ઉપલબ્ધ ન હોય શક્ય નથી. 


ધ્યાન પાત્ર બાબતો : 


  • નાટ્યીકરણમાં વાસ્તવિકતા જળવાવી જોઈએ. 
  • નાટ્યીકરણ માટે પૂરતી જગા, સમય અને સુવિધા ઉપલબ્ધ કરવી. 
  • નાટ્યીકરણનું સ્વરૂપ તૈયાર કરતાં ઉપયોગિતા અને સમયનો ખ્યાલ રાખવો. 
  • 10, 15 કે 20 મિનિટનાં જ નાટકો વર્ગમાં ઉપયોગી થઈ શકે છે . 
  • સંવાદો, ટૂંકા, સરળ અને શુદ્ધ ભાષાયુક્ત હોવા જોઈએ. 
  • અભિનય અને સંવાદ વ્યવસ્થિત શીખવવા.

Post a Comment

Please do not enter any spam link in the comment box.