પ્રખ્યાત મનોવૈજ્ઞાનિક એડવર્ડ એલ.થોર્નડાઈક (1874 – 1949) પ્રયત્ન અને ભૂલ દ્વારા અધ્યયનના પ્રણેતા છે. તેણે બિલાડી, ઉંદર અને અન્ય પ્રાણીઓ પરના પ્રયોગો દ્વારા પ્રસ્તુત સિદ્ધાંત તારવવાનો પ્રયત્ન કર્યો હતો. તેમણે ઈ.સ. 1899 થી 1939 સુધી કોલંબિયા યુનિવર્સિટીની શિક્ષક પ્રશિક્ષણ સંસ્થામાં મનોવિજ્ઞાનના પ્રાધ્યાપક તરીકે સેવા આપી હતી.
થોર્નડાઈકનો બિલાડી પરનો પ્રયોગ :
થોર્નડાઈકે એક ભૂખી બિલાડીને કોયડા પેટીમાં પૂરી. આ કોયડા પેટીને માત્ર એક માર્ગ હતો કે જેમાંથી બિલાડી બહાર આવી શકે. પેટીની રચના વિશિષ્ટ પ્રકારની હતી. બિલાડી પેટીના બારણાની કડી અમુક દિશામાં ફેરવે તો બારણું ખૂલી શકે. બિલાડી બહાર નીકળવાના ચોક્કસ પ્રયત્નો કરે તે માટે પેટીની બહાર બિલાડી જોઈ શકે તે રીતે ખોરાક રાખવામાં આવ્યો. પેટીની બહાર રહેલ ખોરાકની વાસ, ભૂખી બિલાડીને બહાર નીકળવા માટે પ્રેરણારૂપ બની રહે તે રીતે વ્યવસ્થા કરવામાં આવી હતી. બિલાડી કોયડાપેટીની બહાર નીકળવા પ્રયત્નો કરવા લાગી, બિલાડીએ અનેક પ્રયત્નો કર્યા, જે અસ્તવ્યસ્ત હતા. આ પ્રયત્નો દરમિયાન અચાનક જ બિલાડીથી બારણાની કડીંખૂલી ગઈ. આ જ પ્રક્રિયા ફરીથી કરવામાં આવી ત્યારે પણ બિલાડી ભૂખી જ હતી. આ સમયે બિલાડીને બહાર નીકળવામાં લાગેલો સમય પ્રથમ પ્રયત્ન કરતાં ઓછો હતો. ફરીથી આ પ્રકારના પ્રયત્નો કરવામાં આવ્યા થોર્નડાઈકે જોયું કે, પછીના દરેક પ્રયત્નોમાં બિલાડી દ્વારા કરાતાં દિશાવિહીન પ્રયાસોમાં તથા તેને બહાર આવવામાં લાગેલ સમયમાં ઘટાડો નોંધાયો છેવટે બિલાડી પ્રથમ પ્રયત્ન જ કોયડા પેટીમાંથી બહાર આવતા શીખી શકી.
પ્રયત્ન અને ભૂલ દ્વારા અધ્યયન પ્રક્રિયાને નીચેનાં સોપાનો દ્વારા વર્ણવી શકાય.
- ઇરણ : પ્રસ્તુત પ્રયોગમાં બિલાડી ભૂખી હતી. અને ખોરાકની વાસ દ્વારા તેને પ્રેરિત કરવામાં આવી.
- ધ્યેય : બિલાડી માટે કોયડા પેટીમાંથી બહાર આવી ખોરાક મેળવવો આ બાબત અંતિમ ધ્યેય હતું.
- સમસ્યારૂપ પરિસ્થિતિ : બિલાડી સમક્ષ કોયડા પેટી એ સમસ્યારૂપ પરિસ્થિતિ હતી. પેટીમાંથી બહાર આવવું એ સમસ્યાના ઉકેલ દ્વારા બિલાડી ખોરાકરૂપ ધ્યેય પ્રાપ્ત કરી શકે તેવી વ્યવસ્થા ઊભી કરવામાં આવી હતી .
- દિશાવિહીન પ્રયત્નો : ધ્યેય પ્રાપ્તિ માટેના માર્ગથી અજાણ બિલાડી બહાર આવવા માટેના અસ્તવ્યસ્ત પ્રયત્નો કરતી હતી.
- સાચા માર્ગની પસંદગી : અનેક અસ્તવ્યસ્ત પ્રયત્નો પૈકી ખોટા માર્ગો ત્યજી દેવામાં આવે છે અને સાચી દિશાના પ્રયત્નો જાળવી રાખવા પ્રયત્ન કરાય છે.
- અધ્યયન : અંતે સાચા માર્ગનું શિક્ષણ મળે છે કે જેના દ્વારા કોઈ પણ ભૂલ વગર ધ્યેય પ્રાપ્તિ થઈ શકે.
પોતાના દષ્ટિબિંદુને સ્પષ્ટ કરવા થોર્નડાઈક જણાવે છે "The cat does not look over the situation much less think it over and then decide what to do. It bursts out at once into the activities. helped by instincts and experiences."
અધ્યયનના નિયમો :
વિવિધ પ્રયોગોના અંતે થોર્નડાઈકે અધ્યયન પ્રક્રિયા વિશે નીચેના નિયમો આપવામાં પ્રયત્ન કર્યો.
1. તત્પરતાનો નિયમ :
નિયમમાં થોર્નડાઈક અધ્યેતા માટે (Conduction Unit) શબ્દનો ઉપયોગ કરે છે. તેના જણાવ્યા અનુસાર,
- જયારે અધ્યેતા (વહન - એકમ) શિક્ષણ મેળવવા માટે તત્પર હોય ત્યારે શિક્ષણ આપવું સંતોષપ્રદ બને છે.
- જયારે અધ્યેતા શિક્ષણ મેળવવા માટે તત્પર ન હોય ત્યારે શિક્ષણ આપવાના પ્રયત્નો નિષ્ફળ જાય છે.
- જ્યારે અધ્યેતા શિક્ષણ મેળવવા માટે તત્પર હોય ત્યારે શિક્ષણ ન આપવું તે બાબત પણ અધ્યયનને નિષ્ફળ બનાવે છે.
2. અસરનો નિયમ :
થોર્નડાઈકના મતે અધ્યયન ત્યારે જ સાચા અર્થમાં શક્ય બને છે જયારે અધ્યયનમાંથી આનંદ અને સંતોષની લાગણી જન્મે. થોર્નડાઈકે પોતાના શબ્દોમાં આ જ વાત આ પ્રમાણે રજૂ કરેલ છે. "When a modifiable connection between stimulus and response is made and is accompanied or followed by a satisfying state of affairs, that connection's strength is increased, when made and accompanied or followed by an annoying state of affairs, its strength is decreased."
બાળક માટે એવી પરિસ્થિતિનું સર્જન થવું જોઈએ કે જેના કારણે બાળક અસંતોષ કે દુઃખની લાગણી ન અનુભવે. અસંતોષ કે દુઃખદ પરિસ્થિતિ અધ્યયન પ્રક્રિયાને અવરોધે છે.થોર્નડાઈકનો આ નિયમ અધ્યયન પ્રક્રિયામાં બદલો અને શિક્ષાની અસર સમજાવે છે. બાળકને પૂરો પડાયેલ બદલો તેને નવું શીખવા માટેની પ્રેરણા પૂરી પાડે છે. જ્યારે શિક્ષા બાળકને અધ્યયન માટે હતોત્સાહ કરે છે.
3. પુનરાવર્તનનો નિયમઃ (The Law of Exercise)
પુનરાવર્તનનો નિયમ અધ્યયનપ્રક્રિયામાં મહાવરાનું મહત્ત્વ સ્પષ્ટ કરે છે. પુનરાવર્તનને કારણે ઉદ્દીપક પ્રતિચાર વચ્ચેનું જોડાણ વધુ મજબૂત બને છે. પુનરાવર્તનના નિયમના બે પેટાનિયમો છે.
- ઉપયોગનો નિયમ : ઉત્તેજક અને પ્રતિચારનું જોડાણ તેના વારંવારના ઉપયોગને કારણે વધુ સુદઢ થાય છે. વારંવાર ઉપયોગમાં લેવાતી બાબતો સરળતાથી યાદ રહે છે. ટાઇપ શીખનાર વ્યક્તિ, વાહન ચલાવતાં શીખનાર વ્યક્તિને મહાવરાની જરૂર પડે છે. વારંવાર તે ક્રિયા કરવાથી વધુ સારું અધ્યયન થઈ શકે છે.
- અનુપયોગનો નિયમઃ થોડો સમય સુધી ઉપયોગમાં ન લેવાનાર બાબત ભૂલાઈ જાય છે એટલે કે ઉત્તેજક - પ્રતિચારનું જોડાણ નબળું પડે છે. ઘણા સમય સુધી ઉપયોગમાં ન લેવાતો ફોન નંબર ભૂલાઈ જાય છે. બાળકે એક સમયે મોઢે કરેલ કાવ્ય જો ફરી ફરીને તેની પાસે બોલાવવામાં ન આવે તો બાળક તે કાવ્ય ભૂલી જાય છે.
4. પ્રયત્ન અને ભૂલ દ્વારા અધ્યયનના શૈક્ષણિક ફલિતાર્થઃ
શિક્ષણનાં ક્ષેત્રમાં થોર્નડાઈકના પ્રયત્ન અને ભૂલ દ્વારા અધ્યયનનું પ્રદાન ઘણું છે. વિવિધ શોધ એ પ્રયત્ન અને ભૂલનું જ પરિણામ છે.પ્રયત્ન અને ભૂલ દ્વારા અધ્યયનના ફલિતાર્થ નીચે મુજબ છે.
- શીખનાર વ્યક્તિએ સૌપ્રથમ શિક્ષણનું મહત્ત્વ સમજી લેવું જોઈએ. શિક્ષકે વિદ્યાર્થીઓને વિષયવસ્તુની ઉપયોગિતા સમજાવી તેમનામાં જિજ્ઞાસા ઉત્પન્ન કરવી જોઈએ.
- બાળકની શીખવાની ઇચ્છા, પરિપક્વતા વગેરે બાબતોને સમજીને અધ્યયન માટેના પ્રયત્નો કરાવવા જોઈએ.
- થોર્નડાઈકના મતે માત્ર મહાવરો પૂરો પાડવાથી અધ્યયન શક્ય બનતું નથી. મહાવરાની સાથે સાથે બાળકને તેનાં પરિણામ/પ્રગતિ વિશેની માહિતી પૂરી પાડવાથી બાળક વધુ શીખવા માટે પ્રેરાય છે. અધ્યયન પ્રક્રિયાને વેગ મળે છે.
- શિક્ષકે બાળકને સમગ્ર અધ્યયન પરિસ્થિતિની સમજ આપવી જોઇએ. તેમ જ વિવિધ વિષયમુદ્દાની સમગ્ર સમજ આપી તેમાં રહેલ સામ્ય અને તફાવત સમજાવવો જોઈએ.
- બાળકોને જરૂરી બદલો પૂરો પાડવો જોઈએ.
- નવા વિષયમુદ્દાની શરૂઆત સમયે તેને બાળકના પૂર્વજ્ઞાન સાથે ખસેડવાથી શિક્ષણ સંક્રમણનો લાભ મળે છે.

