Education Gujarati
Education Gujarati Join Our Telegram Channel
Join
Follow To WhatsApp Channel. Education Gujarati

Search Suggest

એકમ આયોજન

એકમ આયોજન : સંકલ્પના 

       શિક્ષક પોતાના વિષયના એકમના અધ્યાપન કાર્ય માટે 30–40 મિનિટના. તાસ માટેનું આયોજન કરે છે. આ પ્રકારના પાઠ આયોજનથી ઉચ્ચ કોટિના શૈક્ષણિક હેતુઓ કે ક્ષમતાઓની પારંગતતાના સ્તરે સિદ્ધિ ઓછી સંભવે છે. એવું અનુભવના પરિણામે સમજાયું. આ સમજમાંથી એકમ પાઠ આયોજનનો વિચાર કર્યો. સમગ્રતાવાદી (ગેસ્ટાલ્ટ) મનોવિજ્ઞાનીઓએ એકમ શિક્ષણની યોજનાને પુષ્ટિ આપી. એમના મતે, કોઈપણ વસ્તુનું સ્વરૂપ તેમાં રહેલા સમગ્રતાના ગુણને લીધે બંધાય છે. વાસ્તવમાં શિક્ષણ એક સળંગ, સમન્વિત - સંકલિત પ્રક્રિયા છે. એક જ વિષયના વિવિધ મુદ્દાઓ વચ્ચે, વિષયનો અન્ય વિષયો સાથે અને શાળાકીય તથા શાળા બહારના અનુભવો વચ્ચે સંબંધ રહેલો છે. શિક્ષણનો નૂતન અભિગમ - દૃષ્ટિકોણ અધ્યયનને સમગ્ર અનુભવ તરીકે ગણે છે, અને શિક્ષણની સમગ્ર (Whole) પદ્ધતિની હિમાયત કરે છે. 
     રોજ-બ-રોજના બદ્ધ તાસ પાઠ આયોજનનો સક્ષમ વિકલ્પ એટલે એકમ આયોજન. વર્ગખંડમાં વિદ્યાર્થીઓ સમક્ષ જે વિષયવસ્તુ રજૂ કરવાનું થાય છે તેનો ક્રમબદ્ધ અને વ્યવસ્થિત વિકાસ થાય એ જરૂરી છે. વિષયવસ્તુના વિવિધ એકમો અને એ એકમોમાં વિષયવસ્તુની ક્રમબદ્ધ શૈક્ષણિક રજૂઆત એ વર્ગશિક્ષણનું હાર્દ છે.

        તાસ (છૂટા) પાઠ આયોજનમાં નાના એકમો – મુદ્દાઓનું અધ્યાપન કાર્ય શક્ય બને છે, જે એકાંગી આયોજન બની રહે છે. તેમાં વિષયના મુદાઓ - એકમોની એકસૂત્રતા જોખમાય છે અને મર્યાદિત શૈક્ષણિક અનુભવો જ પૂરા પાડી શકાય છે. શિક્ષણ સઘન બનતું નથી, હેતુઓ - ક્ષમતાઓની મર્યાદિત સિદ્ધિ જ શક્ય બને છે. આમ, તાસ પાઠ આયોજનની ઘણી મર્યાદાઓ છે. એકમ પાઠ આયોજન આ મર્યાદાઓથી મુક્ત થવાનો નક્કર વિકલ્પ છે. તેમાં એક જ વિષયના તેમ જ વિષયોના સંબંધિત મુદ્દાઓનું સંકલન શક્ય છે, અને સમગ્ર શિક્ષણ આપી શકાય છે, શિક્ષણને સઘન બનાવી શકાય છે. 

        સામાન્ય રીતે, ચાર થી છ તાસનું, સમગ્ર પ્રકરણ કે વિષયવસ્તુની શૃંખલાને આવરી લેતું આયોજન એ એકમ પાઠ આયોજન કહેવાય. વિષયવસ્તુનો એક ઉપવિભાગ એટલે એકમ. હકીકતમાં સમાજવિદ્યામાં ઘણી બાબતો એકબીજા સાથે સંબંધિત છે. આ સઘળી બાબતોને સંકલિત કરવાથી શિક્ષણનો એકમ રચાય છે. શિક્ષણનો એક સ્વયંપૂર્ણ અને સ્વયં સ્પષ્ટ ઘટક બની રહેનાર આ એકમ પૂરતા શૈક્ષણિક અનુભવોની ક્ષમતા ધરાવે છે. એકમમાં વિદ્યાર્થીઓમાં વિવિધ ક્ષમતાઓને પારંગતતાની કક્ષાએ સિદ્ધ કરવાનું સામર્થ્ય રહેલું છે. શિક્ષક એકમ પાઠ આયોજન દ્વારા વિદ્યાર્થીઓમાં ઇચ્છિત ક્ષમતાઓ વર્તન - પરિવર્તન લાવી શકે છે.

  • એકમ એટલે સમાન કક્ષાવાળા વિવિધ શૈક્ષણિક અનુભવોનું સંકલન. 
  • એકમ એટલે કોઈપણ એક મુખ્ય શૈક્ષણિક મુદ્દા કે સમસ્યાની આસપાસ ગૂંથાયેલા સંભવિત અધ્યયન અનુભવોની હારમાળા. 
  • એકમ આયોજન એક એવો અનુભવ છે. જેમાં એક શૈક્ષણિક મુદ્દા સાથે સંબંધ ધરાવતા શક્ય એટલા અનેક મુદ્દાઓ, અનુભવો કે શૈક્ષણિક પાસાંનું સંકલન કરવામાં આવે છે અને પાઠ્યવસ્તુને એવા એકમમાં સંકલિત કરી દેવામાં આવે છે જેથી સંપૂર્ણ પાઠચક્રમના હેતુઓ, તેની ક્ષમતાઓ ઉચ્ચ કક્ષાએ સિદ્ધ થાય. 
  • એકમનું સૂત્ર છે, અનુભવોની હારમાળા. 
  • એકમ આયોજનમાં વિષયવસ્તુની અખંડિતતા કે અધ્યયન અનુભવોની સળંગસૂત્રતા જળવાય છે. 
  • જો કે એકમની વ્યાખ્યા અંગે શિક્ષણશાસ્ત્રીઓ એકમત પર આવ્યા નથી, એકમની જાણીતી સંકલ્પના આ મુજબ છે : 
  • A Unit Is An Unified Learning Experience . 
  • તે સમાન કક્ષાવાળા અનુભવોનું સંકલન છે. 
  • The Unit Is A Plan Of Instruction Based On A Significant Art Of Learning. 

ટૂંકમાં , એકમ આયોજન એટલે... 
  • એક જ પાઠનાં જુદાં જુદાં પાસાંના શિક્ષણનું આયોજન એટલે એકમ આયોજન. 
  • પાઠયપુસ્તકના કોઈ એક પાઠની વસ્તુનાં જુદાં જુદાં પાસાં પર તૈયાર કરેલા જુદા જુદા પાઠો યોજીને એકમની રચના થઈ શકે. 
  • પાઠયપુસ્તકમાંથી સમાન ભાવવાળી કૃતિઓ એકઠી કરીને તેનો એક એકમ બનાવી ત્રણચાર તાસના શિક્ષણકાર્યનું આયોજન થઈ શકે. 
  • કોઇપણ એક મુખ્ય મુદ્દા કે સમસ્યાની આસપાસના સંબંધિત અનુભવોની હારમાળા એટલે એકમ.

એકમ આયોજનનું મહત્વ :

  • શિક્ષણપ્રક્રિયામાં સાતત્ય આવે છે. 
  • સામાન્ય અને વિશિષ્ટ હેતુઓ (વર્તન - પરિવર્તનો) અને ક્ષમતાઓ પર ધ્યાન કેન્દ્રિત કરી શકાય છે. 
  • વિષયાંગના બધા મુદ્દાઓને પૂરતા પ્રમાણમાં ન્યાય આપી શકાય છે. વિષયવસ્તુનું વિગતપૂર્ણ ઊંડાણપૂર્ણ અધ્યાપન - અધ્યયન શક્ય બને છે. 
  • વિદ્યાર્થીઓને સમૃદ્ધ, ઘનિષ્ઠ, વૈવિધ્યપૂર્ણ, વ્યવસ્થિત, ચોક્કસ અને સતત અધ્યયન અનુભવો પૂરા પાડી શકાય છે. 
  • શિક્ષકની શક્તિનો અને સમયનો બચાવ થાય છે. 
  • વિદ્યાર્થીઓને વિશાળ ફલક પર વિચારવાની તકો મળે છે. 
  • વિદ્યાર્થીઓની વિચારશક્તિનો વિકાસ થાય છે. 
  • વિવિધ પ્રવૃત્તિઓના આયોજન માટે મોકળાશ મળી રહે છે. 
  • શિક્ષણ પ્રક્રિયામાં વિદ્યાર્થીઓની સક્રિયતા અને સામેલગીરી વધે છે. 
  • શૈક્ષણિક સાધન - સામગ્રીના વિશાળ ઉપયોગ માટે તકો રહે છે. 
  • સંદર્ભ ગ્રંથો અને સાહિત્યમાંથી પૂરક માહિતી શોધવાનું કૌશલ્ય વિકસે છે, અધ્યયન ટેવ વિકસે છે.
  •  વિદ્યાર્થીઓને સ્વતંત્ર રીતે કાર્ય કરવાની, સ્વ - અધ્યયન કરવાની તકો મળતી હોવાથી તેમનામાં આત્મવિશ્વાસ અને નિજગૌરવ વધે છે. અભ્યાસમાં તેમની રુચિ વધે છે અને તેમની વ્યક્તિગત ભિન્નતા સંતોષાય છે. 
  • પુનરાવર્તનની શક્યતા ઘટે છે, પરંતુ, તેને માટે, દઢીકરણ માટે, અવકાશ રહે છે. 
  • વિવિધ પદ્ધતિઓ, પ્રવિધિ, પ્રયુક્તિઓ, અભિગમો અને પ્રયોગોની અજમાયશ, તેનો ઉપયોગ કરવા માટે મોકળાશ રહે છે, અનુકૂળતા રહે છે.

એકમ આયોજનના સોપાનો

[ 1 ] એકમનું નામ : મુખ્ય એકમ કે કોઈ વિષય નક્કી કર્યો હોય તો તે સમગ્ર એકમનું નામ અહીં લખવાનું હોય છે. દા.ત. 'ઝબક જયોત' મુખ્ય એકમ છે, તો તેનું નામ લખાય. પણ અભ્યાસક્રમમાં ત્રણ ચાર ભક્તિકાવ્યો હોય તો તેને મુખ્ય વિષય તરીકે પસંદ કરતાં "ભક્તિ કાવ્યોનો અભ્યાસ" એવું શીર્ષક લખી શકાય.  

[ 2 ] પેટ એકમો : સમગ્ર એકમને જેટલા તાસમાં વહેંચવામાં આવ્યો હોય તે પ્રમાણે તાસવાર પેટા એકમોના શીર્ષકની નોંધ કરવામાં આવે છે. જેમ કે...
તાસ 1 : ઝબકજયોત - લેખક પરિચય અને વાચન 
તાસ 2 : વિષયનિરૂપણ, પ્રસંગો, ભાવનિરૂપણ
તાસ 3 : પાત્રાલેખન, શીર્ષકની યથાર્થતા, લેખકની શૈલી 
તાસ 4 : આનુષંગિક વ્યાકરણ 
તાસ 5 : "રાષ્ટ્રધ્વજને" કાવ્ય - ગાન - ભાવનિરૂપણ

[ 3 ] શૈક્ષણિક હેતુઓ : સમગ્ર એકમને ધ્યાનમાં લઈ સામાન્ય અને વિશિષ્ટ હેતુઓની નોંધ કરવામાં આવે છે. દરેક સામાન્ય હેતુની નીચે બે - ત્રણ વિશિષ્ટ હેતુઓની નોંધ મૂકીને ક્રમબદ્ધ રીતે લખી શકાય. દા.ત. 
સામાન્ય હેતુ : વિદ્યાર્થીઓ શ્રવણ દ્વારા અર્થગ્રહણ કરે. 
વિશિષ્ટ હેતુ 
  • વિદ્યાર્થીઓ ધ્યાનપૂર્વક શ્રવણ કરે. 
  • વિદ્યાર્થીઓ શુદ્રોચ્ચારથી શ્રવણ કરે. 
  • વિદ્યાર્થીઓ વકતાના વિચારોનું મૂલ્યાંકન કરે. 

[ 4 ] વિષયવસ્તુના મુદ્દા : સમગ્ર એકમને ધ્યાનમાં લઈ તાસ પ્રમાણે વિષયવસ્તુના જે જે વિભાગો પ્રમાણે મુદ્દા વિભાજિત કર્યા હોય તેની ટૂંકમાં નોંધ કરવાની છે. દા.ત.,
તાસ 1 : પ્રસ્તાવના - કવિ પરિચય - પાઠનું પઠન - વિરામચિહ્નોની સમજ.

[ 5 ] સંકલ્પનાઓ : એકમમાં આવતા કેટલાક મૂળભૂત ખ્યાલોને આ સોપાનમાં એક બે ઉદાહરણ રજૂ કરી સ્પષ્ટ કરવાના હોય છે. 
       દા.ત., રૂઢિપ્રયોગ, સંધિ, અલંકાર, સમાસ વગેરે દરેકની સંકલ્પના રજૂ કરી પાઠને આધારે એક - બે ઉદાહરણની નોંધ કરવી જોઈએ. વિદ્યાર્થીઓની વયે, કક્ષા, જ્ઞાન તથા અનુભવ મર્યાદાને ધ્યાનમાં લઈને સંકલ્પનાનો ખ્યાલ આપવો જોઈએ. 

[ 6 ] અધ્યાપન પદ્ધતિઓ : આ સોપાનમાં સમગ્ર એકમને લક્ષમાં રાખીને કઈ કઈ પદ્ધતિઓ, પ્રયુક્તિઓનો ઉપયોગ કરવાનો છે, તેની નોંધ કરવી જોઈએ. દા.ત., વ્યાખ્યાન પદ્ધતિ, પ્રશ્નોત્તર પદ્ધતિ, ગાન પ્રયુક્તિ, નાટ્યીકરણ પ્રયુક્તિ વગેરે.  

[ 7 ] શૈક્ષણિક સાધનો : એકમની વિગતો અને હેતુઓને ધ્યાનમાં રાખી કઈ શૈક્ષણિક સામગ્રી અને સાધનોનો ઉપયોગ કરવાનો છે, તેની નોંધ મૂકવામાં આવે છે. દા.ત., કવિ પરિચય, ચાર્ટ, ટેપરેકોર્ડર, રોલ - અપ બૉર્ડ વગેરે.

 [ 8 ] અધ્યયન પ્રવૃત્તિઓ : વર્ગની અંદર કે બહાર, વ્યક્તિગત સ્વરૂપમાં કે સામૂહિક રીતે વિદ્યાર્થીઓએ સમગ્ર એકમ દરમિયાન જે જે પ્રવૃત્તિઓ કરવાની હોય તેની નોંધ મૂકવામાં આવે છે. 
દા.ત., 
  • વિદ્યાર્થીઓ કવિ પરિચય ચાર્ટ નિહાળશે. 
  • વિદ્યાર્થીઓ ટેપરેકોર્ડર પર કવિતાનું ગાન સાંભળશે. 
  • વિદ્યાર્થીઓ રોલ અપ બૉર્ડ પર રજૂ કરેલી કાવ્યપંક્તિઓનું પઠન કરશે. 

[ 9 ] મૂલ્યાંકન : સમગ્ર એકમ પર આધારિત મૂલ્યાંકન કસોટીની રચના કરવામાં આવે છે, અને બધા તાસને અંતે કસોટી લેવામાં આવે છે. પાઠ આયોજનમાં જેમ તાસની છેલ્લી પાંચ મિનિટમાં મૂલ્યાંકન કરવામાં આવે છે તે એકમ આયોજનના અધ્યાપન દરમિયાન દરેક તાસમાં કરવામાં આવતું નથી, પણ સમગ્ર એકમના અધ્યાપનને અંતે બ્લ્યુ પ્રિન્ટને આધારે તૈયાર કરેલી કસોટી દ્વારા મૂલ્યાંકન કરવામાં આવે છે.

[ 10 ] સ્વાધ્યાય : દરેક તાસમાં પેટા એકમના સંદર્ભમાં સ્વાધ્યાય કાર્ય આપવામાં આવે છે. દરેક તાસને અંતે કર્યું સ્વાધ્યાય આપવામાં આવશે, તેની નોંધ મૂકવાની હોય છે.
 દા.ત., તાસ - 
  • સમગ્ર પાઠ ધ્યાનપૂર્વક વાંચી લાવવો. 
  • દીપકના પાત્રનું પાત્રાલેખન લખી લાવો.  

[ 11 ] સંદર્ભ સાહિત્ય : શિક્ષક સમગ્ર એકમને તૈયાર કરવામાં પાઠ્યપુસ્તક સિવાય જે જે અન્ય પુસ્તકો, મેગેઝિન, વર્તમાનપત્રો કે શબ્દકોશનો ઉપયોગ કરે તેની નોંધ અહીં મૂકવામાં આવે છે. કોઈ વ્યક્તિ કે સ્થળની મુલાકાત લીધી હોય તો તેની નોંધ પણ મૂકવામાં આવે છે.

Post a Comment

Please do not enter any spam link in the comment box.