Education Gujarati
Education Gujarati Join Our Telegram Channel
Join
Follow To WhatsApp Channel. Education Gujarati

Search Suggest

શાસ્ત્રીય અભિસંધાન - પાવલોવ

શાસ્ત્રીય અભિસંધાન - પાવલોવ 
(Classical conditioning) : 


અભિસંધાન દ્વારા અધ્યયનનો સિદ્ધાંત સૌપ્રથમ રશિયન શરીરશાસ્ત્રી ઇવાન પેટ્રોવિચ પાવલોવે સમજાવવાનો પ્રયત્ન કર્યો હતો. તેનાં સંશોધન કાર્યો અને આગવી પ્રતિભાને કારણે તેને અનેક સંસ્થાઓ અને યુનિવર્સિટીઓ દ્વારા સન્માન પ્રાપ્ત થયું હતું. “Conditioned reflex Theory” એ તેનું મનોવિજ્ઞાનમાં મુખ્ય પ્રદાન હતું. પાવલોવમાં શાસ્ત્રીય અભિસંધાનનો પ્રયોગ જોઈએ તે પહેલાં કેટલીક સંકલ્પનાઓ આપણે જોઈ લઈએ.


1. ઉદ્દીપક અથવા ઉત્તેજક (Stimulus) : 


ઉદ્દીપક એટલે જેના દ્વારા ઉત્તેજના પેદા થાય છે. મજાનું મિશ્ન જોઈએ એટલે પાણી આવી જાય. સરસ ફૂલ જોઈને તેને ચૂંટી લેવાનું મન થાય. અહીં મિષ્ટાન્ન આપણને ઉત્તર છે, તેથી તે ઉદ્દીપક છે. ફૂલ આપણને ઉત્તેજે છે, તેથી તે ઉદીપક છે. ઉપરના પદાર્થો ઉત્તેજના પેદા કરે છે, તેથી તે ઉદીપકો છે. મિષ્ટાન્ન જોઈને મોંમાં પાણી આવી જાય તે પ્રતિચાર (Response) છે. તેજવી પ્રકાશમાં આંખ મીંચાઈ જાય. અહીં પ્રકાશ એ ઉદીપક છે અને આંખનું મીંચાવું એ પ્રતિચાર છે. વાઘને જોઈને દોડીએ છીએ. અહીં વાઘ ઉત્તેજક છે અને દોડવાની ક્રિયા પ્રતિચાર છે. 

2. પ્રતિચાર (Response) : 

ઉદ્દીપક દ્વારા જે પ્રતિક્રિયા થાય છે તે પ્રતિચાર છે. આ ક્રિયાને પ્રતિક્રિયા પણ કહેવામાં આવે છે. તે સહજ અને કુદરતી છે. તે આપોઆપ થઈ જાય છે. અહીં પ્રતિક્રિયાઓ ઉદીપકને લીધે આપણે કરતાં હોઈએ છીએ. જેમ કે.... 

[ 1 ] મિષ્ટાન્ન જોઈને મોંમાં પાણી આવવું. 
[ 2 ] વાઘ સામો મળે તો દોડવા માંડવું. 
[ 3 ] ગમતી વ્યક્તિનું આગમન થાય ત્યારે તાળી પાડવી. 
[ 4 ] સામેથી વાહન આવતું હોય ત્યારે તેની લાઇટથી આંખ બીડાઈ જવી. 
ઉપરની ક્રિયાઓ પ્રતિચારો છે. આ પ્રતિચારો બે પ્રકારના હોય છે : 
( 1 ) અનભિસંધિત, 
( 2 ) અભિસંધિત પ્રતિચાર.


3. અનભિસંધિત પ્રતિચાર : 

જે પ્રતિચાર કુદરતી રીતે કે સાહજિક રીતે થાય તે અનભિસંધિત પ્રતિચાર કહેવાય છે. જેમ કે, મિષ્ટાન્ન જોઈને લાળ ઝરવી, એકદમ પ્રકાશનો સામનો થતાં આંખ બંધ થઈ જવી, બસ ઊપડતી જતાં દોડવા લાગવું, આ બધા પ્રતિચારો સહજ કે કુદરતી હોય છે. આ બધા પ્રતિચારોને અનભિસંધિત પ્રતિચારો કહેવામાં આવે છે.


4. અભિસંધિત પ્રતિચાર :

 અભિસંધિત પ્રતિચાર એ કૃત્રિમ કે બનાવટી પ્રતિચાર છે. તે કુદરતી પ્રતિચારની ગેરહાજરીમાં ઉત્પન્ન થાય છે. મિષ્ટાન્નને બદલે માત્ર ઘંટડી વાગવાથી મોંમાથી લાળ ઝરવી શરૂ થાય છે. તે અભિસંધિત પ્રકારનો પ્રતિચાર કહી શકાય. 


5. અનભિસંધિત ઉદ્દીપક : 

એવો ઉદ્દીપક કે જે કોઈપણ પ્રકારના પૂર્વ અધ્યયન કે અનુભવ વગર કોઈ અવલોકન કરી શકાય તેવો પ્રતિચાર ઉત્પન્ન કરી શકે. આ પ્રકારના ઉદીપકમાં મૂળભૂત રીતે પ્રાણીમાં કોઈ ચોક્કસ વર્તન નિપજાવવાની ક્ષમતા હોય છે. પાવલોવના પ્રયોગમાં કૂતરાના મોઢામાં મૂકવામાં આવતો ખોરાક અનભિસંધિત છે. તેનામાં કૂતરાના મોઢામાં લાળ ઉત્પન્ન કરવાની કુદરતી ક્ષમતા છે. 


6. અભિસંધિત ઉદીપક :

 અનભિસંધિત ઉદીપક વડે મળતો પ્રતિચાર મેળવવાની જેનામાં કુદરતી ક્ષમતા નથી. પરંતુ અનભિસંધિત ઉદીપકની પહેલા એકથી ચાર સેકન્ડ દરમિયાન વારંવાર રજૂ કરવાથી અનભિસંધિત ઉદીપક વડે મળતો પ્રતિચાર કામચલાઉ રીતે મેળવવાની ક્ષમતા પ્રાપ્ત કરે છે. આ ઉદ્દીપકમાં કુદરતી રીતે પ્રતિચાર ઉત્પન્ન કરવાની ક્ષમતા નથી, પરંતુ અમુક પરિસ્થિતિમાં તે રજૂ કરવામાં આવે તો તે અમુક પ્રતિચાર ઉત્પન્ન કરી શકે. ઘંટડીનો અવાજ અભિસંધિત ઉદીપક છે. 


7. પ્રબલન : 

જયારે અભિસંધિત ઉદીપકની રજૂઆત પછી તરત જ અનભિસંધિત ઉદીપક રજૂ કરવામાં આવે ત્યારે અભિસંધિત પ્રતિચારનો દર વધે છે. આમ, અભિસંધિત ઉદીપકનો ઉપયોગ ચાલુ રાખીને અનભિસંધિત પ્રતિચારની માત્રા વધારવાની ક્રિયાને પ્રબલન કહેવાય છે. 


8. ઉચ્છેદન : 

અભિસંધિત ઉદીપક રજૂ કર્યા પછી અનભિસંધિત ઉદીપકનો સમયગાળો લંબાવવામાં આવે અથવા તેને બંધ કરવામાં આવે તો અભિસંધિત પ્રતિચાર મંદ બંધ પડે છે. આ ઘટનાને ઉચ્છેદન કહેવાય છે.

પાવલોવનો પ્રયોગ : 



પાવલોવ શરીરશાસ્ત્રી હતો : કૂતરાના મોંમાંથી લાળ ઝરવાની ક્રિયા સમજવા માટેના પ્રયોગ દરમિયાન તેણે જોયું કે, કૂતરાનો ખોરાક દર્શાવતા તેના મોંઢામાંથી લાળ ઝરવા લાગે છે. જે સામાન્ય પ્રતિક્રિયા હતી. અહીં ખોરાક કુદરતી ઉદીપક હતો આ ક્રિયા સમજવા તેણે એક પ્રયોગ કર્યો.

 સૌપ્રથમ તેણે કૂતરાને એક સ્ટેન્ડ સાથે બાંધી દીધો, જેથી કૂતરો હલનચલન ન કરી શકે. ત્યારબાદ મોંમાં નીચેના ભાગેથી એક નળી જોડવામાં આવી કે જે તેના મોંમાંથી લાળને અલગ પાત્રમાં એકત્ર કરી શકાય. કૂતરાને બહારનો અવાજ ન સંભળાય તે પ્રકારના એક ઓરડામાં રાખવામાં આવ્યો. પ્રયોગવિધિ નીચે પ્રમાણે હતી.

 સૌપ્રથમ કૂતરા સમક્ષ ઘંટડીને અવાજ કરવામાં આવ્યો. અવાજ સાંભળતાં જ કૂતરાએ પોતાના કાન ઊંચા કર્યા. આ સમયે તેના મોંમાંથી લાળ ઝરી નહિ. હવે પાવલોવે કૂતરાને ખોરાક આપ્યો અને સાથે ઘંટડીનો અવાજ પણ કર્યો. આ ક્રિયા થોડો સમય સુધી ચાલુ રાખવામાં આવી. થોડા સમય બાદ કૂતરાને ખોરાક આપવાનું બંધ કરી માત્ર ઘંટડીનો અવાજ કરવામાં આવ્યો. પાવલોવે જોયું કે, માત્ર ઘંટડીનો અવાજ સાંભળવાથી પણ કૂતરાના મોંમાંથી લાળ ઝરતી હતી.

શાસ્ત્રીય અભિસંધાનની લાક્ષણિકતાઓ : 

  • પ્રતિચારોના અવલોકન દ્વારા શાસ્ત્રીય અભિસંધાનની લાક્ષણિકતાઓ તારવવામાં આવી છે, જે નીચે મુજબ છે.
  • પ્રતિચારો સ્વયંસંચાલિત - અનૈચ્છિક હોય છે. 
  • શાસ્ત્રીય અભિસંધાન દ્વારા લાળ ઝરવી, પાચન, હૃદયના ધબકારા વગેરે પર અસર લાવી શકાય છે. 
  • શાસ્ત્રીય અભિસંધાન દ્વારા હલનચલન જેવાં અસ્થિતંત્રના વિવિધ પ્રતિચારોનું સહેલાઇથી અભિસંધાન કરી શકાય છે. 

શાસ્ત્રીય અભિસંધાનના ઉપયોગો : 
  • માનવ સંવેગો સુધારી શકાય. 
  • વલણો સુધારવામાં ઉપયોગ થઈ શકે.
  • શાસ્ત્રીય અભિસંધાનથી અપાનુકૂલન દૂર કરી શકાય.
  • મનોપચાર માટે શાસ્ત્રીય અભિસંધાનનો ઉપયોગ કરી શકાય. 

શાસ્ત્રીય અભિસંધાનનો શૈક્ષણિક ફલિતાર્થ : 

માનવના વર્તનમાં જયારે અભિસંધાન દ્વારા પરિવર્તન આવે ત્યારે તે અભિસંધાન દ્વારા અધ્યયન થયું કહેવાય.
  • વર્ગખંડમા ઘંટ વાગવાથી બાળકો વર્ગખંડમાં પ્રવેશે છે.
  • બાળકોમાં શિસ્ત, શિષ્ટાચાર અને હકારાત્મક વલણો કેળવી શકાય છે. 
  • સુટેવોનું ઘડતર થઈ શકે છે, કુટેવો દૂર કરી શકાય છે. 
  • અભાસી વાતાવરણમાં તાલીમ આપવા માટે તેનો ઉપયોગ કરી શકાય છે. 
  • વિદ્યાર્થીઓને અમુક વર્તનો કે ઘટનાને કારણે વિષય પ્રત્યે અણગમો/ડર ઊભો થાય છે ત્યારે વિષયને લગતી સરળ બાબતો પ્રેમથી શીખવવામાં આવે તો વિષય પ્રત્યે રસ - રૂચિ વધે છે. 
  • મૂળાક્ષરો અને આંક શીખવવામાં ઉપયોગી છે. 

Post a Comment

Please do not enter any spam link in the comment box.