Education Gujarati
Education Gujarati Join Our Telegram Channel
Join
Follow To WhatsApp Channel. Education Gujarati

Search Suggest

અષ્ટાંગ યોગ

અષ્ટાંગ યોગના પ્રણેતા પતંજલિનું યોગસૂત્ર યોગદર્શનનો આધારભૂત ગ્રંથ ગણાય છે. મહર્ષિ પતંજલિએ યોગના સિદ્ધાંતોને તંત્રબદ્ધ કર્યા. સાંખ્યની જેમ યોગ સત્કાર્યવાદને માને છે. યોગદર્શન સેશ્વર છે જ્યારે સાંખ્ય નિરીશ્વર છે. મહર્ષિ પતંજલિ પ્રકૃતિ, પુરુષ અને ઈશ્વરની સત્તામાં વિશ્વાસ રાખે છે, પરંતુ ઈશ્વર પ્રાપ્તિ યોગનું અનિવાર્ય અંગ નથી માનતા. યોગશાસ્ત્રનો મુખ્ય વિષય યોગ એટલે ચિત્તવૃત્તિ નિરોધ છે. વ્યક્તિગત સ્વ અને સાર્વત્રિક સ્વના એકીકરણ માટે ચિત્તવૃત્તિ નિરોધ ખૂબ અગત્યનો છે. પતંજલિનો અષ્ટાંગ યોગ ચિત્તવૃત્તિને અંકુશમાં રાખે છે. 

વિક્ષિપ્ત અને મૂઢ ચિત્ત યોગ માટે યોગ્ય નથી. એકાગ્ર અને નિરુદ્ધ ચિત્ત ધરાવતો સ્વ યોગ ક્રિયાઓ કરી શકે છે. ચિત્તવૃત્તિ નિરોધ યૌગિક ક્રિયા માટે અનિવાર્ય છે. યોગના અભ્યાસથી યોગી ક્રમશઃ ઉચ્ચતર ભૂમિકા પ્રાપ્ત કરી શકે છે. યોગના અભ્યાસથી શરીર, પ્રાણ, અને મન પર સંયમ આવે છે. યોગમાં મુખ્ય માનસિક અનુશાસન છે. યોગ જીવનશૈલી છે. અષ્ટાંગ યોગની સ્વના એકીકરણના સાધન તરીકેની ચર્ચા કરતાં પહેલાં અષ્ટાંગ યોગને સમજીએ. 

મહર્ષિ પતંજલિએ યોગસૂત્રમાં 195 સૂત્રો આપ્યા તેમાં તેમણે યોગના આઠ અંગો જણાવ્યા છે. જેના દ્વારા ક્રમશઃ સ્વનું એકીકરણ થાય છે. અષ્ટાંગ યોગના એક - એક અંગને સમજીએ અને તેના દ્વારા સ્વનો વિકાસ અને એકીકરણ કેવી રીતે થાય છે તે સમજવા પ્રયત્ન કરીએ. 

યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ યોગના આઠ અંગો છે : 



યમ : 

યોગનું પ્રથમ સોપાન છે. “યમ” એટલે વર્તનમાં નિષેધક બાબતોને સામેલ ન કરવી. અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ - આ પાંચ યમ કહેવાય છે. આ પાંચ વ્રત છે જેના પાલનથી વ્યક્તિગત સ્વ કે સાર્વત્રિક સ્વનું એકીકરણ કરી શકાય છે. આ પાંચ નિષેધાત્મક સદ્ગુણ છે. 

અહિંસા એટલે મન, વચન અને કર્મ દ્વારા કોઈપણ પ્રાણીને હિંસા કે કષ્ટ ન પહોંચાડવું. બધાં પ્રત્યે દયા , કરુણા અને સદ્ભાવના રાખવી. હિંસા બધા જ પ્રકારની આપત્તિનું મૂળ છે. ગાંધીજીએ અહિંસાને શ્રેષ્ઠ ધર્મ કહ્યો છે. ઉપનિષદમાં પણ 'અહિંસા પરમો ધર્મ' એવું કહેવાય છે. સત્ય એ બીજો યમ છે સત્ય એ જ છે જે બધા માટે હિતકારી હોય. યોગ સ્વાર્થવાદી નથી પરંતુ પરહિતવાદી (Aitruistic) છે. સત્યને સ્વના મૂલ્ય તરીકે લેવાથી સ્વની સંવાદિતા વધે છે. સુસંવાદી વ્યક્તિત્વ જ સાર્વત્રિક સ્વ બની શકે છે. 

ત્રીજો યમ "અસ્તેય" છે, જેનો અર્થ છે – બીજાની સંપત્તિ પર અનુચિત અધિકાર ન કરવો કે બીજાની વસ્તુઓ માટે ઈચ્છા પણ ન હોવી, ચોથો યમ છે બ્રહ્મચર્ય એટલે કે ઈન્દ્રિયો પર સંયમ અને અંતિમ યમ છે, અપરિગ્રહ જેનો અર્થ થાય છે ઉપભોગની વસ્તુઓનો સંગ્રહ ન કરવો. 

અષ્ટાંગ યોગના પહેલા સોપાન યમના પાંચ વ્રતોને જીવનમાં કોઈ વ્યક્તિ ઉતારે તો સમષ્ટિનું કલ્યાણ થઈ શકે. આજે માનવજાત અનેક સમસ્યાઓથી ઘેરાયેલી છે. જેના મૂળમાં આ પાંચ વ્રતોનું પાલન ન કરવું તે છે. વ્યક્તિગત સ્વ અને સાર્વત્રિક સ્વની ઉન્નતિ માટે યમનું પાલન કરવું જોઈએ. આ પાંચ વ્રતો દ્વારા મનને શુદ્ધ કરવાથી સ્વની વિકાસયાત્રા શરૂ થઈ શકે છે. 

નિયમ : 

યોગનું બીજુ અંગ નિયમ છે શૌચ, સંતોષ, તપ, સ્વાધ્યાય અને ઈશ્વર - પ્રાણધાન આ પાંચ નિયમો છે. શૌચના બે પ્રકાર છે : બાહ્ય શૌચ અને આંતરિક શૌચ. શરીરને જળ વગેરેથી સાફ કરવું તે બાહ્ય શૌચ અને રાગ, દ્વિષ માયા, અસૂયા વગેરે મલિન વિચારોને મનમાંથી સાફ કરવા તે આંતરિક શૌચ. સંતોષ એટલે જે મળે છે, જે પ્રાપ્ત થયું તેને વધાવો. તપ એટલે ગમે તેટલી તક્લીફોમાં મન રિથર રાખી નિત્ય સાધના રત રહેવું. સ્વાધ્યાય એટલે શાસ્ત્રોનું ભણવું અને છેલ્લો નિયમ ઈશ્વર - પ્રાણધાન એટલે કે પરમ - ગુરુ ઈશ્વરને બધું જ કર્મ અર્પણ કરવું. યમ નિષેધાત્મક સદ્દગુણ કે ધર્મ છે અને નિયમ હકારાત્મક સદ્દગુણ કે ધર્મ છે.

યમ - નિયમના સમ્યક પાલન દ્વારા વ્યક્તિગત સ્વ અને સાર્વત્રિક સ્વના આધ્યાત્મિક વિકાસના માર્ગો ખૂલે છે. યમ - નિયમ હૃદય, ચિત્ત અને મનને શુદ્ધ કરે છે. 

આસન : 

અષ્ટાંગ યોગનું ત્રીજું અંગ આસન છે. આની મદદથી શરીર સ્વસ્થ બને છે અને તંત્રિકા - તંત્ર સ્વસ્થ રહે છે. શરીર પર નિયંત્રણ રહેવાથી વ્યક્તિગત સ્વ અને સાર્વત્રિક સ્વનું એકીકરણ થઈ શકે છે. 

પ્રાણાયામ : 

શ્વાસોચ્છવાસની સ્વાભાવિક ક્રિયાનું નિયંત્રણ અને તેમાં નિયમિત ક્રમ લાવવો એ અષ્ટાંગ યોગનું ચોથું અંગ છે, જેને પ્રાણાયામ કહીએ છીએ તેના ત્રણ ભાગ છે. પૂરક, કુમ્ભક અને રેચક 
પ્રાણશક્તિઓ શારીરિક ક્રિયાઓનું સંચાલન કરે છે. પ્રાણના નિયંત્રણથી મનનું નિયંત્રણ થાય છે. સ્વના વિકાર પ્રાણાયામથી દૂર થાય છે સ્વના ઉત્કર્ષ માટે વિવેકબુદ્ધિ જરૂરી છે જે પ્રાણાયામ દ્વારા પ્રાપ્ત થઈ શકે છે. મનના વિકારો દૂર કરવા અને જ્ઞાનનો ઉદય કરવા પ્રાણાયામ સહાયક છે. સ્વના એકીકરણ માટે પ્રાણાયામનો ગુરુના માર્ગદર્શન હેઠળનો અભ્યાસ વધુ લાભદાયી છે. 

પ્રત્યાહાર : 

અષ્ટાંગ યોગનું પાંચમું અંગ પ્રત્યાહાર છે. બાહ્ય વિષયોમાંથી મુક્ત થઈ અંતર્મુખી બનવાની અવસ્થા એટલે પ્રત્યાહાર બાહ્ય ઇન્દ્રિયો પરનો સંયમ મનના સંયમ પર આધારિત છે. અવિરત અભ્યાસ, સંકલ્પ અને ઈન્દ્રિય નિગ્રહ દ્વારા પ્રત્યાહાર સિદ્ધ કરી શકાય છે. સ્વને ઓળખવા માટે આત્મોન્નતિ માટે મનનો સંયમ જરૂરી છે, જે પ્રત્યાહાર દ્વારા સિદ્ધ થઈ શકે છે. 

ધારણા : 

અષ્ટાંગ યોગનું છઠું અંગ ધારણા છે. તેનો અર્થ છે કોઈ એક વસ્તુ પર ધ્યાન કેન્દ્રિત કરવું. ચિત્ત, નાભિ, હૃદય, ભૂકુટિ - મધ્ય કે શરીરના અન્ય અંગ પર કેન્દ્રિત થવું કે દેવી - દેવતાની પ્રતિમા કે દીવાની જ્યોત પર કેન્દ્રિત કરી શકીએ. ધારણાથી ચિત્ત પર નિયંત્રણ લાવી શકાય છે ધારણાથી ધ્યાન કરવાની શક્તિ વધે છે. સ્વના એકીકરણ માટે ચિત્તને અનેક બાજુએથી ભટકતું અટકાવવા માટે ધ્યાન કેન્દ્રિકરણ જરૂરી છે, તેના માટે ધારણા જરૂરી છે. 

ધ્યાન : 

અષ્ટાંગ યોગનું સાતમું અંગ ધ્યાન છે બધી જ વસ્તુઓ પરથી કોઈ એક જ વસ્તુ પર એકાગ્ર થવાથી ધ્યાનની અવસ્થા પ્રાપ્ત થાય છે. અનેક વિકારોમાં ભટકતી ચિત્તવૃત્તિને એક જ જગ્યાએ એકાગ્ર કરવામાં સાધકને સફળતા મળે ત્યારે તે ધ્યાન અવસ્થામાં આવે છે. ધ્યાન કરવાથી ચિત્ત નિર્વિકાર બને છે પરિણામે વ્યક્તિગત સ્વ પોતાના ચંચળ મનના વિકારો પર લગામ નાખી શકે છે. વ્યક્તિગત સ્વ વૈશ્વિક સ્વ બને છે. ચિત્તવૃત્તિઓને અંકુશમાં રાખવાથી વસુધૈવ કુટુંબકમની ભાવના જાગૃત થાય છે, નીરક્ષરે વિવેક આવે છે. ધ્યાનમાં અંતઃસ્કુરણા દ્વારા ડહાપણ પણ પ્રાપ્ત થાય છે. 

સમાધિ :

 અષ્ટાંગ યોગનું આઠમું અને અંતિમ અંગ સમાધિ છે. સમાધિ અવસ્થામાં કેવળ ધ્યેય વસ્તુની જ ચેતના રહે છે. સમાધિમાં આત્મા અને ધ્યાનની ક્રિયાનો જાણે લોપ થઈ જાય છે કેવળ ધ્યેય વસ્તુનો જ પ્રકાશ રહે છે જેને આપણે પરમ તત્ત્વ કહીએ છીએ. અહીં અદ્વૈતની અનુભૂતિ થાય છે. ધ્યાતા, ધ્યાન અને ધ્યેયનું ઐક્ય સધાતા મનની શુન્ય અવસ્થામાં પરમ તત્ત્વની ઝાંખી થાય છે. સમાધિમાં ધ્યાન કરનાર અને ધ્યાનના ઉદ્દીપક બંનેનું એકીકરણ થઈ જતાં કશું જુદાપણું રહેતું નથી. બધા જ તંદુ સમાપ્ત થઈ જાય છે.

Post a Comment

Please do not enter any spam link in the comment box.