Education Gujarati
Education Gujarati Join Our Telegram Channel
Join
Follow To WhatsApp Channel. Education Gujarati

Search Suggest

સ્વના ઘટકો : વલણ, માન્યતાઓ, મૂલ્યો

સ્વના ઘટકો : વલણ, માન્યતાઓ, મૂલ્યો

વલણ :

અમુક અનુભવોના પરિણામે કોઈ વસ્તુ, વિચાર કે વ્યક્તિ અને જૂથ વિશે મનમાં અમુક લાગણી બંધાય, બોધનો ઘડાય, પ્રતિભાવ લક્ષણો ઘડાય અને તેની સંયુક્ત અસરરૂપે એ વ્યક્તિ, જૂથ, વસ્તુ કે વિચાર પ્રત્યે મન અને શરીર અમુક રીતે વર્તન કરવા તત્પર થાય છે, વર્તન માટેની આવી તત્પરતાને વલણ કહેવામાં આવે છે. વલણો વ્યક્તિના શબ્દો, પ્રવૃત્તિઓ મૂલ્યાંકનો વગેરેમાં વ્યક્ત થાય છે. 

કેટલીક વ્યાખ્યાઓ : 


“વલણ એટલે ચોક્કસ પરિસ્થિતિમાં ચોક્કસ ઢબમાં પ્રતિક્રિયા કરવાની વ્યક્તિની તત્પરતા” - કુષ્ણુસ્વામી 

“વલણ એટલે કોઈપણ વ્યક્તિ, જૂથ, વિચાર કે પદાર્થ જેવી સામાજિક વસ્તુ પ્રત્યે અમુક રીતે જોવાની, અમુક રીતે વિચારવાની અને અમુક રીતની લાગણી અનુભવવાની કે વર્તવાની લાક્ષણિક ઢબ.”

“કોઈ ચોક્કસ વર્ગ પ્રત્યે તે ખરેખર જેવા હોય તે રીતે નહીં પણ જે રીતે વ્યક્તિ તે જોતી હોય તે રીતે પ્રતિચાર આપવાની દૃઢ માનસિક સ્થિતિ એટલે વલણ.” 

"અમુક પરિસ્થિતિ, વિચાર, પદાર્થ, વ્યક્તિ કે જૂથ પ્રત્યે હકારાત્મક કે નકારાત્મક રીતે શીખેલી લાક્ષણિક ઢબમાં પ્રતિક્રિયા કરવાની અભિવૃત્તિ એટલે વલણ" - કિમ્બોલ યંગ 

“હકારાત્મક કે નકારાત્મક મૂલ્યાંકનો, ભાવાત્મક લાગણીઓ અને અનુકૂળ કે પ્રતિકૂળ પ્રવૃત્તિ કરવાની અભિવૃત્તિની એકંદરે ટકી રહેતી વ્યવસ્થા એટલે વલણ” - ફેચ, ડચફિલ્ડ અને બેલેચી 

“કોઈ વિશિષ્ટ બાબત પ્રત્યેની વ્યક્તિની દૃષ્ય ક્રિયાઓ અને લાગણીઓ, પૂર્વગ્રહો અને પક્ષપાતી મોહ, પૂર્વ સ્થાપિત અભિપ્રાયો, વિચારો, ભય અને દૃઢ માન્યતાઓનો કુલ સરવાળો એટલે વલણ” - થર્સ્ટન

 તાત્ત્વિક રીતે વિચારીએ તો દરેક વિના પોતાના અંગત વલણો હોય છે, જે તેના સતત થયેલા અનુભવોના આધારે ઘડાયા હોય છે. 

દરેક વ્યક્તિનો પોતાનો આગવો “સ્વ” હોય છે તેના માટે બીજી વ્યક્તિઓ, જૂથો, વિચારસરણીઓ, રિવાજો, મૂલ્યો વગેરે અન્ય વસ્તુઓ છે. તેના માટે તે સારી, ખરાબ, યોગ્ય અયોગ્ય એવી અભિવૃતિ થયેલ અનુભવોના આધારે કરે છે જે આગળ જતાં રૂઢ બને છે અને તેના “સ્વ” નું એક ઘટક બને છે. 

વ્યક્તિગત “સ્વ” ની કેટલીક લાગણીઓ જેવી કે પ્રેમ, ધિક્કાર, અણગમો વગેરે અને "સ્વ"ના આત્મલક્ષી ખ્યાલો સ્વને અમુક વર્તન કરવા તત્પર બનાવે છે જે આગળ જતા તેના વલણોમાં રૂપાંતરિત થાય છે. 
સ્વનું વલણ એ પ્રવૃત્તિની અભિવૃત્તિ એટલે કે માનસિક અવસ્થા કે તત્પરતા છે, અર્થાત્ "સ્વ"નું વલણ એ વર્તનની શરૂઆત છે, પૂર્ણ થયેલું વર્તન નથી. 
સ્વનાં વલણો સામાજિક અનુભવો દ્વારા ઘડાય છે એટલે કે શીખેલાં વર્તનો છે, ઓછે-વત્તે અંશે વલણ લાંબા સમય સુધી ટકી રહે છે.

સ્વનાં વલણો જન્મજાત નથી, કોઈપણ વ્યક્તિ જન્મની સાથે વલણો લઈને આવતો નથી. સામાજિક આંતરક્રિયા અને અનુભવો દ્વારા જે - તે “સ્વ” નાં વલણો ઘડાય છે. તે સામાજિકીકરણની પ્રક્રિયાની નિષ્પત્તિ છે. 

આંતરક્રિયાનું સ્વરૂપ બદલાતાં વલણ બદલાય છે.

માન્યતા  : 


મનુષ્યને પોતાના પરિવેશની ઘટનાઓની ચોકસાઈ અને સત્યની દૃઢ પ્રતીતિ થતી હોય છે. અનુભવજનિત જ્ઞાનની પ્રતીતિની પ્રમાણભૂતતા વિશે તે સંશય પણ કરતો નથી. તેના દૈનિક જીવનના અનુભવની તથ્યાત્મકતા વસ્તુતઃ સંપૂર્ણપણે સાચી ન હોવા છતાં તે તેની માન્યતા બની જાય છે. માન્યતાના આધારે વલણો ઘડાય છે, જે ચિરસ્થાયી હોય છે. અનુભવોમાં પરિવર્તન આવતાં માન્યતા બદલાઈ પણ શકે છે. દા.ત. ટોલેમી નામના ખગોળશાસ્ત્રીની માન્યતા હતી કે પૃથ્વી સ્થિર છે અને સૂર્ય તેની આસપાસ ફરે છે. 

સદીઓ સુધી એવું જ માનવામાં આવતું. ટોલેમીની
માન્યતાને કોપરનિકસે ખોટી સાબિત કરી, જ્યાં સુધી માનવ ઇન્દ્રિયજન્ય અનુભવોને જ સત્ય માનતો રહે છે ત્યાં સુધી પોતાની માન્યતાને વળગી રહે છે. ઘણીવાર વ્યક્તિ કોઈ આનુભવિક કે વાસ્તવિક પુરાવા વગર વિગતને તથ્યાત્મક સ્વરૂપે સ્વીકારે છે. વ્યક્તિના મનની સ્થિતિના આધારે માન્યતા ઘડાતી કે તૂટતી રહે છે. 

શાબ્દિક અર્થ : ગ્રીક વિચારધારામાં માન્યતાના સંદર્ભમાં બે સંકલ્પનાઓ અસ્તિત્વમાં હતી - Pistis અને doxa બંનેના અર્થ થાય છે. "Pistis" એટલે વિશ્વાસ (Trust) કે ભરોસો જયારે Doxa એટલે મત (Opinion) કે સ્વીકૃતિ (Acceptance) 

ડિક્ષનેરી મુજબ અર્થ : 

Cambridge English Dictionary મુજબ માન્યતા એટલે 
"The feeling of being creation that something exists or is true"
 “કંઈક વિદ્યમાન કે સાચા હોવા માટેની નિશ્ચિત લાગણી એટલે માન્યતા” Merriam webster Dictionary અનુસાર માન્યતા એટલે " 
"A feeling that something is good, right or valuable" 
“કંઈક સારું, સાચું અથવા મૂલ્યવાન હોવાની લાગણી” 
"A state or habit of mind in which trust or confidence is placed in some person or thing"
 "કોઈ વ્યક્તિ કે વસ્તુમાં વિશ્વાસ કે ભરોસો મૂકવાની મનની ટેવ કે સ્થિતિ એટલે માન્યતા" 
મનોવિજ્ઞાનમાં માન્યતા એ કોઈ બાબત અંગેની મનની હેતુપૂર્વકની સ્થિતિ છે. તત્ત્વજ્ઞાનમાં માન્યતા "શબ્દ" એ વિચારો અથવા સંકલ્પનાના સત્ય કે મિથ્યા હોવા તરફના વ્યક્તિનાં પોતાના વલણો તરીકે સ્વીકારવામાં આવે છે. 

માન્યતા “સ્વ” નું ઘટક માનવામાં આવે છે કેમ કે એકની માન્યતા બીજાની હોતી નથી. માન્યતા વ્યક્તિગત છે . દા.ત. કોઈ વ્યક્તિ એવું માને કે ઈશ્વર છે અને તેને ચાર હાથ છે તો તે તેની પોતાની માન્યતા છે. બીજી વ્યક્તિની માન્યતા એવી પણ હોઈ શકે કે ઈશ્વરનું અસ્તિત્ત્વ જ નથી, તે નિરાકાર છે, તો આ તેની પોતાની માન્યતા છે.

સ્વની માન્યતા સ્વમાં વિશ્વાસ કે ભરોસો ઊભો કરે છે. જે પાછળથી તેના માટે સંઘર્ષ (Conflicts) નું કારણ પણ ઊભું કરે છે. સ્વ જ્યારે પોતાની માન્યતા અન્ય પાસે સ્વીકારવાની મથામણ કરે ત્યારે સંઘર્ષ ઊભો થાય છે. બધા ધર્મો માન્યતાના પાયા ઉપર તો ઊભેલા છે. બધા જ સંપ્રદાયોમાં અમુક બાબત માની લેવામાં આવી છે અને તે જ સંઘર્ષનું કારણ બને છે. માન્યતા સ્વને બાંધે છે, અને લોકોને વિભાજિત કરે છે. 

મુલ્યો : 

 મૂલ્યોનો ઉદ્ભવ મનુષ્યના ચરણમાંથી થયો છે. ઉપનિષદના મંત્રોમાં કહેવાયું છે કે સૃષ્ટિની પહેલાં સત્ કે અસનું અસ્તિત્વ જ ન હતું. માનવજાતને આચરવા માટે કોઈ ક્રિયા પસંદ કરવાની આવી ત્યારે "સારી", "ખરાબ", "યોગ્ય", "અયોગ્ય" એ નક્કી કરવાની મથામણમાંથી મૂલ્યો નક્કી થયાં. 

શાબ્દિક અર્થ : 

ગ્રીક ભાષાના axios શબ્દ પરથી ઉતરી આવેલો શબ્દ છે જેનો અર્થ થાય "મૂલ્ય", "યોગ્ય (Worthy)", "ઉપયોગી", પસંદગી માટે "યોગ્ય" વગેરે. મૂલ્ય શબ્દ સ્વના ઘટકના સંદર્ભમાં તથ્ય કે પરિસ્થિતિનો ખ્યાલ રાખી પ્રયોજાય છે. મૂલ્ય વર્તનના સંદર્ભમાં પણ પરખવામાં આવે છે. મૂલ્યોની લાક્ષણિકતાઓ હોય છે. મૂલ્યો વસ્તુનિષ્ઠ (Objective) કે વ્યક્તિનિષ્ઠ (Subjective) હોઈ શકે. કેટલાંક મૂલ્યો શાશ્વત (Eternal) હોય છે. ભારતીય દર્શનશાસ્ત્રમાં સત્યમ્, શિવમ્ અને સુન્દરમ્ વ્યક્તિ નિરપેક્ષપણે વાસ્તવિક અને તાર્કિક રીતે રચાયેલા જગતના પાયાના ઘટકો છે. મનુષ્ય તકનિષ્ઠ હોઈ જે રીતે સત્ય શોધે છે તે જ રીતે જે કાંઈ ખરેખર મૂલ્યવાન હોય તેની પણ શોધ કરે છે. 

સ્વનાં નૈતિક મૂલ્યો વસ્તુનિષ્ઠ છે, એવું કહેવાય છે પરંતુ તમામ મનુષ્યોને બંધનકર્તા મૂલ્યના નિશ્ચિત અને વસ્તુનિષ્ઠ ધોરણો એટલે કે જાહેરમાં કસોટી થઈ શકે તેવાં ધોરણો હજી સુધી કોઈ શોધી શકયું નથી. સત્ય, અહિંસા, પ્રામાણિકતા, દયા, માયા, કરુણા, પ્રેમ, આધ્યાત્મિકતા સદાચાર, સમષ્ટિનો સ્વીકાર, નૈતિકતા વગેરે "સ્વ"ના વ્યક્તિનિષ્ઠ (આત્મલક્ષી) કે વસ્તુનિષ્ઠ મૂલ્યો કહેવાય છે. જો કે સત્ય, અહિંસા વગેરેને શાશ્વત મૂલ્યો પણ કહે છે. 

સ્વનું મૂલ્ય માનવીય ઘટક છે એટલે કે એ એક એવો માનવીય અનુભવ છે જેમાં માનવીય અભિલાષાઓ અને અભિરૂચિઓ પણ સંકળાયેલી હોય છે. તેથી સ્વનાં મૂલ્યો પૂરેપૂરાં વૈયક્તિક કે વ્યક્તિનિષ્ઠ હોતાં નથી. મૂલ્યમાં માનવીય સત્ અને તેના પર્યાવરણનું મૂલ્ય આંકવા વચ્ચેનો સંબંધ મહત્ત્વનો હોવાથી મૂલ્ય સાપેક્ષ (Relational) ગુણવત્તા છે.

 મૂલ્ય હંમેશા મનુષ્યની અભિરુચિ અને અનુભાવના (appreciation) પર આધાર રાખે છે. માનવીય આવશ્યકતા કે અભિલાષા મૂલ્યની અનિવાર્ય પૂર્વશરત છે.

2 comments

  1. Thanks for giving this materials
  2. one request Lpc-2 english language short questions-answer give me plz....
Please do not enter any spam link in the comment box.