આધ્યાત્મિક સ્વ
સ્વ વિષયક ખ્યાલ :
મીમાંસાદર્શનમાં સ્વ વિશેનો વિચાર રજૂ કરવામાં આવ્યો છે તે બ્રાહ્યાર્થવાદી તથા અનેક વસ્તુવાદી દર્શનોના ખ્યાલને મળતો આવે છે. અનુભવોની વિવિધતાને યોગ્ય રીતે સમજાવી શકાય તે માટે મીમાંસકો અનેક જીવવાદનો સિદ્ધાંત સ્વીકારે છે.
સ્વ કે આત્માના અસ્તિત્વનો સ્વીકાર કર્યા વગર ચાલી શકે નહિ. આથી શરીરનો નાશ થયા પછી પણ કશુંક એવું તત્ત્વ બચે છે જે ટકી રહે અને આ તત્ત્વ તે આત્મા કે સ્વ છે. જેની મુક્તિ થાય છે કે નાશ થાય છે, તે શરીર છે ઈન્દ્રિય વગેરેથી ભિન્ન કોઈ એક સૂક્ષ્મ વસ્તુ છે. જે નિત્ય છે જેનો નાશ થતો નથી તે જ જીવાત્મા છે. 'न हन्यते हन्यमाना शरीरा:' એવું ભગવદ્ગીતામાં કહેવાયું છે.
આત્મામાં જ્ઞાનનો ઉદય થયેલો હોય છે. આત્મા નિત્ય, વિભુ, સર્વગત વ્યાપક દ્રવ્ય છે. ચૈતન્યરૂપી ગુણનો તે આધાર છે. આત્મા કે સ્વ નિત્ય અવિનાશી છે અને તે આ વાસ્તિવક જગતમાં વાસ્તવિક શરીર સાથે સંકળાયેલો છે. પ્રત્યેક જીવમાં આધ્યાત્મિક સ્વ સમાયેલો હોય છે. જીવાત્મા બંધાય પણ છે અને તેની મુક્તિ પણ થાય છે. જીવની સુષુપ્તાવસ્થામાં “સ્વ” નું ચૈતન્ય રહેતું નથી. ચૈતન્ય એ સ્વનું વાસ્તવિક સ્વરૂપ નથી, પણ આત્માનો ઔપાધિક (Accidental) ગુણ છે કે જે અમુક વિશિષ્ટ અવસ્થામાં ઉત્પન્ન થાય છે.
આધ્યાત્મિક સ્વ એટલે પરા પ્રકૃતિ જે ભગવતગીતામાં સ્વયં શ્રીકૃષ્ણ વર્ણવી છે. પરા પ્રકૃતિ બ્રહ્મની પોતાની અનંત ચેતના છે જેમાં દિવ્ય શક્તિ "સ્વ" - ભાવથી હોય તે સ્વયંભૂ સત્તાની સચેતન શાશ્વત શક્તિ છે એમાં સર્વભૂતો આ વિશ્વમાં વ્યક્ત થાય છે. પરાપ્રવૃત્તિ પોતે વિશ્વમાં અનેકરૂપે અનેક પ્રકારના જીવોનો આવિર્ભાવ કરવા માટેનો આધ્યાત્મિક પાયો છે. પરમ તત્ત્વનો પોતાનો અનેક સ્વરૂપો ધારણ કરવાવાળો સનાતન અંશ વ્યક્તિમાં આધ્યાત્મિક સ્વ તરીકે વિશ્વના સર્વ રૂપોમાં પ્રગટ થાય છે.
આધ્યાત્મિક સ્વ એટલે સઘળી વસ્તુઓમાં એક અવિભાજ્ય આત્માના ચેતનનો ધબકાર, પ્રત્યેકમાં રહેલ વ્યક્તિરૂપ આધ્યાત્મિક સત્ પ્રકૃતિના તમામ ગુણોના સારરૂપે વ્યક્ત થાય છે.
શબરભાષ્યમાં શબર સ્વામીના મતે આધ્યાત્મિક સ્વ કે આત્મા નિત્ય છે, જ્ઞાતા છે તથા સ્વસંવેદ્ય છે અને અન્યથી દેખાય નહિ તેવો છે.
કુમારિલ ભટ્ટ આધ્યાત્મિક સ્વને સર્વપ્રથમ, નિત્ય અને અવિનાશી ગણે છે અને પછી જણાવે છે કે તેનામાં અન્ય શરીરો ધારણ કરવાની ક્ષમતા છે. હકીકતમાં તે જ “કર્તા” તથા “ભોક્તા પણ છે તે વિભુ (સર્વવ્યાપી) છે. કુમારિલ ભટ્ટ આધ્યાત્મિક સ્વને શુદ્ધ જ્ઞાન સ્વરૂપ તથા દેશ - કાળથી અપરિચ્છિન્ન માને છે. આધ્યાત્મિક સ્વ સ્વયંપ્રકાશી, નિત્ય અને સર્વગત છે. તે અહંવિત્તિ (અહંજ્ઞાનનો વિષય) છે. જ્ઞાન, લાગણી, ક્રિયા વગેરે તેની જ વિશિષ્ટ સ્થિતિઓ તેનો તે આધાર (અધિષ્ઠાન) છે. તે શાશ્વત, સર્વવ્યાપી, કર્તા તેમ જ ભોક્તા છે. વેદાન્તીઓનો મત પણ આધ્યાત્મિક સ્વ બાબતે આવો જ છે.
કુમારિલ ભટ્ટના આત્મા કે સ્વવિષયક વિચારોની તુલના સાથે રામાનુજના વિચારો મળતા આવે છે. રામાનુજના મતે બોધ એ આત્માનો નિત્યગુણ છે અને તે વિસ્તાર સંકોચશીલ હોઈ શકે છે.
પ્રભાકર મિશ્રના મતે આધ્યાત્મિક સ્વ એ બોધ છે, તત્ત્વત: જડ છે. તે કર્તા , ભોક્તા અને વિભુ છે. તે જ્ઞાન, ક્રિયા, અનુભવ, ભોગ, દુઃખો વગેરે ગુણોનો આશ્રય છે. સ્વ જ્ઞાતા છે અને જ્ઞાતા રૂપે જ પ્રવેશે છે. આધ્યાત્મિક સ્વ જ્ઞાનથી ભિન્ન હોવા છતાં તે જ્ઞાન દ્વારા જ બોધગમ્ય છે. પ્રભાકર આત્માને સ્વયંપ્રકાશી ગણતા નથી.
ડૉ. ગંગાનાથ ઝા પણ "પ્રકરણ પંચિકા"ના આધારે એમ સ્વીકારે છે કે, આત્મા સ્વયં પ્રકાશી નથી, માત્ર જ્ઞાન (Cognition) જ સ્વયંપ્રકાશી છે.
સ્વ અણુરૂપ પણ નથી તેમજ તે દેહપરિમાણ પણ નથી. પ્રભાકર મિશ્રના મતે આત્મા કે આધ્યાત્મિક સ્વ તે જ જ્ઞાનનો જ્ઞાતા અને ક્ષેય વિષય એમ બંને હોઈ શકે નહીં.
પાર્થસારથી મિશ્રના મતે, સ્વ એટલે જ્ઞાતા જે શરીરથી ભિન્ન છે. તે માનસપ્રત્યક્ષનો વિષય છે. ન્યાયદર્શન પણ આવું જ માને છે. જૈનશાસ્ત્ર સ્વને દેહપરિમાણરૂપ અને સંકોચ વિકાસશીલ માને છે.
અધ્યાત્મવાદ
ભારતીય દર્શન તત્ત્વતઃ આધ્યાત્મિકતાના પાયા પર આપેલું છે. ભારતીયોએ જીવનને દાર્શનિક અભિગમથી અવલોક્યું છે. આત્મા અને પરમાત્માના સંબંધોની સતત ગવેષણા કરી છે. શિવ અને શક્તિ તથા પુરુષ અને પ્રકૃતિની વિભાવના વડે ઈશ્વરના પિતૃત્વ અને મનુષ્યના માતૃત્વની ભાવનાને જીવનફલક ઉપર વ્યાપક રીતે અંકિત કરી છે. 'તત્ તમ્ અસિ' નું તત્ત્વજ્ઞાન એની સમગ્ર ધાર્મિક વિચારણાના પાયારૂપ છે.
અધ્યાત્મવાદ સમજતા પહેલાં આધ્યાત્મિકતા શું છે. તે સમજવાની જરૂર છે. આપણે ધર્મ (Religion) અને અધ્યાત્મને એક માની લેવાની ભૂલ કરીએ છીએ . અંગ્રેજી ભાષામાં ધર્મ માટે (Religion) શબ્દ પ્રયોજાય છે. હિન્દુ ધર્મ, ખ્રિસ્તી ધર્મ જેવા શબ્દપ્રયોગો થાય છે . સંસ્કૃત ભાષાનો "ધર્મ" શબ્દ વ્યાપક અર્થ ધરાવે છે. "ધરતિ રૂતી ધ" એટલે ધારણ કરે છે તે ધર્મ, એ સંદર્ભમાં અધ્યાત્મ પર આપણી સંસ્કૃતિ ભાર મૂકે છે. આપણને કોઈ માનવે નિર્માણ કરેલો ધર્મ નથી મળ્યો. વૈદિક ધર્મ વેદ - ઉપનિષદના ચિંતનથી રસાયેલો છે. કોઈ એક વ્યક્તિ હિંદુ ધર્મની સંસ્થાપક નથી, તેથી જ અધ્યાત્મવાદ એવો શબ્દ પ્રયોજાય છે.
ભારતમાં દર્શન એટલે કે તત્ત્વજ્ઞાન અને ધર્મ એકબીજાના આશ્રિત માનવામાં આવે છે. અહીં ધર્મને કટ્ટર વિશ્વાસોનું સમર્થન નથી, પરંતુ ધર્મ એ પ્રત્યેક વ્યક્તિ દ્વારા થતો આધ્યાત્મિક અનુભવ છે. ધર્મને આધ્યાત્મિક સત્યને પ્રાપ્ત કરવા માટેનો વ્યાવહારિક ઉપાય ગણવામાં આવે છે.
અધ્યાત્મવાદ સૃષ્ટિને ચાર વિભાગોમાં વહેંચે છે. જ્ઞાત, જ્ઞાતા, અજ્ઞાત અને અજ્ઞેય જે અજ્ઞેય છે તેને આત્મબુદ્ધિપ્રકાશ વડે જાણવાની વિદ્યા એટલે બ્રહ્મવિદ્યા.
અધ્યાત્મવાદ : જે ધર્મ જીવનની બાબતમાં માત્ર ઈહલોકનો જ નહીં પણ પરલોકનો પણ વિચાર કરે છે, તેને અધ્યાત્મ કહે છે. આધ્યાત્મિકતા એ ધર્મનું સર્વોત્તમ અને અંતિમ લક્ષ્ય છે. સાચો ધર્મ પૂજાપાઠ, કર્મકાંડ કે ભજનો ગાવામાં નથી, મૂર્તિપૂજા કે બાઈબલ કે ગીતા વાંચવામાં પણ નથી. અધ્યાત્મવાદ માણસે શોધી કાઢેલી કોઈપણ અંધશ્રદ્ધાને અનુસરતો નથી.
અધ્યાત્મવાદનું ભારતીય દર્શન વિશિષ્ટ છે. તે કોઈ એક વ્યક્તિ દ્વારા અપાયેલ નથી. ભારતીય દર્શન અનુસાર, માનવજીવન નદી જેવું છે. તેનું પાણી અને પ્રવાહ માનવને સક્રિય રાખનારા અર્થ અને કામ છે. તે નદીને બે કિનારા છે ધર્મ અને મોક્ષ જીવનરૂપી નદીએ અધ્યાત્મવાદ મુજબ કલ્યાણકારી બનવા માટે આ બંને કિનારા વચ્ચે, કિનારાથી નિયંત્રિત થઈને વહેવું પડશે. આ બાબતને ભારતીય દૃષ્ટાઓએ પુરુષાર્થોનું યોગ્ય પાલન કહ્યું. આ ચાર પુરુષાર્થો ધર્મ, અર્થ, કામ અને મોક્ષ કોઈ એક મતથી ઉપરવટ જઈને મૂળભૂત અધ્યાત્મના અંગ બની ગયા. આ ચાર પુરુષાર્થોનું બધા ઋષિતુલ્ય પ્રાચીન અને અર્વાચીન મનિષીઓએ સમર્થન કર્યું અને તેને અધ્યાત્મવાદનાં મૂળભૂત અંગો ગણાવ્યાં.
સાલસતા કે સારાપણાની લાગણી અધ્યાત્મ છે. આધ્યાત્મિકતા અનંતકાળ સુધી નદીની જેમ જીવંત રહે છે. એક ક્ષણ એવી આવે છે જ્યાં શોધ કરવા જેવું કશું રહેતું જ નથી, અને શોધવાનો અંત એ તદ્દન જુદી જ બાબતની શરૂઆત છે. ભગવદ્ ગીતામાં અર્જુને શ્રીકૃષ્ણને પ્રશ્ન પૂછ્યો હતો કે, અધ્યાત્મ શું છે ? ભગવદ્ગીતાના દરેક શ્લોકમાં અધ્યાત્મવાદનો નીચોડ જ છે. શ્રીકૃષ્ણનો જવાબ હતો.
"स्वभावोडद्यात्म उच्यते" અધ્યાત્મ એટલે સ્વભાવ. સ્વભાવ જન્મદત્ત હોય “સ્વ” એટલે પોતાનું અને “ભાવ” એટલે હોવું માણસની અસ્તિત્ત્વગત પ્રકૃતિ તો પૂણમદ : પૂર્ણમિદમ્ એટલે કે પરિપૂર્ણ જન્મથી જ છે. તેથી જે મનુષ્ય તેના પ્રકૃતિદત્ત સ્વભાવ મુજબ નથી જીવતો, તે આધ્યાત્મિક નથી. જન્મથી બાળક સ્વાભાવિક જ હોય છે, પરંતુ દુન્યવી અનુભવોથી અસ્વાભાવિક બનતું જાય છે.
અધ્યાત્મ એટલે દુન્યવી અને બહારના થોપેલા ખ્યાલો તોડી સ્વતંત્ર બની કેવળ પોતાની જન્મદત્ત દિવ્યતાને પ્રગટ કરવી તે, અધ્યાત્મવાદને બાહ્ય પરિવેશ કે વર્તન સાથે કોઈ સંબંધ નથી.
એકીકૃત માનવતા
એકીકૃત માનવતાની સંકલ્પના પંડિત દિનદયાલ ઉપાધ્યાયજીએ આપી. તેમનો જન્મ 25 સપ્ટેમ્બર, 1916, મથુરામાં થયો હતો. તેઓ ઈ.સ. 1967 માં ભારતીય જનસંઘ જે પાછળથી ભારતીય જનતા પાર્ટી બન્યો તેના અધ્યક્ષ બન્યા. તેઓ દાર્શનિક, સમાજશાસ્ત્રી, અર્થશાસ્ત્રી, રાજનીતિજ્ઞ અને પ્રખર દેશભક્ત હતા. અત્યંત મેધાવી એવા પંડિત દિનદયાલ ઉપાધ્યાયજીએ એકાત્મ માનવવાદની ભેટ દેશને આપી, જે માત્ર દેશ નહીં, પરંતુ વિશ્વને પણ એટલી જ મહામૂલ્ય છે.
એકાત્મ માનવતાવાદ : પંડિત દિનદયાલજી માનતા હતા કે, મૂડીવાદી અને સમાજવાદી વિચારધારા કેવળ માનવના શરીર અને મનની આવશ્યકતાઓનો જ વિચાર કરે છે. આ બંને વિચારધારાના ઉદ્દેશો ભૌતિકવાદી છે. મૂડીવાદ તો ભૌતિકવાદની સ્પષ્ટપણે તરફેણ કરે છે પરંતુ સમાજવાદ પણ આડકતરી રીતે સત્તાના કેન્દ્રીકરણ દ્વારા ભૌતિકવાદને જ પોષે છે.
પંડિત દિનદયાલ ઉપાધ્યાયના મતે, માનવના સંપૂર્ણ વિકાસ માટે તેનો આધ્યાત્મિક વિકાસ થવો જોઈએ.
એકાત્મ માનવવાદના કેન્દ્રમાં વ્યક્તિ, વ્યક્તિની સાથે પરિવાર જોડાય, પરિવાર સાથે સમાજ, સમાજ સાથે રાષ્ટ્ર , વિશ્વ અને બ્રહ્માંડ પણ ક્રમિક જોડાય છે. એકીકૃતમાનવતાનું દર્શન વ્યક્તિ , પરિવાર, સમાજ, રાષ્ટ્ર, વિશ્વ અને અનંત બ્રહ્માંડ તમામને એક તાંતણે જોડે છે. માનવ કેવળ વ્યક્તિ નથી, એ શરીર મન, આત્મા અને બુદ્ધિનો સમુચ્ચય છે. માનવજીવનના ચાર પુરુષાર્થ છે : ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. આ ચાર પુરુષાર્થોનું પાલન કરવું એ એકીકૃત માનવતાનું કેન્દ્રબિંદુ છે.
यत् पीड तत् ब्रह्मांडे જે સૂક્ષ્મમાં છે તે વિરાટમાં છે - तत्त्वमसी અર્થાત્ તત્ तत् त्वम् असि અર્થાત તું તે જ છે.
પંડિત દિનદયાલજીના મતે, ધર્મ એ સમસ્ત માનવજાતનો પાયો છે જ્યારે મોક્ષ એ શાશ્વત ધ્યેય છે. મૂડીવાદ અને સમાજવાદ માત્ર શરીર અને મનની જરૂરિયાતને જ ધ્યાનમાં રાખે છે. અર્થ એટલે કે ધન અને કામ એટલે બધી જ ઇચ્છાઓનો સંતોષ - આ બે જ લક્ષ્યને મૂડીવાદ અને સમાજવાદ પ્રાધાન્ય આપે છે. જયારે એકાત્મ માનવતાવાદમાં સમષ્ટિના કલ્યાણની વાત છે, યોગક્ષેમની વાત છે. માત્ર ભૌતિકવાદી બનવાથી વસુધૈવ કુટુંબકમની ભાવના જાગતી જ નથી.
વ્યક્તિ (આત્મા) થી લઈને સમષ્ટિ (બ્રહ્માંડ) ની કલ્યાણની ભાવના એટલે એકીકૃત માનવતા
અવિભક્ત અને એકાત્મ માનવતાને જ એકીકૃત માનવતા કહેવાય છે.
આપણા વેદમાં પણ આ જ પ્રતિધ્વનિત થયેલ છે. विश्व भवति एक नीडं અર્થાત્ વિશ્વ એક માળો છે અને માળામાં એક જ માતાનાં સંતાનો રહે છે જયાં પૃથકતા નથી પણ સમરસતા છે, એવી માનવતાને એકીકૃત માનવતા કહે છે.
મહોપનિષદના દૃષ્ટા ઋષિ अयं बंधु अयं नेति गणना लघुचेतसाम् उदारचरितानां तु वसुधैव कुटुंबकम् અર્થાત્ આ મારો ભાઈ નથી, આ નથી એવો વિચાર તો સંકુચિત માનસિકતાના લોકોનો છે ઉદારચરિત લોકો માટે તો સમગ્ર વસુંધરા પોતાનો પરિવાર છે. એવુ કહે છે કે, એકાત્મ માનવતાવાદનો પાયો છે.
- એકાત્મ માનવવાદ વ્યક્તિ અને સમાજને જોડે છે. તેના ચાર સ્તંભ- શિક્ષણ, કર્મ, યોગક્ષેમ અને યજ્ઞ વ્યક્તિને સમષ્ટિ સાથે જોડે છે.
- એકીકૃત માનવતાથી સહઅસ્તિત્વ આવે છે તે એકીકૃત માનવવાદ છે વિશ્વના દરેક મનુષ્યને ગરિમામય અને સુનિશ્ચિત જીવન એકીકૃત માનવતાની દેણગી છે.
- એકીકૃત માનવતાથી માત્ર રાજનૈતિક જ નહીં, પરંતુ સામાજિક, આર્થિક અને લોકતાંત્રિક સ્વતંત્રતાનો પણ વિકાસ શક્ય છે.
- એકીકૃત માનવતાના વિચારો અંત્યોદયની સંભાવના વધારે છે એટલે કે સમાજના છેવાડાના લોકોના જીવન સુધારવાની સંભાવના વધે છે.
- રાષ્ટ્રની એકતા અને અખંડિતતા માટે અને તેના દ્વારા વિશ્વબંધુત્વની ભાવનાને ઉજાગર કરવા માટે એકીકૃત માનવતા ખૂબ ઉપયોગી છે.
- વિવિધતામાં એકતાની ભાવનાને એકીકૃત માનવતાવાદ પોષે છે. સમાજ અને માનવકલ્યાણ માટે માનવને સમગ્રપણે મૂલવવો જોઈએ, એવું એકાત્મ માનવવાદ માને છે.