Education Gujarati
Education Gujarati Join Our Telegram Channel
Join
Follow To WhatsApp Channel. Education Gujarati

Search Suggest

માહિતી પ્રત્યાયન


માહિતીનો અર્થ અને વ્યાખ્યા : 


"માહિતીને કોઈ એક વ્યાખ્યામાં બાંધવી લગભગ અશક્ય છે. જુદા જુદા નિષ્ણાતો માહિતીને જુદા જુદા દ્રષ્ટિકોણથી વ્યાખ્યાયિત કરે છે. માહિતીને સરળ શબ્દોમાં સમજીએ તો માહિતીએ કોઈ પણ વિષય, વ્યક્તિ, વસ્તુ, ઘટના, પ્રસંગ કે પ્રક્રિયા અંગેની ઊંડાણપૂર્વકની સ્પષ્ટતા મેળવવાનું એક સાધન છે." ટેકનોલોજીના વિકાસ સાથે માહિતીનું મહત્વ વધતા માહિતીની ઘણી નવી નવી સંકલ્પનાઓ અસ્તિત્વમાં આવતી રહી છે.

 માહિતીને તેના જુદા જુદા સ્વરૂપમાં નીચે મુજબ વ્યાખ્યાયિત કરી શકાય છે. 
“માહિતી એ પ્રસારિત થઈ શકે તેવો એક (શાબ્દિક કે હાવભાવ) સંદેશ છે. તેથી સામાન્ય સમજ મુજબ માહિતી એટલે એવું પ્રાપ્ત જ્ઞાન જે કોઈ ચોક્કસ હકીકતો કે ઘટનાઓ સાથે સંબંધિત હોય.” 

ઓકસફર્ડ ડીક્ષનરી મુજબ - “માહિતી એટલે હકીકતો, ડેટા (માહિતીનું કાચું સ્વરૂપ), કે અભિપ્રાયોનું એવું જ્ઞાન કે જે સાંકેતિક રીતે, દ્રશ્ય - શ્રાવ્ય રીતે, કે ચિહ સ્વરૂપે પ્રત્યાયન પામેલ હોય.” 
"મેળવનાર (Receiver) જે જાણે છે, તે માહિતી નથી, પણ જે ઉદ્દીપક મેળવનારની જ્ઞાનાત્મક સંરચનામાં પરિવર્તન લાવે તે માહિતી છે." - પૈસેલી

"જે આપણામાં પરિવર્તન લાવે છે તે માહિતી છે." - સ્ટેફોર્ડ બીઅર 
આ ઉપરાંત જુદા જુદા લોકો માહિતીને તેના ક્ષેત્રિય ઉપયોગના સંદર્ભમાં વ્યાખ્યાયિત કરે છે. ટેલિકોમ્યુનિકેશન એજીનીયર માહિતીની વ્યાખ્યા પ્રત્યાયન પામતી હકીકતોની ભૌતિક તેમજ ઇલેકિટ્રકલ લાક્ષણિકતાઓને આધારે કરે છે. તેજ રીતે કમ્યુટર ક્ષેત્ર સાથે સંકળાયેલા લોકો તેની વ્યાખ્યા "ફાઈલમાં થતી હકીકતોની ગોઠવણી" તરીકે કરે છે. 

ટૂંકમાં, માહિતીની ઘણી વ્યાખ્યાઓ છે જે તેના વિવિધ સ્વરૂપો ને લીધે અલગ અલગ છે, આમ છતાં આ તમામ વ્યાખ્યાઓમાં એક બાબત સંકળાયેલી છે કે વ્યક્તિ પોતાની સમસ્યાના ઉકેલ માટે અનેક સ્રોતોમાંથી માહિતી મેળવી પોતાની સમસ્યાનું સમાધાન કરે છે અને ઉકેલના સ્વરૂપમાં મેળવેલી માહિતી નવી માહિતીના નિર્માણમાં ઉપયોગમાં લે છે. 

માહિતીની જરૂરિયાત 

આજે દરેક ક્ષેત્રમાં માહિતીની અનિવાર્યતાને આપણે અનુભવી શકીએ છીએ. ભાગ્યેજ એવું કોઈ ક્ષેત્ર હશે કે જ્યાં માહિતીની જરૂરિયાત ન હોય. માહિતી ક્રાંતિના આ યુગમાં આપણે માહિતીનો ઉપયોગ સામાન્ય રીતે નિર્ણયો લેવામાં કરતા હોઈએ છીએ. સાચી અને સચોટ માહિતી સારા અને સાચા નિર્ણયો લેવામાં મદદ કરે છે. અંકો, સંજ્ઞા, દ્રશ્યો, અવાજો, સંકેતો વગરેને ધ્યાનમાં લઈ માહિતીને એક ચોક્કસ સ્વરૂપ આપવામાં આવે છે જેનો ઉપયોગ નિર્ણય લેવાની પ્રક્રિયામાં કરવામાં આવે છે. 

વિશ્વના વિકસિત દેશોમાં ૧૯૬૦ થી માહિતી સમાજ અસ્તિત્વ ધરાવે છે. ભારતમાં તો એકીસાથે કૃષિ, ઔદ્યોગિક, ટેકનોલોજી અને માહિતી સમાજનું સહઅસ્તિત્વ છે. માહિતી સમાજમાં શિક્ષણ, સંશોધન, વ્યવસાયો, કૃષિ, ટેક્નોલોજી અને સરકારી પ્રવૃતિઓમાં માહિતીનો વિપુલ પ્રમાણમાં ઉપયોગ થતો જોઈ શકાય છે. સામાન્ય રીતે માહિતીની જરૂરિયાત તેના ઉપયોગના સંદર્ભમાં ઉદ્દભવે છે.

1 શિક્ષણનું ક્ષેત્ર અને માહિતી : 

શિક્ષણની વિસ્તરતી ક્ષિતિજોને જોતા એક બાબત ખૂબ સ્પષ્ટ રીતે કહી શકાય છે કે માહિતીના પ્રવાહે શિક્ષણમાં આમૂલ પરિવર્તન લાવી દીધું છે. ગુરુપ્રણાલી થી ઇ-લર્નિંગ સુધીની આપણી શિક્ષણ યાત્રા માહિતીના બહોળા ઉપયોગને આભારી છે. શિક્ષણને સાર્વત્રિક બનાવવાના સિદ્ધાંતે શિક્ષણને વધુને વધુ મહત્વાકાંક્ષી બનાવી દીધું છે. આજે વિદ્યાર્થીઓ સ્નાતક કક્ષાથી અનુસ્નાતક કક્ષા સુધીનું શિક્ષણ સામાન્ય રીતે મેળવતા થઈ ગયા છે. મોટા ભાગની શિક્ષણની પ્રક્રિયાઓ Online થઈ ગઈ છે. વિદ્યાર્થીઓના એડમિશનથી પરિણામ સુધીની બધીજ વિગતો હવે Online જોઈ શકાય છે.
શિક્ષણક્ષેત્રે જેટલી માહિતી વિદ્યાર્થીને ઉપયોગી છે તેટલીજ શિક્ષકોને પણ ઉપયોગી છે. શિક્ષકો જ્ઞાનની દ્રષ્ટિએ જેટલો સમૃદ્ધ હશે તેટલો ફાયદો વિદ્યાર્થીઓને મળશે. શિક્ષકો Internet, લાયબ્રેરી, ઈ - લાયબ્રેરી, સેમીનાર તેમજ વર્કશોપ જેવા માધ્યમોનો ઉપયોગ કરી પોતાના જ્ઞાનને સમૃદ્ધ કરે છે. શિક્ષકો મેળવેલા જ્ઞાનનો અભ્યાસક્રમ સાથે અનુબંધ સાધી શ્રેષ્ઠ શિક્ષણ આપવાનો પ્રયાસ કરે છે. 

2 જુદા જુદા વ્યવસાયો અને માહિતી 

શિક્ષણ ઉપરાંત બીજા વ્યવસાયોમાં જુદા જુદા પ્રકારની માહિતીની જરૂરિયાત રહે છે. આજે મોટાભાગના વ્યવસાયો માહિતીને કેન્દ્રમાં રાખી થતા હોય છે. મેનેજમેન્ટના ક્ષેત્રમાં ચોક્કસ માહિતી એટલે વધુમાં વધુ લાભ તેવો એક વિચાર સ્થાપિત થયેલો છે. કોઈ પણ વ્યવસ્થાતંત્રના અસરકારક સંચાલનનો આધાર તેના માહિતીની આપલે કરતા તંત્ર પર રહેલો છે. જેટલી ચોકસાઈ, તટસ્થતા અને હકીકતોને આધારે માહિતી સારી તેટલી તેની ઉપયોગક્ષમતા વધુ. 
તબીબક્ષેત્રે પણ નવા નવા રોગને લગતા સંશોધનોથી તબીબોને જાગૃત રહેવું પડે છે અને તે માહિતીનો ઉપયોગ પોતાના વ્યવસાયમાં કરવો પડે છે. કાયદાશાસ્ત્રીઓને પણ માહિતીથી સજ્જ રહેવું પડે છે અને પોતાના કેસની ફાઈલોમાં તેનો સતત ઉપયોગ કરતા રહેવું પડે છે. આજ રીતે એજીનીયરીંગના ક્ષેત્રમાં પણ માહિતીને વધુમાં વધુ ભોગ્ય બનાવવાના પ્રયત્નો થાય છે જેથી કરીને ઉત્પાદન ખર્ચ ઓછો આવે અને વધુમાં વધુ નફો મેળવી શકાય. 

3 સંશોધનક્ષેત્ર અને માહિતી : 

માહિતી સંશોધનની આધારશીલા છે. માહિતી એકત્રિત કર્યા વિના સંશોધન શક્ય બનતું નથી પછી તે કોઈ પણ ક્ષેત્રને લગતું હોય. સંશોધનનું પ્રથમ ચરણ સમસ્યાની ઓળખ છે. માહિતીની જરૂરિયાત સંશોધનના પ્રથમ ચરણથી શરુ થાય છે. પ્રથમ સમસ્યાની ઓળખ કરવામાં આવે છે. ત્યારબાદ સંશોધક સમસ્યાને અનુરૂપ માહિતી એકત્રીકરણના ઉપકરણ બનાવીને માહિતી એકઠી કરે છે. માહિતી એકત્રિત કર્યા બાદનું કાર્ય માહિતીના વર્ગીકરણ અને વિશ્લેષણનું છે. સંશોધક એકત્રિત કરેલી માહિતીનું જુદા જુદા સ્વરૂપમાં વર્ગીકૃત કરી વિશ્લેષણ કરે છે. વિશ્લેષણ કરેલ માહિતીને અર્થઘટન કરી શકાય તેવા જુદા જુદા સ્વરૂપોમાં ઢાળવામાં આવે છે દા.ત ગ્રાફ, સૂચી, ટેબલ (કોઠા) વગેરે. ગ્રાફ, સૂચી, ટેબલ વગેરેને આધારે એ બાબતો તારવવામાં આવે જે કોઈ ચોક્કસ પરિણામ તરફ નિર્દેશ કરે છે જેના આધારે અંતિમ ચરણમાં તારણો કાઢવામાં આવે છે જેના આધારે નિર્ણયો લઈ શકાય છે. 
આમ , સંશોધક પોતાના સંશોધનનો વિષય આધારિત માહિતીનું એકત્રીકરણ, વર્ગીકરણ, વિશ્લેષણ અને અર્થઘટન કરીને પરિણામો સુધી પહોચવાના પ્રયત્ન કરે છે. 

4 કૃષિ ક્ષેત્ર અને માહિતી : 

આજે વિશ્વમાં ટેકનોલોજીના વિકાસ સાથે કૃષિક્ષેત્રમાં પણ પરિવર્તન આવ્યું છે. વિકસિત દેશોમાં ઈન્ટરનેટના માધ્યમ વડે ખેડૂત કૃષિસભાઓ ભરીને સારામાં સારા પાકો ઓછા ખર્ચે કઈ રીતે લઇ શકાય ? તેના ઉકેલની સમજ સાથે કૃષિનો સ્વીકાર કરતા થયા છે. ભારતની વરસાદ આધારિત ખેતીને માહિતીના ઉપયોગ વડે ખેડૂત મિત્રોએ આજે ઘણી સમૃદ્ધ બનાવી દીધી છે. ભારતમાં Kisan Call Centre ની સુવિધા Department of Agriculture & Co - operation દ્વારા ૨૧ જાન્યુઆરી ૨૦૦૪ થી અમલમાં છે. જેમાં ખેડૂતમિત્રો ટોલ - ફ્રી નંબર ૧૫૫૧ પર ફોન કરી પ્રાદેશિક ભાષામાં જરૂરિયાત મુજબ માહિતી મેળવી શકે છે. કોલસેન્ટરો જમીન પરીક્ષણ, હવામાન, બીયારણ, માવજત, અને વેચાણ જેવી બાબતોની માહિતી આપતા હોય છે. કૃષિક્ષેત્રે માહિતીના આદાન પ્રદાનના માધ્યમ તરીકે ભારતમાં રેડિયો, ટીવી, ટેલીફોન અને ગ્રામસભાઓનું ખૂબ જ યોગદાન રહેલું છે.

5 સરકાર અને માહિતી : 

સરકારને અવારનવાર નીતિવિષયક આયોજનો અને પોલિસીઓનું ઘડતર કરવાનું હોય તેમના માટે માહિતી અત્યંત આવશ્યક બાબત બની રહે છે. સ્પષ્ટ અને ચોક્કસ સ્વરૂપની માહિતી તેમને આયોજન અને નીતિના બંધારણમાં મદદરૂપ થાય છે. કોઈ કાર્યના આયોજનના વિચારથી માંડીને તેના અમલીકરણ કે પુન: આયોજન સુધીના તમામ સોપાનો માહિતી પર આધારિત છે. કેન્દ્ર સરકારની પંચવર્ષીય યોજના આનું ઉદાહરણ ગણાય. રાષ્ટ્રીય શિક્ષણપંચો, પગારપંચો વગેરે માહિતીને આધારે જ નિર્ણયો લે છે. 
માહિતી એકત્રીકરણનું શ્રેષ્ઠ ઉદાહરણ સરકાર દ્વારા દર દસ વર્ષે થતી વસતિ ગણતરી છે.

6 ટેક્નોલોજીનું ક્ષેત્ર અને માહિતી : 

આજે અવિરતપણે થઇ રહેલા ટેકનોલોજીના વિકાસના કારણે ઘણી નવી નવી પ્રયુક્તિઓ અસ્તિત્વમાં આવી છે. ટેલિફોન, મોબાઇલ, આઈપોડ, આઈપેડ અને ટેબલેટ્સના વધતા ઉપયોગે સમાજ ને ટેકનોલજિના ઉપયોગ પ્રત્યે સજાગ બનાવી દીધો છે. લોકોના શિક્ષણમાં વધતા સોશિયલ મીડિયાનો ઉપયોગે લોકોને એકબીજાથી ખૂબ જ નજીક લાવી દીધા છે. Facebook, Twitter, Orkut, whatsapp, અને Skype જેવા ઈન્ટરનેટ માધ્યમો દ્વારા લોકો આજે ખૂબ જ નીકટતા અનુભવે છે. આ તમામ મીડિયા લોકોની માહિતીના ઉપયોગનું પ્રમાણ દર્શાવે છે. જેમાં સામાન્ય રોજબરોજની માહિતીથી લઇ તેમના વ્યવસાયની સજતા સુધીની તમામ માહિતી ઓ શેર (Share) થતી રહે છે. 

માહિતીની કક્ષાઓ : 


માહિતીની કક્ષાઓ એટલે અહીં માહિતીનું સ્તર. માહિતી જુદી જુદી કક્ષાઓમાં વહેચાયેલી છે. દરેક કક્ષામાં જુદી જુદી બાબતોનો સમાવેશ થાય છે. માહિતીની કક્ષાને આધારે માહિતીની ઉપયોગીતા, ગુણવત્તા અને અસરકારકતા નક્કી થતા હોય છે. માહિતીને મુખ્ય ચાર કક્ષાઓ (સ્તરો) માં વિભાજિત કરવામાં આવે છે, (1) ડેટા (2) માહિતી (3) જ્ઞાન અને (4) ડહાપણ. નોંધનીય બાબત એ છે કે ઉપયોગીતા અને ગુણવત્તાની દ્રષ્ટિએ આ તમામ કક્ષાઓ સમાન નથી. 
Where is the Life we have lost in living ? 
Where is the wisdom we have lost in knowledge ? 
Where is the knowledge we have lost in information ? 
- T.S.Eliot, The Rock (1934) 

T.S.Eliot ના કાવ્યની પંક્તિઓ આપણને માહિતી, જ્ઞાન અને ડહાપણની કક્ષાનું ખૂબ જ સુંદર નિરૂપણ કરે છે. તેઓ કહે છે કે શું આપણે એવું જીવી રહ્યા છીએ કે જ્યાં આપણે માહિતીને જ્ઞાન, અને જ્ઞાન ને ડહાપણ સમજી રહ્યા છીએ? માહિતી, જ્ઞાન અને ડહાપણ આ દરેક એક સ્વતંત્ર અને મૂલ્ય સાથે સંકળાયેલ ખ્યાલો છે. આ એવા ખ્યાલો છે કે જે એકબીજામાં પરિવર્તન પામવાની ક્ષમતા ધરાવે છે. માહિતી જ્ઞાનમાં અને જ્ઞાન ડહાપણમાં સમય સાથે પરિવર્તન પામે છે. નીચેની આકૃતિમાં આપણે તેને જોઈ શકીએ છીએ.
અહીં આકૃતિમાં આપણે જોઈ શકીએ કે ડેટા ભેગા મળીને માહિતીનું નિર્માણ કરે છે. ઘણીવાર ડેટાનું માહિતીમાં અને માહિતીનું ફરી ડેટામાં રૂપાંતર થતું રહે છે અને આ ચક્ર ચાલતું રહે છે (Data > Information Data > Information). માહિતીઓ ભેગી થતા મનમાં કોઈપણ ખ્યાલ, વસ્તુ, ઘટના, વ્યક્તિ કે પરિસ્થિતિનું ચિત્ર ઉભું થાય છે જેને જ્ઞાન તરીકે ઓળખવામાં આવે છે. વિવિધ પ્રકારની માહિતીઓ ભેગી થઇ મનમાં જ્ઞાનનો સંચાર કરે છે જે માહિતીની પૂર્ણતાનો નિર્દેશ કરે છે. જ્ઞાન અને જ્ઞાનલક્ષી પ્રાપ્ત અનુભવો ડહાપણમાં પરિવર્તિત થાય છે જે સમજ ને વિકસાવવામાં મદદ કરે છે. ડેટાએ માહિતીનું કાચું સ્વરૂપ છે, જયારે ડહાપણએ મૂલ્યની દ્રષ્ટીએ સૌથી ટોચનું સ્વરૂપ છે. આ ચારેય કક્ષાઓ માનવ માટે અત્યંત ઉપયોગી તેવા ખ્યાલો છે. 

1. ડેટા (Data) 

ડેટાને લોકો જુદા જુદા દ્રષ્ટિકોણથી જુએ છે. ઘણા લોકો તેને પરિસ્થિતિ સાથે જોડાયેલા સંદર્ભો કહે છે. સામાન્ય રીતે માહિતીનું કાચું સ્વરૂપ એટલે ડેટા. જરૂરિયાત મુજબની પ્રક્રિયાઓ કરી ડેટાને પૂર્ણ માહિતીમાં રૂપાંતરિત કરી શકાય છે, ડેટાને ઘણી વાર પ્રક્રિયા થયા વિનાની માહિતી (Unprocessed Information) પણ કહેવામાં આવે છે. આપણે સામાન્ય વપરાશમાં લોકોને એવું કહેતા સાંભળીએ કે તમારો Bio - Data આપજોને, અર્થાત્ આપણે તેમની પાસે તેમનું નામ, સરનામું, ઉમર, શૈક્ષણિક લાયકાત વગેરે જેવી હકીકતલક્ષી બાબતોની માંગ કરીએ છીએ. આ મેળવેલ Bio - Data એ માહિતીનું કાચું સ્વરૂપ છે, જેના પર આગળની પ્રક્રિયાઓ કરવામાં આવે છે. 
ઉદાહરણ તરીકે શિક્ષણના ક્ષેત્રમાં બાળકોના શૈક્ષણિક વિકાસની તપાસ માટે તેમની સર્વગ્રાહી વિગતોનું એકત્રીકરણ કરવું તે વિગતો ડેટા છે. સામાન્યતઃ ડેટા આંકડાના સ્વરૂપમાં હોય છે, જેનો કોઈ સ્પષ્ટ અર્થ કરી શકાતો નથી. 

2 માહીતી (Inforamtion) : 

માહિતીએ પ્રક્રિયા થયેલ ડેટા (Processed Data) છે. ડેટાનું એકત્રીકરણ કરી તેનું વિશ્લેષણ કરવામાં આવે છે. આ વિશ્લેષિત ડેટાને માહિતી તરીકે ઓળખવામાં આવે છે. આ વિશ્લેષણ કરેલ ડેટા ચોક્કસ ઉદ્દેશ્ય કે પરિણામ તરફ નિર્દેશ કરે છે. જીલ્લાની વસતિગણતરીના આંકડા પરથી લોકોની આર્થિક સ્થિતિ વિશેનું અનુમાનની વિગતો મેળવવી કે પછી એજીનીયરીંગ કૉલેજ, મેનેજમેન્ટ કૉલેજ, કે શિક્ષણની કૉલેજની મુલાકાત લઈ કયા વ્યવસાય તરફ વિદ્યાર્થીઓનું વલણ વધુ હકારાત્મક છે તે જાણવું. ઉદાહરણ તરીકે વિદ્યાર્થીઓના સર્વગ્રાહી શૈક્ષણિક વિકાસ પત્રકને આધારે બાળકોની શૈક્ષણિક સિદ્ધીનું પ્રમાણ કેટલું છે તેની વિગતો જાણવી. માહિતીની લાક્ષણિકતાઓ જોતા એ બાબત સ્પષ્ટ બને છે કે માહિતી અપૂર્ણ કે પરિવર્તનશીલ હોય શકે છે. 

3. જ્ઞાન (Knowledge) : 


જ્ઞાનનો ખ્યાલ ડેટા અને માહિતીથી અલગ પડે છે. જ્ઞાન એ વ્યક્તિગત ખ્યાલ છે. તેનું અલગ પડવાનું મહત્વનું કારણ એ છે કે ડેટા અને માહિતી બધાજ વ્યક્તિઓ માટે સરખા હોય શકે છે, પરંતુ આ ડેટા અને માહિતીનું અર્થઘટન કરવાની ક્ષમતા દરેક વ્યક્તિમાં અલગ અલગ હોય છે. વ્યક્તિ પોતાના ભૂતકાળના અનુભવો અને પરિસ્થિતિના વિશ્લેષણની ક્ષમતાના આધારે માહિતીનું અર્થઘટન કરવા સક્ષમ બને છે. જ્ઞાનનો ઉપયોગ સાચા નિર્ણયો લેવામાં મદદ કરે છે. ઉદાહરણ તરીકે બાળકોના શૈક્ષણિક વિકાસને જાણી તેની વિચારક્ષમતાને અનુરૂપ શૈક્ષણિક પ્રવૃતિઓના આયોજનનું ઘડતર કરવું. આયોજન બનાવતી વખતે શિક્ષકોના ભૂતકાળના અનુભવો આમાં મદદરૂપ બને છે. જ્ઞાન આપણને વર્તમાન નિર્ણય લેવામાં મદદ કરે છે. આવું દરેક બાબતમાં આપણી સાથે બનતું હોય છે. આમ, જ્ઞાનના ઉપયોગથી સિદ્ધાંતો, હકીકતો અને માહિતી વચ્ચે સમજ નો એક સેતુ રચી શકાય છે.

4. ડહાપણ (Wisdom) : 

આપણે આગાઉ જોયું કે જ્ઞાનએ મનુષ્યના અનુભવમાંથી જન્મેલું તત્વ છે. જયારે ડહાપણએ મૂલ્યાંકિત જ્ઞાન છે . ઘણીવાર તેને વિચારશક્તિ તરીકે પણ ઓળખવામાં આવે છે. માહિતીએ “કોણ”, “શું ?”, “ક્યાં ?”, અને “ક્યારે ?” જેવા પ્રશ્નોના જવાબ આપવાનો પ્રયત્ન કરે છે અને જ્ઞાન “કેમ ?” જેવા પ્રશ્નોના ઉત્તર આપે છે. જયારે ડહાપણ “તેવું કેમ બન્યું છે ?” તેના કારણો વિષે વિચારવાની શક્તિ છે. ડહાપણએ વ્યક્તિમાં અનુભવના આધારે સંચારિત થતી શક્તિ છે. ડહાપણ વ્યક્તિ ને સારું શું ? અને ખરાબ શું ? તેમજ સાચું શું ? અને ખોટું શું ? તે વિચારવા માટે પ્રેરિત કરતી વિચારશક્તિ છે. આ વિચારશક્તિ વ્યક્તિને નિર્ણય લેતી વખતે તેનામાં રહેલા મૂલ્યોથી સતત જાગૃત કરે છે જેથી કરીને વ્યક્તિ સારા અને સાચા નિર્ણયો લઇ શકે છે. આમ, ડહાપણ મનુષ્યની આત્મા સાથે જોડાયેલી વિચારશક્તિ છે.

Post a Comment

Please do not enter any spam link in the comment box.