1.1 સમાવેશક શિક્ષણ : અર્થ, સંકલ્પના અને જરૂરિયાતો.
સમાવેશક શિક્ષણનો અર્થ અને સંકલ્પના
(Meaning And Concept of Inclusive Education)
સમાવેશક શિક્ષણના સર્વગ્રાહી અર્થ અંગે વિદ્વાનો વચ્ચે મતભેદ પ્રવર્તતો જોવા મળે છે. વિવિધ શિક્ષણશાસ્ત્રીઓ, સંશોધકો અને વિદ્વાનોએ પોતાના અનુભવો, અભ્યાસ અને પ્રત્યક્ષીકરણને આધારે સમાવેશક શિક્ષણ વ્યવસ્થાને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. આવા તમામ વિદ્વાનોના સમાવેશક શિક્ષણ અંગેના મંતવ્યોને આધારે સમાવેશક શિક્ષણનો અર્થ આપવો હોય તો કહી શકાય કે,
શારીરિક, માનસિક, વાર્તનિક કે અન્ય કોઈપણ પ્રકારની ક્ષમતા કે અક્ષમતાને ધ્યાનમાં લીધા સિવાય તમામ પ્રકારનાં બાળકોને નજીકની શાળામાં તેમની ઉંમર અને જરૂરિયાત મુજબનું શિક્ષણ એક સાથે આપવાની વ્યવસ્થાને સમાવેશક શિક્ષણ કહે છે. જેમાં ચોક્કસ વયજૂથનાં અને સમાન શિક્ષણ જરૂરિયાત ધરાવતાં બાળકોને, તેમની ક્ષમતા કે અક્ષમતાને આધારે અથવા તેમના લિંગને આધારે કોઈપણ પ્રકારનો ભેદભાવ રાખ્યા વગર, સમાન શૈક્ષણિક અને શાળાકીય વાતાવરણમાં શિક્ષણ આપવામાં આવે છે. આ પ્રકારની શિક્ષણ વ્યવસ્થામાં અધ્યયન પ્રક્રિયામાં તમામ બાળકોની સક્રિય ભાગીદારી હોય છે તથા તેઓ એકબીજા સાથે સહકારી રીતે અધ્યયન કરે છે અને તમામની વચ્ચે આત્મીય સંબંધ પ્રસ્થાપિત થાય છે.
એક બીજા મત મુજબ, સમાવેશક શિક્ષણ ફકત શારીરિક કે માનસિક રીતે અક્ષમ બાળકોને મુખ્ય પ્રવાહ (Main Stream) માં લાવવા માટેનું અભિયાન નથી, પરંતુ તેમની સાથે સાથે કોઈપણ કારણે મુખ્ય પ્રવાહમાં શિક્ષણ મેળવવાથી વંચિત રહેતાં બાળકોને કોઈપણ જાતના જાતીય કે અન્ય પ્રકારના ભેદભાવ વગર સુસંવાદી અને સંપૂર્ણ સામાજિક વાતાવરણમાં શિક્ષણ આપવાનું છે. જેમાં અક્ષમતા ધરાવતા અને નહીં ધરાવતા બાળકોની સાથે સાથે તમામ પ્રકારનાં બાળકોને, સહકારી અધ્યયનમાં તેમની સક્રિય ભાગીદારી સાથે, શિક્ષણ આપવામાં આવે છે. જેમાં સક્ષમ અને અક્ષમ બાળકો વચ્ચે સાયુજય અને સંવાદિતાનું વાતાવરણ સર્જાય છે અને તમામ બાળકો એકબીજાનું માન જાળવે છે. સમાવેશક શિક્ષણ વ્યવસ્થામાં બાળકોના શિક્ષણમાં માતા - પિતાની સક્રિય ભાગીદારી હોય છે.
સમાવેશક શાળા-શિક્ષણની જરૂરિયાતો
સમાવેશક શિક્ષણ અને શાળાના મુખ્ય હેતુઓ અથવા જરૂરિયાત નીચે જણાવ્યા મુજબની દર્શાવી શકાય .
[ A ] શિક્ષણની સમાન તક (Equalization in Education) :
કોઈપણ પ્રકારની શારીરિક કે માનસિક અક્ષમતા અથવા ન્યૂનતા ધરાવતાં બાળકોને શિક્ષણ મેળવવા માટે અક્ષમતા વગરનાં બાળકો જેટલી જ અને જેવી સુવિધા મળી રહે અને તેઓ સામાન્ય બાળકોની સાથે જ સામાન્ય સમાજનો હિસ્સો બનીને અભ્યાસ કરી શકે તે સમાવેશક શિક્ષણ અને શાળાનો મુખ્ય હેતુ છે. તે માટે સંતુલિત એવા વિશિષ્ટ અભ્યાસક્રમની રચના કરવામાં આવે જેથી તમામ પ્રકારના બાળકોનાં શિક્ષણને યોગ્ય ન્યાય આપી શકાય. ફક્ત અમુક પ્રકારની અક્ષમતાને કારણે બાળક સામાન્ય બાળકો જેવું શિક્ષણ મેળવવાથી વંચિત ન રહી જાય તેને ધ્યાનમાં રાખીને સમાવેશક શાળાનું આયોજન અને અમલીકરણ કરવામાં આવે છે.
[ B ] સામાજિક સમાનતાને દ્રઢ કરવી (Invigorating Social Equity) :
કોઈપણ પ્રકારની અક્ષમતા હોવી તે બાળકના હાથની વાત નથી. દરેક બાળક સમાજનો એક અગત્યનો ભાગ છે. અન્ય બાળકની જેમ જ તે પણ સામાન્ય લોકોના એટલે કે, અક્ષમતા વગરના લોકોના સમાજ વચ્ચે રહીને અને સામાજિક બનીને સામાજિક આંતરક્રિયા કરવાનો હક્ક ધરાવે છે. સામાન્ય બાળકો અક્ષમતા ધરાવતા બાળકોનાં અસ્તિત્ત્વને સ્વીકારે, તેમના સામાજિક અધિકારોને સ્વીકારે, તેમને સમકક્ષ ગણે અને તેમની સાથે સહકારપૂર્વક વ્યવહાર કરે તે માટે તેમની વચ્ચે સામાજિક આંતરક્રિયા થવી જરૂરી છે. તે ઉપરાંત સમાજનાં વિવિધ સામાજિક - આર્થિક વર્ગમાંથી આવતાં બાળકો વચ્ચે કોઈપણ પ્રકારના પ્રાદેશિક, જાતીય, ભાષાકીય કે અન્ય કોઈપણ પ્રકારના ભેદભાવ વગર તંદુરસ્ત સામાજિક આંતરક્રિયા થાય ત્યારે જ સામાજિક સમાનતાના ખ્યાલનો અસરકારક રીતે અમલ કરી શકાય. સમાવેશક શાળા વ્યવસ્થા તમામ પ્રકારનાં બાળકોને આવી તક પૂરી પાડે છે, જે તમામ પ્રકારનાં બાળકો વચ્ચે સામાજિક સમાનતાની ભાવનાનો વિકાસ કરવામાં મદદરૂપ થાય છે.
[ C ] નાગરિકત્વની તંદુરસ્ત ભાવનાનો વિકાસ કરવો (Developing Healthy Sense of Citizenship) :
સમાવેશક શાળા-શિક્ષણ વ્યવસ્થામાં તમામ બાળકો એક બીજા સાથે સહકારપૂર્વક વ્યવહાર કરે છે અને શકય હોય ત્યાં સુધી સહકારી અધ્યયન પ્રક્રિયામાંથી પસાર થાય છે. સામાન્ય બાળકો અક્ષમતા ધરાવતાં બાળકોને અધ્યયન કાર્યમાં મદદરૂપ થાય છે અને તેમની વિશિષ્ટ જરૂરિયાતોથી વાકેફ થાય છે. તેમની વિશિષ્ટ જરૂરિયાતો સંતોષવા માટેની લાયકાત સામાન્ય બાળકો પણ વિકસાવે છે. જેમ કે, શાળામાં મૂકબધિર બાળકને સહકાર આપવા માટે સામાન્ય બાળકોએ સાંકેતિક ભાષા શીખવી પડે છે. આ રીતે તમામ બાળકો તેમની સામાજિક જવાબદારી ઉઠાવતા શીખે છે. તે ઉપરાંત બાળકોમાં પરસ્પરાવલંબનની ભાવનાનો વિકાસ થાય છે. આદર્શ નાગરિકતાના આ અગત્યનાં લક્ષણો છે. બાળકોમાં આવાં લક્ષણોનો વિકાસ કરવામાં સમાવેશક શાળા મદદરૂપ થાય છે.
[ D ] બંધારણીય જવાબદારી પૂરી કરવી (Fulfilment of Constitutional Responsibility) :
ભારતીય બંધારણની કલમ 45 માં જોગવાઈ કરવામાં આવી છે કે 6 થી 14 વર્ષની વયજૂથમાં આવતાં તમામ બાળકોને તેમની વયકક્ષા મુજબ નિઃશુલ્ક ધોરણો શિક્ષણ મેળવવાનો અધિકાર છે. આવાં બાળકોને ફરજિયાત, મફત અને સાર્વત્રિક ધોરણે શિક્ષણ પૂરું પાડવાની જવાબદારી જે - તે રાજ્ય સરકારની છે. તે ઉપરાંત શિક્ષણના અધિકાર અધિનિયમ -2009 (Right to Education Act – 2009) માં આ બાબત વધુ દઢ કરવામાં આવી છે. ભારતની જેમ જ લગભગ તમામ દેશોમાં સાર્વત્રિક પ્રાથમિક શિક્ષણ અને અક્ષમતા ધરાવતાં બાળકોનાં શિક્ષણ અંગે આવી જોગવાઈઓ કરવામાં આવી છે. સમાવેશક શાળા વ્યવસ્થા આ નિયમો, કાયદા કે જોગવાઈનો અસરકારક રીતે અમલ કરવામાં મદદરૂપ થાય છે.
[ E ] સ્વમાન જાળવવા (Maintaining Self Respect) :
સમાવેશક શાળા- શિક્ષણમાં અક્ષમતા ધરાવતાં બાળકો સામાન્ય બાળકો સાથે સહકારપૂર્વક અભ્યાસ કરે છે. તેથી તેઓ અને બાળકો જેવી અને જેટલી જ સગવડો સાથે અભ્યાસ કરે છે. પરિણામે, તેમની અક્ષમતાને કારણે તેમની સાથે ભેદભાવ રાખવામાં આવતો નથી, એવી લાગણી તેમના મનમાં પેદા થાય છે. તેથી તેમની લઘુતાગ્રંથિ દૂર થાય છે. બીજું, અક્ષમતા ધરાવતાં બાળકોની વિશિષ્ટ આવડતોને અહીં પ્રોત્સાહિત કરવામાં આવે છે. જેના કારણે તેમની ઓળખ પ્રસ્થાપિત થાય છે. તે ઉપરાંત સામાન્ય બાળકો પણ તેમને પોતાના જૂના સક્રિય અને મહત્ત્વના સભ્ય તરીકે સ્વીકારીને તેમની સાથે સહકારપૂર્વક વર્તન કરે છે. પરિણામે અક્ષમતા ધરાવતાં બાળકોનું સ્વમાન જળવાય છે અને તેઓ પણ સામાન્ય વ્યવહાર કરતા થાય છે.
[ F ] આત્મવિશ્વાસનો વિકાસ કરવો ( Developing Self Confidence ) :
સમાવેશક શિક્ષણ અને શાળા માટે એવા સંતુલિત અભ્યાસક્રમની રચના કરવામાં આવે છે કે જેથી સામાન્ય બાળકો અને અક્ષમતા ધરાવતાં બાળકો બન્નેના અભ્યાસને યોગ્ય ન્યાય મળી રહે. પરિણામે અક્ષમતા ધરાવતાં બાળકો પણ, ચોક્કસ કક્ષાએ શૈક્ષણિક સિદ્ધિ મેળવવામાં સફળ રહે છે. તે ઉપરાંત તેઓ મુખ્ય પ્રવાહમાં રહીને સહકારી ધોરણે અભ્યાસ કરે છે, જેથી તેમને પણ પોતાની વિશિષ્ટ આવડતો સામાન્ય બાળકો સામે પ્રગટ કરવાની તક મળે છે . આવી તમામ બાબતો તેમના આત્મવિશ્વાસનો વિકાસ કરવામાં મદદરૂપ થાય છે.
[ G ] હકારાત્મક વલણોનો વિકાસ કરવો (Developing Positive Attitude) :
જયારે લોકો કોઈપણ માપદંડને આધારે બે જૂથમાં વહેંચાઈ જાય છે ત્યારે તેમની વચ્ચે પરસ્પર વિશ્વાસની લાગણીનો અભાવ જોવા મળે છે. તે ઉપરાંત કોઈ ચોક્કસ બાબતમાં ચઢિયાતું જૂથ નબળા જૂથને ઝડપથી સ્વીકારતું નથી, સમાવેશક શાળામાં તમામ બાળકો એક સાથે સહકારી ધોરણો અધ્યયન કરે છે, એકબીજાની મર્યાદાઓને સ્વીકારે છે અને સમજે છે, એકબીજાની શકિતઓને ઓળખે છે અને બિરદાવે છે. પરિણામે તેમની વચ્ચે એકબીજા પ્રત્યે હકારાત્મક વલણોનો વિકાસ થાય છે. અક્ષમતા ધરાવતાં બાળકોમાં પણ તેમની સામાજિક સ્વીકૃતિને કારણે હકારાત્મક સામાજિક વલણોનો વિકાસ થાય છે.
[ H ] જૂથ સંચાલનનો અસરકારક અમલ કરવો (Effective Implementation of Group Dynamics) :
જૂથ સંચાલન એ એવાં સામાજિક કૌશલ્યોના વિકાસ માટેનો શ્રેષ્ઠ માર્ગ સૂચવે છે જેના દ્વારા તેના સભ્યો લોકશાહી રીતે જીવે, સારી સામાજિક સમજ મેળવે અને લોકશાહી નાગરિકત્વ માટે તૈયાર થાય. સમાવેશક શાળામાં પણ તમામ બાળકો આવી રીતે વ્યવહાર કરે તેવી અપેક્ષા રાખવામાં આવે છે અને તે માટેના પ્રયત્નો થાય તેવા વાતાવરણનું સર્જન કરવામાં આવે છે. આ રીતે સમાવેશક શાળા જૂથ સંચાલનમાં મદદરૂપ થાય છે.
[ I ] આધુનિક શૈક્ષણિક તકનિકીનો વ્યાપક ઉપયોગ કરવા (For wider Use of Modern Educational Technology) :
માહિતી અને સંપ્રેષણ તફનિકીના વિકાસની સાથે શૈક્ષણિક તકનિકીનો પણ ખૂબ મોટા પાયે વિકાસ થયો છે અને થઈ રહ્યો છે. પરિણામે અક્ષમતા ધરાવતાં બાળકોનાં અધ્યાપન - અધ્યયન માટે વિવિધ સાધનો અને માધ્યમોનો વિકાસ શકય બન્યો છે, જેમનો ઉપયોગ કરીને આવાં બાળકોને સરળતા અને સહજતા સાથે અન્ય સામાન્ય બાળકોની સાથે જ શિક્ષણ આપી શકાય છે અને આવું કરતાં સામાન્ય બાળકોના શિક્ષણ પર નકારાત્મક અસર થતી નથી. જેમ કે, શ્રવણની ખામી ધરાવતાં બાળકો હીયરિંગ હેડસેટ (Hearing Headset) કે હીયરીંગ એઈડ (Hearing Aid) નો ઉપયોગ કરીને શિક્ષકનો અવાજ સરળતાથી સાંભળી શકે છે. અંધ બાળકો માટે બ્રેઈલ લિપિમાં લખાયેલાં પુસ્તકો એક સામાન્ય બાબત છે. પરંતુ હવે તો એવાં વિજાણુ બ્રેઇલ નોટ ટેકર ઉપલબ્ધ છે કે જેનો ઉપયોગ કરીને અંધ બાળકો તેમની નોટ્સ લખી શકે છે અને પોતાનું સ્વાધ્યાય કાર્ય પણ કરી શકે છે. તે ઉપરાંત બધિર બાળકો માટે સાંકેતિક ભાષામાં વિષયવસ્તુની રજૂઆત કરે તેવાં સોફટવેર પણ હવે ઉપલબ્ધ છે. આવાં સાધનોનો શૈક્ષણિક કાર્ય માટે ઉપયોગ કરીને શૈક્ષણિક તકનિકીનો વ્યાપ વધારી શકાય છે.
[ J ] વૈવિધ્યસભર અધ્યયન અનુભવો પૂરા પાડવા (To Provide variety of Learning Experiences) :
જો ફકત અક્ષમતા ધરાવતાં બાળકોનાં જૂથને વિશિષ્ટ રીતે શિક્ષણ આપવામાં આવે તો તેઓ અક્ષમતા વગરનાં બાળકો સાથે આંતરક્રિયા નહીં કરી શકે. તેથી તેઓ સામાન્ય બાળકોને અપાતા અધ્યયન અનુભવો મેળવી શકશે નહીં. તેઓ ફકત તેમના માટેના વિશિષ્ટ અધ્યયન અનુભવો જ મેળવી શકશે. બીજું, તેમના જૂથમાં ફકત અક્ષમતા ધરાવતાં બાળકો હોવાથી તેમને અમુક હદ કરતાં વધુ ઉચ્ચ કક્ષાનું અધ્યયન કરવાની પ્રેરણા નહીં મળે. તેથી તેમનો વિકાસ મર્યાદિત પ્રમાણમાં થશે. સંશોધનોનાં પરિણામો એવું કહે છે કે, બાળકો અનુકરણ દ્વારા ઘણું શીખે છે. તેથી, જો અક્ષમતા ન ધરાવતાં બાળકો સાથે અક્ષમતા ધરાવતાં બાળકોને શિક્ષણ આપવામાં આવે તો વિવિધ પ્રકારના અધ્યયન અનુભવો મેળવવા માટે તેઓ સ્વયં પ્રેરિત થશે અને તેમની સિદ્ધિ પ્રેરણાનો વિકાસ થશે. તેમના અધ્યયન અનુભવોમાં વિવિધતા લાવી શકાશે.
તે ઉપરાંત સમાવેશક શાળામાં અક્ષમતા ધરાવતાં બાળકોની સાથે સામાન્ય બાળકોને પણ વિશિષ્ટ અધ્યયન અનુભવો પૂરા પાડવામાં આવે છે, જેથી તેઓ અક્ષમતા ધરાવતાં બાળકોને સારી રીતે સમજી શકે અને તેમની સાથે વધુ સારી રીતે સહકારી અધ્યયન કરી શકે, જેના કારણે સામાન્ય બાળકો પણ વિશિષ્ટ અધ્યયન અનુભવો મેળવે છે. જેમ કે, સમાવેશક વર્ગખંડમાં મૂકબધિર બાળકો હોય તો તેમની સાથે આંતરક્રિયા કરવા માટે સામાન્ય બાળકોને પણ ચોક્કસ કક્ષાએ સાંકેતિક ભાષા શીખવવામાં આવે છે. તે ઉપરાંત આવાં અપવાદરૂપ બાળકો સાથે વ્યવહાર કરવા માટે તેમને વિશિષ્ટ માર્ગદર્શન આપવામાં આવે છે, જેના પરિણામે સામાન્ય બાળકોને પણ વિશિષ્ટ અધ્યયન અનુભવો પ્રાપ્ત થાય છે.