ઉણપ અને અસાતત્યનો સિદ્ધાંત
ઉણપ સિદ્ધાંત
ઉણપ સિધ્ધાંત જણાવે છે કે, જે બાળકો નિગ્ન સામાજિક - આર્થિક વાતાવરણમાંથી શાળામાં પ્રવેશે છે તેઓ ભાષાકીય સફળતા માટેના જરૂરી સ્ત્રોત વગર આવેલા હોય છે. અને આ સિધ્ધાંત શિક્ષકોને સુચન કરે છે કે જો વિદ્યાર્થી ભાષાકીય પરિરૂપને અનુરૂપ ન હોય તેવી રીતે શાબ્દિક અક્ષમતા બતાવે તો તે ભાષામાં અક્ષમ વિદ્યાર્થી છે તેવી છાપ ન લગાવી દે.
Johnny Can't Talk, Either : The Perpetutation Of The Deficit Theory In Classrooms' નામના લેખમાં Eller, Rebecca G. જણાવે છે કે "શાળામાં દાખલ થનારા કેટલાક વિદ્યાર્થીઓ તેઓના વિભિન્ન સાંસ્કૃતિક અને સામાજિક પરિવેશને કારણે લઘુતમ ભાષાકીય સિધ્ધિ પણ ધરાવતા નથી હોતા, તેને કારણે તેઓ શિક્ષકની સફળતાની અપેક્ષાએ ઊણાઊતરે છે."
અહીં સવાલ વિદ્યાર્થીની બુધ્ધિક્ષમતા કે ભાષાક્ષમતા નિમ્ન છે તેમ જણાવવાનો નથી, પણ જે તે ઉંમરે વિદ્યાર્થીએ પર્યાપ્ત ભાષાકીય સિધ્ધિ હાંસલ કરવી જોઈએ તે તેના પછાત અથવા નિમ્ન સામાજિક આર્થિક પરિબળોને કારણે પ્રાપ્ત થઈ હોતી નથી. કોઈ વિદ્યાર્થીએ સાઈકલ પણ ન ચલાવી હોય, ટીવી પણ ન જોયું હોય, વર્તમાનપત્ર શું છે તેની ખબર ન હોય એની માનસિક અવસ્થાનો અંદાજ આપણે લગાવી શકીએ, તે બુધ્ધિથી નબળો નથી હોતો, પણ તેનું અનુભવક્ષેત્ર એટલું સિમિત હોય છે કે તેનો જેટલો ભાષાકીય અને વ્યક્તિત્વનો વિકાસ થયો હોવો જોઈએ તેટલો નથી થયો હતો. સામે પક્ષે કેટલાક એવા પણ વિદ્યાર્થીઓ હોઈ શકે જેઓ તમામ સુવિધાઓ સાથે ઉછર્યા હોય, વિકાસ માટેનું સાનુકૂળ વાતાવરણ મળ્યું હોય, તેઓ શિક્ષકની અપેક્ષાએ સારી અભિવ્યક્તિ કરી શકે છે અને તેઓ શિક્ષકની નજરમાં હોશિયાર વિદ્યાર્થી તરીકે ગણના પામી જાય છે. અહીં તફાવત વિદ્યાર્થીની બૌદ્ધિક ક્ષમતાનો નથી પણ એના માટે વાતાવરણની ભિન્નતા જવાબદાર છે.
એક સાચી બનેલી ઘટના છે. એક વખત એક વર્ગખંડમાં શિક્ષકે વિદ્યાર્થીને કોઈએ એક એકમની પ્રસ્તાવના કરવાના હેતુસર પ્રશ્ન કર્યો કે, ‘તમારી દ્રષ્ટિએ તમે જોયેલી ફિલ્મોમાંથી શ્રેષ્ઠ ફિલ્મ કઈ છે ?’ એ વિદ્યાર્થી ઊભો તો થયો પણ શૂન્યમનસ્ક બનીને ઊભો રહ્યો.
આવા વિદ્યાથીઓ ભારતીય વર્ગખંડોમાં બહોળા પ્રમાણમાં છે, એવું માની લેવાની સહેજ પણ જરૂર નથી કે એ વિદ્યાર્થીઓ બુદ્ધિ શક્તિમાં નબળાં છે, આવા વિદ્યાર્થીઓ ઘટ સિદ્ધાંતના દાયરામાં આવે છે. શાળામાં તેના વિકાસ માટે અલગ પ્રયાસો હાથ ધરવા જ પડે અને તો જ તે એમની સાથેના અન્ય વિદ્યાર્થીઓ સાથે મિલાવી શકે.
શિક્ષકો માટે કેટલાક સુચનો
આ સિદ્ધાંત થકી એક બાબત સ્પષ્ટ થાય છે કે જે વિદ્યાર્થી ભાષાકીય ક્ષમતામાં નબળું દેખાય છે એ તેની વ્યક્તિગત ક્ષમતાને કારણે નહીં પણ વિકાસ માટેના પર્યાપ્ત વાતારણની કમીને કારણે છે. આ સંજોગોમાં શિક્ષકે નીચેની બાબતોને ધ્યાનમાં રાખવી જોઈશે.
- શિક્ષકોના મનમાં એક સફળ વિદ્યાર્થીની એક કલ્પના હોય છે, તે કલ્પના અનુસાર ઘણી વખત પ્રથમઅનુભવને લઈને જ આપણે ઉતાવળા નિર્ણયો લઈ લેતાં હોઈએ છીએ. આવા નિર્ણયો લેતાં પહેલાં હવે વિચારવું પડશે.
- ક્યારેક આપણી એવી જ માન્યતાઓ હોય છે કે નબળો સામાજિક - આર્થિક દરજ્જો ધરાવનાર બાળકો ભાષાકીય રીતે નિમ્ન જ હોય છે. આવા સામાન્યીકરણ બાળકને અન્યાયકર્તા નીવડે છે.
- શિક્ષણમાં આવી માન્યતાઓ એક ‘ખતરા સમાન છે કેમકે શિક્ષક વિદ્યાર્થી માટે શું માને છે તે તેના વર્તન અને વિકાસને બહુ મોટા પાયે અસર પહોંચાડે છે.
- કેટલીક વખત શિક્ષકો આગળ વધીને એવું પણ વિચારતા હોય છે કે આવા બાળકોમાં કોઈ સુધાર લાવી શકાય તેમ નથી. આ બાબત તો ઘણી જ ખતરનાક નીવડે છે.
- અન્ય માન્યતા એવી પણ હોય છે કે શાળા જે રીતે જ્ઞાન આપે છે તેની સાથે ગરીબીમાં ઉછરેલાબાળકો તાલ મિલાવી શકતા નથી. પ્રત્યેક બાળક ભિન્ન છે અને શક્તિશાળી છે.' - આ વિચારને મજબૂત કરવો જોઈશે.
અસાતત્યનો સિદ્ધાંત
ભાષાનું સ્વરૂપ એટલું બધું રહસ્યમય છે કે ભાષાશાસ્ત્રીઓ માને છે કે તે માત્ર શક્તિથી રાતોરાત હાંસલ ન કરી શકાય, એની ચોક્કસ કોઈ ઉત્ક્રાંતિ થઈ હોવી જોઈએ. આ પૃથ્વી પર આજનો શિક્ષિત માણસ લાખો વર્ષોની ઉત્ક્રાંતિ વિકાસની યાત્રાનું પરિણામ છે. ભાષા કોઈ શુન્યાવકાશમાં જન્મેલી નથી. પૂર્વભાષાકીય તબક્કામાં આપણે કોઈ રીતે આપણા પૂર્વજો પાસેથી તે વિકસાવી છે. આ સિદ્ધાંતને ‘અસાતત્ય સિદ્ધાંત' કહે છે. સાદી ભાષામાં સમજીએ તો આજની ભાષા એ લાખો વર્ષો પછીની ઉત્ક્રાંતિનું પરિણામ છે.
સાતત્ય સિદ્ધાંતના સામે કેટલાક ભાષા શાસ્ત્રીઓનું માનવું એમ છે કે, માણસ જન્મથી જ એવી શક્તિ લઈને આવ્યો છે કે તે ભાષા આત્મસાત કરી શકે. આ સિદ્ધાંતના પ્રણેતા છે, નો આમ ચોસ્કી છે, તેઓનું માનવું છે કે માણસ આ જન્મજાત શક્તિને કારણે જ ભાષા થકી પ્રત્યાયન કરી શકે છે, એ એટલી બધી વિશિષ્ટ શક્તિ છે કે તે ઉત્ક્રાંતિના નિયમોને આધીન પશુઓની શૃંખલામાંથી વિકસેલા માણસમાં ભાષાનો વિકાસ થયો હોય તેમ માની ન શકાય. આ સિદ્ધાંત મૂળભૂત રીતે તો જન્મજાત શક્તિનો સિદ્ધાંતનો છે પણ તે સાતત્ય સિદ્ધાંતથી બિલકુલ વિપરીત દ્રષ્ટિકોણ રજૂ કરે છે માટે તેને ‘સાતત્યભંગ સિદ્ધાંત' તરીકે ઓળખવામાં આવે છે. અને એટલે જ જન્મથી બહેરી વ્યક્તિ ભલે ભાષા બોલી નથી શકતી પણ તે આદાનપ્રદાન માટે તે પોતાની ભાષાનું નિર્માણ કરી શકે છે.