Education Gujarati
Education Gujarati Join Our Telegram Channel
Join
Follow To WhatsApp Channel. Education Gujarati

Search Suggest

મૂલ્યાંકનના સિદ્ધાંતો અને મહત્વ



મૂલ્યાંકનના સિદ્ધાંતો 

મૂલ્યાંકનનો મૂળભૂત હેતુ વિદ્યાર્થીઓની સિદ્ધિ માટે માહિતી મેળવવાનો નહિ, પરંતુ તેનો ઉપયોગ આગળની અધ્યયન પ્રક્રિયામાં કરવાનો છે. મૂલ્યાંકન દ્વારા વિદ્યાર્થીઓમાં એવા વિશ્વાસનું ચણતર થવું જોઈએ કે દરેક વિદ્યાર્થીમાં સુધારો લાવી શકાય છે. મૂલ્યાંકન અરસપરસના અધ્યયનને શક્ય બનાવે છે કે જયાં શિક્ષક અને વિદ્યાર્થી એકબીજાના જ્ઞાન ઘડતરની પ્રક્રિયામાં સહભાગી બને છે અને તેને મૂલવે છે, મૂલ્યાંકન યોગ્ય અને હેતુઓને અનુરૂપ છે કે નહિ તેની ખાતરી કરવા માટે અધ્યેતાનું જ્ઞાન ચકાસવું જરૂરી છે, તેમજ શિક્ષક મૂલ્યાંકનના સિદ્ધાંતોથી પણ પરિચિત હોવા જોઈએ. આ મૂલ્યાંકનના સિદ્ધાંતોની ચર્ચા નીચે મુજબ કરી શકાય. 

1.શીખવા માટેનું અધ્યયન

 સારા મૂલ્યાંકનમાં વિદ્યાર્થીનો ઉત્તર સાચો છે કે ખોટો તેના પર ઓછું, જયારે વિદ્યાર્થીની તર્કશક્તિ કે ચિંતનશક્તિને રાતેજ બનાવવા પર વધુ ધ્યાન અપાય છે. વિશ્વને જોવાની અને સમજવાની બાળકમાં જે તરાહો તૈયા૨ થઈ છે તે સમજણનો વિકાસ કરવામાં આવું અધ્યયન બાળકને કામ લાગે છે. 
આ અધ્યયન દ્વારા બાળકે પોતે શું શીખવાનું છે માત્ર તેની તરફ જ નહિ પણ તેને કેવી રીતે શીખવાનું છે તે બાબતે બાળક વધુ સજાગ બને છે, શીખવા માટેના અધ્યયન દ્વારા પોતાની સ્વ - નિયમન શક્તિના વિકારા સાથે બાળકો પોતાના અધ્યયનને વધુ નિયંત્રિત કરવા શક્તિમાન બને છે. ત્યારબાદ વિદ્યાર્થીઓ પોતાની વિકસિત સમજની શિક્ષકો, સાથી મિત્રો, માતાપિતા, કુટુંબીજનો અને અન્યો સાથે ચર્ચા કરી શકે છે. સ્વતંત્ર અધ્યેતાઓમાં તેમની પોતાની જરૂરિયાતો અને અધ્યયન હેતુઓને અનુલક્ષીને નવા જ્ઞાન, નવી સમજ અને નવા કૌશલ્યોનું નિર્માણ થાય છે. 

2 અધ્યયન ધ્યેયો વિદ્યાર્થીઓ સાથે વહેંચવા 

એકમના અભ્યાસના હેતુઓ અંગે શિક્ષક હંમેશા સ્પષ્ટ હોવા જોઈએ. વિદ્યાર્થીઓ પણ તેમને સોંપેલા વ્યક્તિગત કાર્ય બાબતે શું કરવાનું છે (What to do) તેનાથી ઓછા માહિતગાર હોય છે. પણ શિક્ષક દ્વારા આ અધ્યાપન હેતુઓનું સ્પષ્ટીકરણ થતાં વિદ્યાર્થીઓ જાણી શકે છે કે શિક્ષક શું શીખવવા માંગે છે અને તેઓ શા માટે આ શીખી રહ્યા છે. 
જ્યાં સુધી મૂલ્યાંકનનો હેતુ સ્પષ્ટ ન થાય ત્યાં સુધી મૂલ્યાંકનના સાધન, પતિ કે પ્રયુક્તિ અપનાવવી સલાહ ભરેલું નથી. શૈક્ષણિક મૂલ્યાંકનના સંદર્ભમાં શૈક્ષણિક હેતુઓ અગ્રસ્થાને હોવા જરૂરી છે. જે બાબતનું મૂલ્યાંકન કરવાનું હોય તે બાબતની લાક્ષણિકતાઓ વિશે સ્પષ્ટ ખ્યાલ મેળવ્યા વિના મૂલ્યાંકન કરવું અર્થહીન બને છે. બુદ્ધિમાપન કસોટીઓના રચયિતાઓએ બુદ્ધિની સંકલ્પના સમજવામાં થાપ ખાધી ત્યાર બાદ બુદ્ધિના ઘટકોની સ્પષ્ટ સમજ અને અધ્યયન - અધ્યાપન પ્રક્રિયાના ઘટકોની સમજ સ્પષ્ટ થતા  આ બે બાબતોએ માનવવર્તનને બરાબર સમજવામાં સહાય કરી. તેથી અધ્યયન - અધ્યાપન પ્રક્રિયામાં મહત્વનો ભાગ ભજવના ૨ વિદ્યાર્થી વર્તન અંગેની સ્પષ્ટ સમજ શિક્ષક તેમજ વિદ્યાર્થી એમ બંને પક્ષે હોવી ખૂબ જરૂરી છે. તેથી શિક્ષકે આવા હેતુઓથી સ્પષ્ટ થઈ વિદ્યાર્થીઓને પણ આ હેતુઓ પ્રાપ્ત કરવા સજાગ કરવા જોઈએ. 

3. વિદ્યાર્થીઓ અધ્યયન હેતુઓના ધોરણોને જાણી શકે તે માટે મદદ કરવી. 

વિદ્યાર્થીઓને ઉદાહરણો દ્વારા સમજાવી શકાય. વિદ્યાર્થીઓના કાર્યના અસ૨કા૨ક ગુણાંકન દ્વારા વિદ્યાર્થીઓને તેઓ જે અધ્યયન હેતુઓ પ્રાપ્ત કરવા માંગે છે તેના તરફ પ્રોત્સાહિત કરવા વિદ્યાર્થીઓને જે આવડ્યું છે તેને પ્રતિપોષણ આપવું અને જે નથી આવડ્યું તેને ભવિષ્યમાં કેવી રીતે પ્રાપ્ત કરવું તે અંગે વિદ્યાર્થીઓને જ્ઞાત કરવા. વિદ્યાર્થીની ભૂલોની યાદી બનાવવા કરતાં જે વસ્તુ વિદ્યાર્થીએ સારી રીતે કરી હોય તે દર્શાવવા અને સુધારા માટે શાની જરૂર છે તે બાબતથી વિદ્યાર્થીને માહિતગાર કરવા જોઈએ. 

4. યોગ્ય મૂલ્યાંકન પ્રયુક્તિઓનું આયોજન કરવું. 

 હેતુસિદ્ધિના સંદર્ભમાં શિક્ષકે યોગ્ય મૂલ્યાંકન પ્રયુક્તિઓ પસંદ કરવી જોઈએ. જે પ્રકારના વિદ્યાર્થીવર્તનનું મૂલ્યાંકન કરવાનું છે તેની સ્પષ્ટ સમજ મેળવ્યા બાદ તે વર્તન માપવા માટે યોગ્ય પ્રયુક્તિ પસંદ કરવી જોઈએ. આ બધી પ્રયુક્તિ પસંદ કરવામાં કેટલે અંશે ચોક્કસપણે મૂલ્યાંકન થઈ શકશે તેનું ધ્યાન રાખવું જરૂરી છે. આ પ્રયુક્તિઓ કેટલી અનાત્મલક્ષી છે અને એનો ઉપયોગ કેટલો હિતાવહ છે તેનું પણ ધ્યાન રાખવું જરૂરી છે. આ બધી બાબત અગત્યની હોવા છતાં વિદ્યાર્થીનું જે વર્તન આપો માપવું છે તે તેનું માપન કેટલે અંશે અસરકારક રીતે થાય છે તે મુખ્ય બાબત છે. કોઈ એક પ્રયુક્તિ કોઈ એક બાબત માટે યોગ્ય હોય તો બીજી બાબત માટે યોગ્ય ન પણ હોય . અપેક્ષિત વર્તન - પરિવર્તનનું મૂલ્યાંકન જે તે પ્રયુક્તિની યોગ્યતા કે અયોગ્યતા નક્કી કરે છે. નિબંધ પ્રકારના અને હેતુલક્ષી પ્રશ્નો પોતપોતાને સ્થાને ઉપયોગી છે. કેટલીક બાબતો માટે નિબંધ પ્રકારના પ્રશ્નો જ કામ લાગે તો કેટલીક બાબતો માટે અનાત્મલક્ષી કસોટીઓ જ ઉપયોગમાં લેવાય. પ્રયુક્તિનો ઉપયોગ કરવો કે ન કરવો તે મહત્વનો પ્રશ્ન નથી, પણ કઈ પ્રયુક્તિનો ક્યારે ઉપયોગ કરવો તે મહત્વની બાબત છે. 

5. સર્વગ્રાહી મૂલ્યાંકન માટેનું આયોજન કરવું 

 સર્વગ્રાહી મૂલ્યાંકન કરવા માટે અનેકવિધ પ્રયુક્તિઓની જરૂર પડે છે. વિદ્યાર્થીવર્તનનાં વિવિધ પાસાંઓ અને એની શૈક્ષણિક સિદ્ધિઓ માપવા માટે કોઈ એક પ્રયુક્તિ જ શ્રેષ્ઠ છે તેમ કહી શકાય નહિ. દરેક મૂલ્યાંકન પ્રયુક્તિના ઉપયોગની મર્યાદા હોય છે. ફક્ત માહિતીલક્ષી બાબતોનું મૂલ્યાંકન કરવા માટે હેતુલક્ષી કસોટીઓ યોગ્ય છે, પણ વિદ્યાર્થી હકીકત કેટલી સારી રીતે સમજી શક્યો છે તે વિશેનો ખ્યાલ આપવામાં, વિચારશક્તિ અને કૌશલ્યોના વિકાસનું માપ કાઢવામાં, એના વલણ પરિવર્તનનું મૂલ્યાંકન કરવામાં અને મેળવેલ જ્ઞાનનો જીવનમાં ઉપયોગ કરવાની બાબતમાં હેતુલક્ષી કસોટીઓ ઉપયોગી થઈ શકે નહિ. શૈક્ષણિક સિદ્ધિને લગતી આ બધી બાબતોનું મૂલ્યાંકન નિબંધ પ્રકારના પ્રશ્નોથી સારી રીતે થાય છે એમ માનવામાં આવે છે. 
દરેક મૂલ્યાંકન પદ્ધતિ પોતપોતાના સ્થાને મહત્વની છે, વિદ્યાર્થીમાં અપેક્ષિત વર્તન - પરિવર્તન લાવવા માટે મૂલ્યાંકનની વિવિધ પદ્ધતિઓ અને પ્રયુક્તિઓની જરૂર પડે છે. વિદ્યાર્થીની શૈક્ષણિક સિદ્ધિઓનું સંપૂર્ણ ચિત્ર વિવિધ પ્રયુક્તિઓના પરિણામોને એકસાથે રાખી તેનું અર્થઘટન કરવાથી આવી શકે છે. વિવિધ હેતુઓ માટે જો યોગ્ય પ્રયુક્તિ પસંદ કરવામાં આવે તો વિદ્યાર્થીનું સ્પષ્ટ ચિત્ર ઉપસાવી શકાય. 

6. વિદ્યાર્થીને સ્વ - મૂલ્યાંકન માટે સહભાગી બનાવવા.

 વિદ્યાર્થીમાં સ્વ - મૂલ્યાંકન માટેની ક્ષમતાનો વિકાસ કરવો કે જેથી તેઓ સ્વતંત્ર અધ્યેતા બને અને પોતાનામાં રહેલી શક્તિઓને જાણી નવા જ્ઞાન, સમજ અને કૌશલ્યો પ્રાપ્ત કરે, તથા આ માટે વિદ્યાર્થીઓ પોતાના જ્ઞાનનું મૂલ્યાંકન કરે તેવી તકો પૂરી પાડી શિક્ષકે તેમને પ્રોત્સાહિત કરવા જોઈએ. તેઓ પોતાની અને પોતાના સહાધ્યાયીઓની પ્રગતિની પુનઃસમીક્ષા કરી શકે અને નોંધ રાખી શકે, જેનાથી વિદ્યાર્થીઓ પોતાની સિદ્ધિને સમજી શકે અને જ્ઞાનમાં ખૂટતી કડીઓને ઓળખી શકે. પરિણામ સ્વરૂપ વધુ સારું અધ્યયન થવાની સંભાવના ઉજળી બને છે. સ્વતંત્ર અધ્યેતાઓ સ્વ - ચિંતન કરી અધ્યયનના નવા કદમ તરફ પ્રયાણ કરે છે. વિદ્યાર્થી પોતાની પ્રગતિનું મૂલ્યાંકન જાતે કરી શકે તેવી મહેચ્છા અને સામર્થ્ય શિક્ષક વિદ્યાર્થીમાં સ્વ - મૂલ્યાંકન કૌશલ્યના વિકાસ દ્વારા પૂરું પાડી શકે. 

7. અસરકારક પ્રતિપોષણનો સિદ્ધાંત 

અધ્યેતાની અધ્યયન હેતુઓની પ્રાપ્તિની પ્રગતિ સંદર્ભે શિક્ષક અને વિદ્યાર્થી બંને માટે અધ્યયન માટેનું મૂલ્યાંકન પ્રતિપોષણ પૂરું પાડે છે. આ પ્રતિપોષણના આધારે શિક્ષક પોતાની અધ્યાપન પદ્ધતિઓના વધુ સારા વિકાસ માટે પ્રતિબદ્ધ બને છે. પ્રતિપોષણ વિનાનું મૂલ્યાંકન અધ્યયન - અધ્યાપન પ્રક્રિયામાંથી વિખૂટું પડી જાય. તે વર્ગખંડ પ્રક્રિયા કે શિસ્ત જાળવવાનું સાધન બની જાય છે. વિદ્યાર્થીઓના કાર્યને સુધારવામાં, તેમની શક્તિઓને આગળ લઈ જવામાં અને તેમની ઉણપો દૂર કરવામાં અસરકારક પ્રતિપોષણ ખૂબ જ જરૂરી છે. 

8. દરેક બાળકમાં સુધાર શક્ય છે તેવા વિશ્વાસની પ્રતીતિ 

 પ્રતિપોષણ અધ્યયન કાર્ય પર પ્રકાશ ફેંકે છે અને એ વાત જણાવે છે કે શાના દ્વારા બધા વિદ્યાર્થીઓ એવું માનતા થાય કે તેમનામાં સુધારો થવાની સો ટકા શક્યતા છે. બધા જ વિદ્યાર્થીઓ સમાન પદ્ધતિથી શીખતા નથી. બધાની શીખવાની પદ્ધતિઓ અને સફળતાના માપદંડો અલગ હોય છે. તેથી દરેક બાળકને અનુરૂપ મૂલ્યાંકન સાધનનો ઉપયોગ કરી તેનામાં સુધારો લાવી શકાય છે. 

9. મૂલ્યાંકનના પરિણામોને ધ્યાનમાં રાખી અધ્યાપન કાર્યનું આયોજન કરવું. 

 અધ્યયન - અધ્યાપન પ્રક્રિયા એકમાર્ગી નથી. શિક્ષકના અધ્યાપનનો મહત્વનો ભાગ એ છે કે શિક્ષક અધ્યયનની સફળતા અંગે નિર્ણયો લઈ શકે અને તેને આધારે અધ્યાપન કાર્ય કરે. અધ્યયનને સહાયકારી વર્ગખંડ વ્યૂહરચનાઓ અને રોજબરોજની વર્ગખંડ પ્રવૃત્તિઓ જેવી કે પ્રશ્નોત્તરી, ગૃહકાર્ય સોંપણી, વિવિધ પ્રવૃત્તિઓમાં વિદ્યાર્થીઓનું ગુણાંકન કે ગ્રેડિંગ અને વિદ્યાર્થીઓની પ્રગતિની નોંધ વગેરે અધ્યયન માટેના મૂલ્યાંકનમાં શિક્ષકને માટે મહત્વનો ભાગ બની રહે છે. 

10. કાર્યવ્યસ્તતા અને પ્રેરણા 

 અધ્યયન માટેના મૂલ્યાંકનના અતિ મહત્વના હેતુઓમાંનો એક વિદ્યાર્થીઓને પ્રેરણા પૂરી પાડવાનો છે. શું પ્રાપ્ત કરવાનું છે તેનું માત્ર જ્ઞાન અને સમજ હોય તે પૂરતું નથી, પરંતુ અધ્યયન વિષયવસ્તુ કઠિન કે મુશ્કેલ લાગે તો પણ તે કાર્યમાં વિદ્યાર્થીએ વ્યસ્ત રહેવાનું છે અને તેને શીખવાના પ્રયત્નો ચાલુ રાખવાના છે. શિક્ષકે વિદ્યાર્થીઓની મૂલ્યાંકન ક્ષમતાઓનો વિકાસ કરવો, તેમને કાર્યવ્યસ્ત રાખવા અને શીખવા માટે પ્રોત્સાહન આપવું અને તેમને વધુ સ્વતંત્ર અધ્યેતા બનાવામાં મદદ કરવી. અધ્યયનને પ્રોત્સાહિત કરતું મૂલ્યાંકન પ્રેરણાને આગળ વધારે છે. પ્રેરણાથી પ્રગતિ અને સિદ્ધિ પાપ્ત થાય છે. આમ, મૂલ્યાંકન વિધાર્થીને કાર્યરત રાખે છે અને તેને પ્રેરણા આપે છે. 

11. વિદ્યાર્થીઓમાં મૂલ્યાંકન શક્તિનું નિર્માણ કરવું.

 પરીક્ષામાં પોતાનો દેખાવ કે પરિણામના અર્થઘટન દ્વારા મૂલ્યાંકનમાં વિદ્યાર્થી સક્રિય રીતે ભાગીદાર બને તો તેઓ વૈયક્તિક અધ્યયનની મહત્વની ક્ષણોને ઓળખી શકે છે. તેનાથી વિદ્યાર્થીને પોતાની તાકાત અને જરૂરિયાતો સમજાય છે અને નિર્ણયો કેવી રીતે લેવા તેની સૂઝ પડે છે. વિદ્યાર્થીઓને એ રીતનું શિક્ષણ મળવું જોઈએ કે જેથી તેમની મૂલ્યાંકન ક્ષમતાનો વિકાસ થાય. તેનાથી તેમના સ્વ અધ્યયન પરના નિયંત્રણમાં વધારો થાય છે. આ પ્રક્રિયા દ્વારા તેઓ વધુ કાર્યક્ષમ અને સ્વતંત્ર અધ્યેતા બને છે. 

12. વિષયવસ્તુનું જ્ઞાન 

 અધ્યયન માટેના અસરકારક મૂલ્યાંકન માટે અભ્યાસક્રમ અને વિષયવસ્તુ બંનેનું જ્ઞાન અનિવાર્ય છે. શિક્ષકને તેના વિષયવસ્તુનું સંપૂર્ણ અને ઊંડાણપૂર્વકનું જ્ઞાન હોવું જોઈએ અને વિદ્યાર્થીઓ તેને કેવી રીતે શીખશે તેનું જ્ઞાન હોવું જોઈએ. મતલબ કે શિક્ષકમાં સંકલ્પનાઓની સ્પષ્ટ સમજ, વર્ગખંડમાં વિદ્યાર્થીઓ જે સમજ અને ગેરસમજ સાથે આવે છે તેનું જ્ઞાન અને નવા અધ્યયનને વિદ્યાર્થી સમક્ષ શ્રેષ્ઠ સુવિધાજનક રીતે રજૂ કરવાની આવડત હોવી જોઈએ. 
અસરકારક અધ્યયન તકો પૂરી પાડવા માટે શિક્ષક અભ્યાસક્રમ, તેના ધ્યેયો અને વિદ્યાર્થીઓ તેના તરફ કેવી રીતે જાય છે તેને સમજવાની જરૂર છે. અધ્યયન માટેનું મૂલ્યાંકન જ્ઞાનયુક્ત શિક્ષક પર આધારિત છે કે જેઓ પોતાના અનુભવો અને કાર્યોનું અર્થઘટન કરી શકે, અધ્યયનમાં વધારા માટે તેના પર કાર્ય કરી શકે. 
શિક્ષક દ્વારા જે રીતે અધ્યયન, અધ્યાપન અને મૂલ્યાંકન કરાય છે તે તેના વિદ્યાર્થીઓ કેવી રીતે વિચારે છે અને શીખે છે તેની માન્યતા અને શિક્ષકના વિષયવસ્તુના જ્ઞાનની સીધેસીધી કે પ્રત્યક્ષ નીપજ છે. 

13. આયોજન અને પ્રત્યાયન 

 રોજબરોજના વર્ગવ્યવહારના ભાગરૂપે અધ્યયન માટેનું મૂલ્યાંકન શિક્ષકના આયોજનમાં હોવું જોઈએ. 
અધ્યયન ધ્યેયો, અધ્યાપન વ્યૂહરચનાઓ અને મૂલ્યાંકન માનદંડને સાવધાનીપૂર્વક જોડવા જોઈએ. વિદ્યાર્થીઓ શું શીખવા જઈ રહ્યા છે અને તેનું કેવી રીતે અને શા માટે મૂલ્યાંકન કરવામાં આવશે તેની વિદ્યાર્થીઓને શરૂઆતથી જ જાણ હોવી જોઈએ. શિક્ષકના કાર્યક્રમનું આયોજન સ્થિતિસ્થાપક કે પ્રવાહી હોવું જોઈએ કે જેથી તે નવી માહિતી, તકો અને અંતઃસ્ફુરક્ષાને ધ્યાને રાખી તેમાં પરિવર્તનો લાવી શકે. વિદ્યાર્થીઓ જે ધ્યેયો માટે આગળ વધી રહ્યાં છે તેની સમજ ચકાસવાનું અને આગળની પ્રગતિ માટે વિદ્યાર્થીઓને કેવી રીતે મદદ કરવી તેનું આયોજન પણ કરવું જોઈએ. 
વિદ્યાર્થીઓને કેવી રીતે પ્રતિપોષણ આપવું, તેમના અધ્યયનના મૂલ્યાંકનમાં તેઓ કેવી રીતે ભાગ લેશે અને આગળની પ્રગતિ માટે તેમને કેવી રીતે મદદરૂપ થવું તે અંગેનું પણ આયોજન થયું જોઈએ. 
અધ્યયન ધ્યેયો તરફથી પ્રગતિ વિશે માહિતી મેળવવામાં શિક્ષક અને વિદ્યાર્થી સીધેસીધો ઉપયોગ થવો જોઈએ. બંનેને તકો પૂરી પાડે તેવું આયોજન થવું જોઈએ.

14. પ્રગતિનું સંગૃહિત માપન

 મૂલ્યાંકન પ્રમાણભૂત, યોગ્ય અને હેતુને બંધબેસતું હોવું જોઈએ. તે માત્ર સિદ્ધિ નહિ, પ્રગતિનું પણ માપન કરતું હોવું જોઈએ. કોઈ પણ મૂલ્યાંકન એ કોઈ ચોક્કસ દિશાની ત્વરિત છબી માત્ર પૂરી પાડે છે. પ્રત્યેક દિવસનો વિદ્યાર્થીઓના મૂલ્યાંકનનો દેખાવ અલગ - અલગ હોય છે, જે નીચેની બાબતો પર આધાર રાખે છે. 

  • મૂલ્યાંકન પ્રવૃત્તિનું સ્વરૂપ 
  • મૂલ્યાંકન જે સ્થિતિમાં થાય છે તે સ્થિતિઓ  
  • મૂલ્યાંકનના હેતુઓ  
  • વિદ્યાર્થીઓની તૈયારી  
  • વિદ્યાર્થીઓની કાર્યવ્યસ્તતા અને પ્રેરણા 
વિદ્યાર્થીઓની પ્રગતિના પ્રમાણભૂત અને યોગ્ય માપન માટે શિક્ષકે વિવિધ સ્ત્રોતોની માહિતીનું પૃથક્કરણ કરવું જોઈએ. શિક્ષક વિદ્યાર્થીઓની ઔપચારિક અને અનૌપચારિક એમ બંને પ્રકારની માહિતી મેળવે એ અતિ અગત્યનું છે. 

15. વર્ગખંડ વ્યવહારના કેન્દ્રમાં મૂલ્યાંકન છે. 

શિક્ષક અને વિદ્યાર્થી વર્ગમાં જે કંઈ કરે છે એને મૂલ્યાંકન કહી શકાય . વિદ્યાર્થીઓના જ્ઞાન, સમજ અને કૌશલ્પને ચકાસવા માટેની પ્રશ્નોત્તરી અને પ્રવૃત્તિઓ મૂલ્યાંકન છે. અધ્યેતા જે કહે છે અને કરે છે તેનું અવલોકન અને અર્થઘટન થાય છે, અને અધ્યયનને કેવી રીતે સુધારવું તેના નિર્ણયો લેવાય છે. રોજ્બરોજના વર્ગખંડ વ્યવહારમાં આ મૂલ્યાંકનની પ્રક્રિયા અનિવાર્ય છે અને તેમાં શિક્ષક અને વિદ્યાર્થી બંને સક્રિય રહે છે. 

16. અધ્યયન માટેનું મૂલ્યાંકન એ ચાવીરૂપ વ્યાવસાયિક કૌશલ્ય છે. 

 શિક્ષકમાં મૂલ્યાંકનના આયોજન માટે વ્યાવસાયિક જ્ઞાન અને કૌશલ્ય હોવા જરૂરી છે. તે અધ્યયનનું નિરીક્ષણ કરે છે. અધ્યયનના પુરાવાઓનું પૃથક્કરણ અને અર્થઘટન કરે છે. વિદ્યાર્થીઓને પ્રતિપોષણ આપે છે અને વિદ્યાર્થીઓને સ્વ મૂલ્યાંકનમાં મદદ કરે છે, તેથી દરેક શિક્ષકમાં આ કૌશલ્ય હોવું જરૂરી છે. 

17. મૂલ્યાંકન એ સાધન છે, સાધ્ય નહિ.

 મૂલ્યાંકનનો ઉપયોગ હંમેશા ચોક્કસ હેતુઓ સિદ્ધ કરવા માટે કરવામાં આવે આ હેતુઓથી પૂરેપૂરા વાકેફ હોવા જોઈએ. કોઈ પણ જાતની સમજ વિના ભેગી કરવામાં આવતી માહિતી સમય તેમજ શક્તિનો વ્યય કરવા બરાબર છે. પરિણામના અર્થઘટનના જ્ઞાન વિના પ્રમાણભૂત કસોટીઓનો ઉપયોગ કરવો નકામો છે. મૂલ્યાંકન દ્વારા એકઠી કરેલ માહિતીને આધારે શૈક્ષણિક નિર્ણયો લેવાના હોય છે. જો માહિતી એકઠી કરવામાં ત્રુટિ રહે અથવા તો એકઠી કરેલ માહિતીનું યોગ્ય અર્થઘટન ન કરવામાં આવે તો શૈક્ષણિક નિર્ણયો લેવામાં ગંભીર ભૂલો થવાનો સંભવ છે. 
આમ, મૂલ્યાંકન કરતાં સમયે દરેક શિક્ષકે ઉપર મુજબના સિદ્ધાંતોને ધ્યાનમાં રાખી શિક્ષણકાર્ય કરવું જોઈએ જેનાથી શિક્ષણકાર્ય વધુ વ્યવસ્થિત અને વૈજ્ઞાનિક બને છે. 

મૂલ્યાંકનનું મહત્વ 

શિક્ષણની પ્રક્રિયામાં શિક્ષક અને વિદ્યાર્થી આ બંનેની યોગ્યતા ચકાસવી જરૂરી છે. યોગ્ય શિક્ષકો વિદ્યાર્થીઓને યોગ્ય શિક્ષણ આપે છે કે નહિ તે ચકાસવું ખૂબ જ જરૂરી છે. શિક્ષકે વિદ્યાર્થીને શિક્ષણ આપતાં સમયે એ વિચારવાનું રહે છે કે જે રીતે વિદ્યાર્થીને તે શિક્ષણ આપે છે તે યોગ્ય છે કે નહિ અને વિદ્યાર્થી શિક્ષણ પૂરું કર્યા બાદ સમાજ માટે ઉપયોગી બની શકે છે કે નહિ. યોગ્ય વિદ્યાર્થી એ કહેવાય કે જે પોતાને મળતા શિક્ષણમાંથી સારામાં સારો ફાયદો ઉઠાવી પોતાનું જીવન અને સમાજના જીવનનું ઘડતર કરે. મૂલ્યાંકન આ યોગ્યતા નક્કી કરે છે. તેથી વિદ્યાર્થીના વર્તનનું હરપળે અને હર તબક્કે મૂલ્યાંકન કરવું જરૂરી બને છે, જેથી શિક્ષક અને વિદ્યાર્થી બંનેની યોગ્યતાનો ખ્યાલ મેળવી શકાય. મૂલ્યાંકનનું મહત્વ નીચે મુજબ જણાવી શકાયઃ 

1. મૂલ્યાંકન સમાજજીવનનાં ધારાધોરણો અને પ્રમાણભૂતતાની જાળવણી કરે છે. 

સમાજના આર્થિક પાસા અને સામાજિક જીવન માટે ધારાધોરણો અને પ્રમાણભૂતતાની જરૂર રહે છે. સમાજમાં ઉત્પાદિત કરવામાં આવતી સાધનસામગ્રી અને સેવાઓની પ્રમાણભૂતતા જળવાવી જોઈએ. ચોક્કસ પ્રકારના વ્યવસાયોમાં રોકાયેલા વ્યક્તિઓ પાસે ચોક્કસ પ્રકારની કાર્યકુશળતાઓ અને જ્ઞાનના ધોરણની અપેક્ષા રાખવામાં આવે છે, અને તે પ્રમાણેની લાયકાતો માટે ચોક્કસ પ્રકારની પરીક્ષાઓ પસાર કરેલ વ્યક્તિઓને જ જે તે વ્યવસાય માટે સમાજ સ્વીકારે છે અલગ અલગ વિષયના સ્નાતક વિદ્યાર્થીઓ પાસે જે તે વિષય અંગેની વિશિષ્ટ અપેક્ષા રાખવામાં આવે છે. આ ઉપરાંત વિદ્યાર્થી જયારે એક શિક્ષણસંસ્થામાંથી ભીજી શિક્ષણ સંસ્થામાં પ્રવેશે છે ત્યારે પણ સ્વીકારનાર સંસ્થા તેની પ્રમાણભૂતતાની ચકાસણી કરે છે. 
વિદ્યાર્થીના વૈયક્તિક તફાવતોને લક્ષમાં ન લેતા પ્રમાણભૂતતાની જાળવણી માટે સમાન અભ્યાસક્રમ પડવામાં આવે તો આ પ્રકારનો અભ્યાસક્રમ ફળદાયીને બદલે હાનિકારક પૂરવાર થઈ શકે. જેનાથી માનવબળનો વ્યય થવાની શક્યતા પણ રહે. આ પ્રકારનાં ધારાધોરણો મૂલ્યાંકનના દૂરુપયોગ તરફ દોરી જાય છે ધારાધોરણો અને પ્રમાણભૂતતાની જાળવણીની આંધળી દોટ વ્યક્તિમાં રહેલા વૈયક્તિક તફાવતોને અનુરૂપ અભ્યાસક્રમો પૂરા પાડવામાં નિષ્ફળતા ઉપસ્થિત કરે છે. એક જ પ્રકારનો અભ્યાસક્રમ અને તેને અનુરૂપ એક જ પ્રકારની અભ્યાસપ્રવૃત્તિઓ પ્રદાન કરતી શાળાઓ પ્રમાણભૂતતાને પ્રોત્સાહન આપવાને બદલે તેનો ઉપહાસ કરે છે. જે વિદ્યાર્થીને ઉચ્ચ શિક્ષણ મેળવવું જ ન હોય અને જેનામાં ઉચ્ચ શિક્ષણૢ માટેની લાયકાત પણ ન હોય તેવા વિદ્યાર્થીઓ માટે પણ ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરવા માટેની તૈયારી કરાવતો અભ્યાસક્રમ નકામો છે. વિવિધ પ્રકારની શક્તિઓ અને કુશળતાઓ ધરાવનાર વિદ્યાર્થીઓ માટે વિષય પ્રમાણભૂતતાની જાળવણી માટે તૈયાર કરેલ અભ્યાસક્રમ કશાય કામનો નથી. આમ, દરેક શિક્ષકે કયો વિદ્યાર્થી, કઈ દિશામાં, કેટલું અંતર કાપી શકશે તે જાણવા માટે વિદ્યાર્થીનું મૂલ્યાંકન કરવું જરૂરી છે. 

2. વિદ્યાર્થીઓની વ્યક્તિગત અને સામાજિક જરૂરિયાતોની પૂર્તિ માટેની જાણકારી મૂલ્યાંકન પૂરી પાડે છે. 

દરેક વિદ્યાર્થીની પોતાની વ્યક્તિગત અને સામાજિક જરૂરિયાતો હોય છે, તેના પોતાના ચોક્કસ લક્ષ્યાંકો હોય છે. વિદ્યાર્થીએ પોતાના નિશ્ચિત લક્ષ્યાંકો કઈ હદ સુધી પ્રાપ્ત કર્યા અને કેટલાં લક્ષ્યાંકો પ્રાપ્ત કરવાના બાકી છે તે જાણવા માટે મુલ્યાંકન જરૂરી છે. વળી, વિદ્યાર્થીની કેટલીક સામાજિક જરૂરિયાતો પણ હોય છે. આ જરૂરિયાતો કેટલા પ્રમાણમાં સંતોષાઈ તે પણ મૂલ્યાંકનને આધારે ખબર પડે છે આમ, વિદ્યાર્થીઓની વ્યક્તિગત અને સામાજિક જરૂરિયાતોની પૂર્તિ માટેની જાણકારી મૂલ્યાંકન દ્વારા પ્રાપ્ત થાય છે. 

3. વિદ્યાર્થીની પસંદગી માટે ઉપયોગી બને છે. 

કોઈ વિશિષ્ટ પ્રકારના અભ્યાસક્રમ માટે વિદ્યાર્થીઓને તેમની શક્તિઓ , કુશળતાઓ, રુચિ, વલણ વગેરે બાબતોનું મૂલ્યાંકન કરી પસંદ કરવામાં આવે છે એટલે કે પ્રવેશ પરીક્ષા કે મુલાકાત (ઈન્ટરવ્યુ) બાદ પ્રવેશ આપવામાં આવે છે. તેવી જ રીતે આ વિશિષ્ટ પ્રકારના વ્યવસાયમાં જોડાતા પહેલાં પણ તેમનું મૂલ્યાંકન જે તે સંસ્થા દ્વારા કરવામાં આવે છે. જેમાં શ્રેષ્ઠ દેખાવ કરનાર ઉમેદવારની પસંદગી થાય છે.

4. વિધાર્થીઓને અધ્યયન તરફ પ્રેરિત કરે છે. 

મુલ્યાંકન વિદ્યાર્થીઓને અધ્યયન તરફ અભિપ્રેરિત કરે છે. મૂલ્યાંકનથી વિદ્યાર્થીએ શું વાંચવું અને કેટલું વાંચવું અને કેવા પ્રકારની તૈયારી કરવી જોઈએ તેનો ભૂતકાળના આધારે ખ્યાલ આવે છે. જો હેતુલક્ષી પ્રશ્નો ધરાવતી કસોટી લેવાની હોય તો વિદ્યાર્થી તે મુજબ તૈયારી કરશે અને જો નિબંધ પ્રકારના પ્રશ્નો ધરાવતી કસોટી લેવાની હોય તો વિદ્યાર્થી તે મુજબ તૈયારી કરશે. પરીક્ષા જો સ્મૃતિ આધારિત હશે તો વિઘાર્થીએ બધું મોઢે યાદ રાખવું પડશે અને જો પરીક્ષા ક્રિયાલક્ષી હશે તો વિધાર્થી તે કાર્ય પ્રાયોગિક રીતે કરવા પ્રેરિત થશે. આમ, મૂલ્યાંકન વિદ્યાર્થીની અભ્યાસ કરવાની ટેવ સાથે પણ સંબંધ ધરાવે છે.
બીજી રીતે જોતા પરીક્ષાનું પરિણામ પ્રેરણા પણ પૂરી પાડી શકે છે. મહેનત પ્રમાણે પરિણામ મેળવનાર વિદ્યાર્થી વધારે મહેનત કરવા પ્રેરાય છે. ઓછા ગુણ મેળવનાર વિદ્યાર્થી જો ધાર્યા કરતાં ઓછાં ગુણ મેળવ્યા હશે તો નિરાશ થશે. આ બધી બાબતોનો આધાર વ્યક્તિગત રીતે વિદ્યાર્થી પર જ હોય છે. એટલે કે યોગ્ય વિદ્યાર્થીનું યોગ્ય રીતે થયેલું મૂલ્યાંકન તે વિદ્યાર્થીને પ્રોત્સાહિત કરી શકે છે. આમ, મૂલ્યાંકન વિદ્યાર્થીની અભ્યાસટેવોનું ઘડતર કરી તેને પ્રોત્સાહન આપે છે. 

5. અધ્યાપન માટે માર્ગદર્શન અને શિક્ષકોની કાર્યકુશળતા અને સફળતાનું માપન કરવા માટે મૂલ્યાંકન ઉપયોગી બને છે. 

મૂલ્યાંકન વિદ્યાર્થીની સિદ્ધિઓ અને શક્તિઓનું નિદાન કરીને અધ્યાપનકાર્ય કરવામાં માર્ગદર્શન પૂરું પાડે છે. નિદાનાત્મક મૂલ્યાંકન દ્વારા વિદ્યાર્થીની શક્તિઓ અને નબળાઈઓથી પરિચિત થઈ તે મુજબ અધ્યાપન આયોજન થઈ શકે છે. કેટલીકવાર વિદ્યાર્થીની પાયાની સંકલ્પના સ્પષ્ટ ન હોય તો તે વિષયમાં તે આગળ વધી શકતો નથી, સામાજિક વિજ્ઞાન જેવા વર્ણનાત્મક વિષયમાં સમજ સાથે વાચન ઝડપ ઓછી હોય તો વિદ્યાર્થીને આગળ વધતાં મુશ્કેલી પડે. ગણિતમાં નબળાં હોવાનું કારણ આંક ન આવડવા, સરવાળા - બાદબાકી, ગુણાકાર - ભાગાકાર ન આવડવા વગેરે હોઈ શકે. વિદ્યાર્થીને ક્યાં મૂંઝવણ છે તેનું નિદાન કરી આયોજન કરાતું અધ્યાપન વિદ્યાર્થીની નબળાઈ દૂર કરવામાં મદદ કરે છે. તે જ રીતે તેજસ્વી વિદ્યાર્થીઓ માટે પણ જરૂરી આયોજન શિક્ષકે વિચારવું જોઈએ. 
વળી, શિક્ષકોની કાર્યકુશળતા અને સફળતાનું માપન કરવા માટે મૂલ્યાંકન ઉપયોગી બને છે. શિક્ષકે કેટલી કુશળતાપૂર્વક કાર્ય કર્યું અને તે કેટલા અંશે અપેક્ષિત વર્તન - પરિવર્તનો લાવી શક્યા તેની જાણ વિદ્યાર્થીઓના મૂલ્યાંકનને આધારે શિક્ષકને થાય છે. જેને ધ્યાનમાં રાખી શિક્ષક આવનારા સમયમાં વધુ સારા અધ્યાપન માટે સજ્જ બને છે. 

6. શિક્ષક, શિક્ષણપદ્ધતિ, શૈક્ષણિક સામગ્રી, પાઠ્યપુસ્તક અને અભ્યાસક્રમની પસંદગીમાં મૂલ્યાંકન ઉપયોગી બને છે અને અધ્યયન - અધ્યાપન પ્રક્રિયામાં સુધારણા અને વિકાસ કરી શકાય છે. 

શિક્ષક, શિક્ષણપદ્ધતિ, શૈક્ષણિક સામગ્રી, પાઠ્યપુસ્તક અને અભ્યાસક્રમની પસંદગીમાં મૂલ્યાંકન ઉપયોગી બને છે, જે શિક્ષક, જે પાઠ્યપુસ્તક, જે શૈક્ષણિક સાધન કે જે શિક્ષા પદ્ધતિ અપેક્ષિત હેતુઓ સિદ્ધ કરી શકે તે અસરકારક છે એમ કહી શકાય. જો ધારેલાં હેતુઓ સિદ્ધ ન થાય તો ક્યાં ખામી છે તે જાણવાનો પ્રયત ધાર્યું પરિણામ મેળવી શકાય છે. આમ, અધ્યયન - અધ્યાપન પ્રક્રિયામાં સુધારણા અને વિકાસ કરવા માટે મૂલ્યાંકન ઉપયોગી બને છે. 

7. વિદ્યાર્થીઓની કચાશ કે મર્યાદાઓને જાણવામાં મૂલ્યાંકન મદદરૂપ થાય છે. 

દરેક વિષયમાં વિદ્યાર્થીઓની કચાશ કે વિદ્યાર્થીઓની મર્યાદાઓને મૂલ્યાંકન દ્વારા જાણી આ કચાશને દૂર કરવા શિક્ષક તેમને વ્યક્તિગત માર્ગદર્શન આપી શકે છે. વિદ્યાર્થીની ચાશ કે મર્યાદાઓ જાણવી એટલે નિદાન કરવું, અને આ નિદાનાત્મક કાર્ય કર્યા પછી તે જ દિશાનો ઉપચાર હકારાત્મક પરિણામ તરફ દોરી જાય છે. 

8. વિદ્યાર્થીઓની પ્રગતિમાં સહાયરૂપ બને છે. 

મૂલ્યાંકન દ્વારા વિદ્યાર્થીનું વર્ગમાં કેટલામું સ્થાન છે તેને આધારે તેને પોતાની સિદ્ધિની જાણ થાય છે. અને તે વધુ સારું કાર્ય કરવા માટે પ્રેરિત થાય છે. આમ, મૂલ્યાંકન વિદ્યાર્થીની પ્રગતિમાં સહાયરૂપ બને છે. 

9. વિદ્યાર્થી દ્વારા સ્વમૂલ્યાંકન અને સહાધ્યાયી મૂલ્યાંકન કરી શકાય છે. 

વર્તમાન સમયમાં સ્વ - મૂલ્યાંકનને પ્રોત્સાહન આપવામાં આવે છે. અહીં, વિદ્યાર્થી પોતે જ પોતાની સિદ્ધિનું મૂલ્યાંકન કરે છે. જેમાં શિક્ષક દ્વારા પ્રોજેક્ટ પદ્ધતિ , સમસ્યા ઉકેલ પદ્ધતિ જેવી પદ્ધતિઓનો ઉપયોગ કરવામાં આવે છે. જેમાં વિદ્યાર્થી નાના નાના જૂથમાં રહી જાતે જ અધ્યયન કરે છે અને સાથે સાથે તે પોતાનું અને સહાધ્યાયીઓનું પણ મૂલ્યાંકન કરી શકે છે. અહીં, વિદ્યાર્થીને પોતાને જે શીખવાનું છે તેનું અધ્યયન કરવાની જવાબદારી તેના પર નાખી દેવામાં આવતી હોવાથી અધ્યયનની પ્રક્રિયા વધારે સધન બને છે. વિદ્યાર્થીઓ પોતે નિર્ધારિત કરેલ વિષયવસ્તુ અભિપ્રેરણાની ઊંચી માત્રા સાથે અને જવાબદારી સાથે શીખે છે. આ પ્રક્રિયામાં વિદ્યાર્થી પોતાનો અહમ્ પોષવા પણ ખંત અને ઉત્સાહથી કાર્ય કરે છે. ઉચ્ચ શિક્ષણમાં આ પ્રકારના કાર્યો કરતાં વિદ્યાર્થીઓ જોવા મળે છે. પણ જો આ પ્રમાણે અભ્યાસ કરવાની ટેવ તેમને નાનપણથી પાડવામાં આવે તો તે તેમના માટે હિતકારક બને છે. આ પ્રકારની અધ્યયનપદ્ધતિ લોકશાહી વિચારસરણી સાથે સંકળાયેલી છે. લોકશાહી વિચારસરણીની સાચી સમજત્યારે જ આવે જો વિદ્યાર્થીઓ લોકશાહી પદ્ધતિથી અભ્યાસ કરે. 
ઉપરોક્ત બાબતો સિવાય, મૂલ્યાંકન દ્વારા વિદ્યાર્થીઓના અપેક્ષિત વર્તન પરિવર્તન સંબંધી બાબતોની તપાસ કરી શકાય છે, વિદ્યાર્થીઓની અધ્યયન મુશ્કેલીઓથી જ્ઞાત થઈ તેનું નિરાકરણ લાવી શકાય છે, મૂલ્યાંકન દ્વારા નવીનતમ અને અસરકારક શિક્ષણ પદ્ધતિઓની શોધ કરી શકાય છે. નિદાનાત્મક અને ઉપચારાત્મક શિક્ષણ પર ભાર આપવા માટે મૂલ્યાંકન જરૂરી છે. વિદ્યાર્થીઓને ઉત્તમ રીતે શીખવા માટે પ્રોત્સાહિત કરવા માટે, પાઠ્યપુસ્તકોની તપાસ કરી થવા માટે મૂલ્યાંકન અતિ અગત્યનું છે. તેનામાં અપેક્ષિત સુધારાઓ લાવવા માટે અને બાળકોની વિભિન્ન કક્ષાઓથી જ્ઞાત થવા માટે મુલ્યાંકન અતિ અગત્યનું છે.

Post a Comment

Please do not enter any spam link in the comment box.