1. અધ્યયન માટેનું પરીક્ષણ
અધ્યયન માટેનું પરીક્ષણ સંરચનાત્મક પરીક્ષણ પર આધારિત હોય છે. એટલે કે જયારે આપણે કોઈ કામ કરતાં હોઈએ ત્યારે સમયાંતરે જોઈ લઈએ છીએ કે કાર્ય કેવી રીતે થઈ રહ્યું છે. દા.ત. રસોઈ બનાવતી વખતે જ વચ્ચે આપણે તેને ચાખીએ છીએ તો આપણે જાણી શકીએ છીએ કે આપણે કેવું ખાવાનું બનાવતા શીખ્યા છીએ અથવા તો રસોઈ કેવી બનશે તેનો આપણને ખ્યાલ આવે છે. તે જ રીતે વિદ્યાર્થીઓ અધ્યયન પ્રક્રિયામાં ક્યા તબક્કે પહોંચ્યા છે, તેઓએ ક્યાં પહોંચવાનું છે અને ત્યાં પહોંચવા માટેનો શ્રેષ્ઠ માર્ગ કયો છે- આ ત્રણ બાબતો માટે વિદ્યાર્થીના અધ્યયનની માહિતી એકત્રિત કરીને તેનું અર્થઘટન કરવાની સતત ચાલતી પ્રક્રિયા એટલે અધ્યયન માટેનું પરીક્ષણ.
અધ્યયન માટેનું પરીક્ષણ એ એવું પરીક્ષણ છે જેની અગ્ર પ્રાથમિકતા વિદ્યાર્થીના અધ્યયનમાં સુધારો કરવાની છે. આથી તે ગ્રેડ, ગુણ, ક્રમ, પરિણામ કે સર્ટીફીકેટ આપવાના હેતુસર કરવામાં આવતા પરીક્ષણથી અલગ છે. વળી, અધ્યયન માટેનું પરીક્ષણ એ વિકાસાત્મક પ્રકારનું પરીક્ષણ હોવાથી પરીક્ષણના અવલોકનોનો ઉપયોગ અધ્યયન જરૂરિયાતો અને શિક્ષણકાર્યના સુધારા માટે કરવામાં આવે છે. અહીં, શિક્ષક સતત પ્રતિપોષણ દ્વારા અધ્યયન - અધ્યાપન પ્રક્રિયામાં સુધારો લાવે છે. વર્ગમાં શિક્ષક દ્વારા પૂછવામાં આવતા પ્રશ્નો, સોંપવામાં આવતા કાર્યો, ક૨વામાં આવતી પ્રવૃત્તિઓ, ઉપયોગમાં લેવાતા શૈક્ષણિક સાધનો વગેરે વિદ્યાર્થીને તેનું જ્ઞાન પ્રદર્શિત કરવાની તકો પૂરી પાડે છે. આ દરમિયાન વિદ્યાર્થીઓના પ્રતિચારો, તેઓના ઉત્તરો વગેરેના અવલોકનોના આધારે તેમના અધ્યયનમાં સુધારા માટેના નિર્ણય તત્કાલ લેવામાં આવે છે. આ પ્રક્રિયા દૈનિક વર્ગખંડમાં ચાલતું મહત્વનું કાર્ય છે કે જેમાં વિદ્યાર્થી અને શિક્ષક બંને શિક્ષણપ્રક્રિયામાં ચિંતન, સંવાદ અને નિર્ણયપ્રક્રિયામાં સામેલ થાય છે.
આમ, અધ્યયન માટેનું પરીક્ષા એ સત્રના અંતે નહિ પરંતુ સત્રકાર્ય દરમિયાન જ વચ્ચે વચ્ચે થતું વિદ્યાર્થીનું સતત પ્રકારનું પરીક્ષણ છે અને તે એકમ કસોટીઓ, શિક્ષક નિર્મિત અનૌપચારિક કસોટીઓ, સ્વાધ્યાયો, પ્રોજેક્ટસ, પ્રયોગો, ક્ષેત્રીય કાર્યો, વિદ્યાર્થીની કચાશ પારખતી નિદાન કસોટીઓ વગેરે દ્વારા કાર્યરત થાય છે.
2. અધ્યયનનું પરીક્ષણ
અધ્યયનનું પરીક્ષા સંકલનાત્મક પરીક્ષણ પર આધારિત હોય છે. એટલે આપી કાર્યને પૂર્ણ કરીને તેનું પરીક્ષણ કરીએ છીએ કે વિદ્યાર્થીઓ કેટલું શીખ્યા. અધ્યયનનું પરીક્ષણ કરવા પાછળનો હેતુ વાલી, શાળા, સમાજ, શિક્ષણવિદ્ અને નોકરી કે પ્રવેશ આપનાર લોકોને આવનાર વિદ્યાર્થી કે ઉમેદવારની કક્ષાની જાણ કરવાનો હોય છે. અહીં, પરીક્ષણના પરિણામો એ જાહેર બાબત છે . પરિણામોને કોઈ ચોક્કસ ગ્રેડ, માર્કસ કે ટકાવારી દ્વારા નિર્દેશિત કરવામાં આવે છે. આ પ્રકારનું વધારે વિશ્વસનીય અને ચોક્કસ હોવું જોઈએ.
પરીક્ષણ વિદ્યાર્થીના ભવિષ્ય સાથે જોડાયેલ અગત્યનું પરીક્ષણ હોવાથી તે સૌથી અધ્યયનનું પરીક્ષણ એટલે નિશ્ચિત સમયમર્યાદામાં થયેલ અધ્યયનનો સારાંશ મેળવવાના હેતુથી, પૂર્વીનિશ્ચિત માપદંડોને આધારે અધ્યેતાની ગુણવત્તા અંગેનો નિર્ણય લેવાના હેતુથી તેમજ ગુણવત્તાને ચોક્કસ અંકો દ્વારા દર્શાવવાના હેતુસર કરવામાં આવતું અધ્યયનનાનિર્દેશકોનું એકત્રીકરણ અને અર્થઘટન કરવાની પ્રક્રિયા.
3. અધ્યયનના રૂપમાં પરીક્ષણ
અધ્યયનના રૂપમાં પરીક્ષણ એ નિદાનાત્મક પરીક્ષણ પર આધારિત હોય છે. વિદ્યાર્થી પોતાના અધ્યયન અને અન્ય વિદ્યાર્થીઓના અધ્યયન વિશે ગુણવત્તાયુક્ત માહિતી મેળવવા માટે વધુ જવાબદારી લેવા તૈયાર થાય છે.
વિદ્યાર્થીઓમાં જુદા જુદા વિષયોની અમુક નબળાઈઓ જો યોગ્ય સમયે દૂર કરી શકાય તો વિદ્યાર્થીઓ સહેલાઈથી ઘણી બધી પ્રગતિ કરી શકે છે. તેથી દરેક વિદ્યાર્થીની જે તે વિષય સંબંધિત અંગત મુશ્કેલીઓ કે કચાશ જાણી તેને દૂર કરવાની શિક્ષકની ફરજ છે. આમ, અધ્યયનના રૂપમાં પરીક્ષણ એ વિદ્યાર્થીઓની કચાશ જાણવા માટેનું પરીક્ષણ છે. જેના આધારે વિદ્યાર્થી પર ઉપચારાત્મક કાર્ય અજમાવવામાં આવે છે.
અહીં, વિદ્યાર્થીઓમાં જરૂરી જ્ઞાનનો વિકાસ કરવા માટે તેને શિક્ષક અને સહાધ્યાયીઓ દ્વારા જરૂરી સહાય કરવામાં આવે છે, તેમજ પરીક્ષણ પ્રક્રિયામાં અધ્યેતા સક્રિય ભૂમિકા ભજવે છે. પરીક્ષણની નીપજ સ્વરૂપે અધ્યયન હોય છે.