પરીક્ષાના પ્રકારઃ લેખિત , મૌખિક અને કાર્યદેખાવ આધારિત
આપણે જાણીએ છીએ કે વર્તમાન પરંપરામાં, પરીક્ષા મુખ્યત્વે ત્રણ પ્રકારે અમલી છે. 1. લેખિત, 2. મૌખિક અને 3. પ્રાયોગિક કે કાર્યદેખાવ આધારિત. આ ત્રણે પ્રકારોની વિગતે ચર્ચા નીચે મુજબ કરી શકાયઃ
1. લેખિત પરીક્ષા
લેખિત પરીક્ષામાં વિદ્યાર્થીએ લેખિત જવાબ આપવાના હોય છે. જેમાં આત્મલક્ષી કે નિબંધ પ્રકારના પ્રશ્નો અને અનાત્મલક્ષી કે ટૂંકજવાબી તેમજ હેતુલક્ષી પ્રશ્નોનો સમાવેશ થાય છે. લેખિત કસોટીનો મુખ્ય હેતુ ભાષાકીય અભિવ્યક્તિ, વિચારશક્તિ, અક્ષરો વગેરેનું મૂલ્યાંકન કરવાનો છે. આ પ્રકારની કસોટી લખી વાંચી શકનાર વ્યક્તિઓ માટે જ લઈ શકાય છે.
લેખિત પરીક્ષા બે સ્વરૂપે જોવા મળે છે.
(1) વિષયોના લેખિત પેપર સ્વરૂપે અને
(2) લેખિત અભિવ્યક્તિ અને લેખિત સંકલન સ્વરૂપે
(1) વિષયોના લેખિત પેપર સ્વરૂપે
આપણે જાણીએ છીએ કે દરેક ધોરણ કે દરેક અભ્યાસક્રમમાં તે અભ્યાસક્રમમાં ચલાવાતા વિષયોની રોમેસ્ટર મુજબ કે વાર્ષિક ધોરણે આંતરિક અને બાહ્ય લેખિત પરીક્ષાઓ લેવામાં આવે છે. આ પરીક્ષામાં વિદ્યાર્થીએ શીખેલા નિશ્ચિત વિષયવસ્તુ પર આધારિત પ્રશ્નપત્રના વિદ્યાર્થીએ નિશ્ચિત સમયમાં ઉત્તરો લખવાના હોય છે. આ પ્રકારની પરીક્ષામાં વિદ્યાર્થીની યાદશક્તિ, લેખન ઝડપ અને યોગ્ય કે સાચા ઉત્તરો લખવાની કલાનું માપન થાય છે. અહીં, બાળકે વિષયવસ્તુને યાદ રાખવાનું હોવાથી મોટેભાગે તે સમજશક્તિને બદલે ગોખણપટ્ટી પર આધારિત બને છે. વિદ્યાર્થી ૫૨ પરીક્ષાનો ભાર સવાર થઈ જાય છે અને વિદ્યાર્થી ક્યારેક તાણ પણ અનુભવે છે. છતાં, આપણે ત્યાં સૌથી મોટા પ્રમાણમાં આ પ્રકારની પરીક્ષાઓ લેવામાં આવે છે.
(2) લેખિત અભિવ્યક્તિ અને લેખિત સંકલન સ્વરૂપે
અધ્યેતા જેમ જેમ શિક્ષણમાં આગળ વધતો જાય તેમ તેમ તેની લેખનક્ષમતાનો યોગ્ય વિકાસ થવો જોઈએ. લેખિત અભિવ્યક્તિમાં પરિચ્છેદ સંરચના, નિબંધલેખન, વિચારવિસ્તાર, આત્મકથા, મંતવ્ય, અહેવાલ, વાતલિખન, ચર્ચાપત્ર, પત્રલેખન, સંક્ષિપ્તીકરણ, અનુવાદ, ગદ્ય - પદ્ય સમીક્ષા, અનુલેખન, શ્રુતલેખન, શીઘ્રલેખન, સંવાદલેખન, રસદર્શન વગેરેનો સમાવેશ થાય છે. જ્યારે લેખિત સંકલનમાં સંશોધન લેખ , શોધનિબંધ, પુસ્તક સંક્લન વગેરે જેવી રચનાઓ જોવા મળે છે.
2. મૌખિક પરીક્ષા
મૌખિક પરીક્ષામાં પ્રશ્નો અને જવાબોની રજૂઆત મૌખિક રીતે કરવામાં આવે છે. આમાં મૌખિક પ્રશ્નો, વકતૃત્વ સ્પર્ધા, ચર્ચા વગેરેનો સમાવેશ થાય છે. મૌખિક પરીક્ષાનો મુખ્ય હેતુ વ્યક્તિની મૌખિક અભિવ્યક્તિ, જવાબની મૌલિકતા, હાજરજવાબીપણું, ઉચ્ચારો અને યાદશક્તિ વગેરેનું મૂલ્યાંકન કરવાનો છે. આ પરીક્ષાનો ઉપયોગ નાનાં-મોટાં એમ બધા માટે થઈ શકે છે.
આ પ્રકારની પરીક્ષાઓ અભ્યાસની યોગ્યતા, ઉચ્ચારણ અને સૂચનાઓની પરખ તથા લેખિત પરીક્ષાઓની પૂર્તતા માટે લેવામાં આવે છે. આવી પરીક્ષાઓ વૈયક્તિક રૂપે યોજવામાં આવે છે. તેનાથી બાળકોના વ્યક્તિગત ગુણો અને અવગુણોની માહિતી મળે છે. મૌખિક પરીક્ષામાં વિદ્યાર્થી પરીક્ષકની સામે પ્રશ્નોના ઉત્તરની મૌખિક રજૂઆત કરે છે જેના આધારે મૂલ્યાંકનકાર વિદ્યાર્થીના આત્મવિશ્વાસ, જવાબની મૌલિકતા, હાજરજવાબીપણું, ઉચ્ચારો, યાદશક્તિ વગેરેનું મૂલ્યાંકન કરે છે.
મૌખિક કસોટી યોજતી વખતે શિક્ષકે વિદ્યાર્થીઓની જે બાબતો મૌખિક કે ક્રિયાત્મક ચકાસવાનું પૂર્વ આયોજન કર્યું હોય તે મુજબ અગાઉથી મૌખિક કસોટીનું પ્રશ્નપત્ર તૈયાર કરવામાં આવે છે અથવા તો પૂછવાના મૌખિક પ્રશ્નો નિર્ધારિત કરવામાં આવે છે. આ પ્રશ્નોને નજર સમક્ષ રાખીને તેમાં રહેલી સૂચના પ્રમાણે શિક્ષકે બાળકોની મૌખિક યા ક્રિયાત્મક સ્વરૂપની કસોટી લેવાની હોય છે.
મૌખિક કસોટીનું પ્રશ્નપત્ર બાળકને આપવાની જરૂર નથી. શિક્ષક એક - એક પ્રશ્ન બાળકને પુછતા જાય, બાળકે આપેલા જવાબ સાચા હોય તો તેના ગુણ પ્રશ્નવાર પરિણામપત્રકમાં નોંધવા જોઈએ. બાળકને પ્રશ્નપત્રની પ્રશ્નની ભાષા ન સમજાય તો શિક્ષકે તેને પ્રશ્ન સમજાવવા કોશિશ કરવી જોઈએ. પરંતુ બાળક સાચો જવાબ ન આપી શકે તો જવાબ આપી દેવાની ઉતાવળ શિક્ષકે કરવી જોઈએ નહીં. દરેક પ્રશ્ન પૂછ્યા પછી વિદ્યાર્થીને વિચારીને કહેવા માટે કે સૂચવેલી ક્રિયા કરી બતાવવા માટે પૂરતો સમય આપવો જોઈએ.
મૌખિક પરીક્ષા બે પ્રકારે લઈ શકાયઃ (a) મૌખિક પ્રતિચાર કસોટી (Oral Response Test) અને (b) મૌખિક દેખાવ કસોટી (Oral Performance Test).
મૌખિક પ્રતિચાર કસોટીમાં શિક્ષક દ્વારા પૂછાયેલા મૌખિક પ્રશ્નોનો પ્રતિચાર વિદ્યાર્થી મૌખિક રીતે જ આપે છે. એટલે કે આ કસોટી ફક્ત શાબ્દિક વ્યવહાર કે શાબ્દિક આદાનપ્રદાન પૂરતી જ મર્યાદિત છે. આમાં પરીક્ષાર્થીના વાચનનું સ્તર અને લેખનશક્તિ સમાવિષ્ટ થતાં નથી.
મૌખિક દેખાવ કસોટી એ ક્રિયાત્મક પ્રકારની કસોટી છે જેમાં, વિદ્યાર્થીને સોંપવામાં આવેલ કાર્ય, ક્રિયા કે પ્રવૃત્તિના અમલ દ્વારા તેના કૌશલ્યોનું માપન કરાય છે. ઘણાં શૈક્ષણિક ઉદ્દેશો જે લેખિત કસોટી દ્વારા માપી શકાતા નથી તે કાર્યની વિવિધતા માટેની મૌખિક પરીક્ષા દ્વારા માપી શકાય છે. મૌખિક દેખાવ કસોટી એ વિદ્યાર્થીઓ સમસ્યા ઉકેલવા માટે કઈ વિચાર પ્રક્રિયાઓ ઉપયોગમાં લે છે તે શોધી કાઢવાનો સારો માર્ગ છે.
પૂર્વ પ્રાથમિક કક્ષાએ મૌખિક પરીક્ષાઓ વિદ્યાર્થીઓની સિદ્ધિ ચકાસવા માટેની એકમાત્ર રીત છે, કારણ કે આ વિદ્યાર્થીઓ હજુ સુધી વાંચતા શીખ્યા હોતા નથી. ઉચ્ચ કક્ષાએ મૌખિક પરીક્ષાઓ વધુ ઈચ્છનીય છે કે જ્યારે શિક્ષક વિદ્યાર્થીની વિશાળ પ્રકારની સમસ્યાઓની ચર્ચા કરવાની શક્તિ ચકાસવા માંગતા હોય, જેમાં વિવિધ ક્ષેત્રના જ્ઞાનનું સંકલન મહત્વનું હોય. જ્યાં લેખિત કસોટીઓ કે નીપજ અને પ્રક્રિયાની પ્રયુક્તિ વાપરી શકાય તેમ ન હોય તેવી પરિસ્થિતિમાં નિદાનાત્મક સાધન તરીકે આ પરીક્ષાઓ મહત્વની છે.
3. પ્રાયોગિક કે કાર્યદેખાવ આધારિત પરીક્ષા
પ્રાયોગિક કે કાર્યદેખાવ આધારિત પરીક્ષામાં વિદ્યાર્થીના મનોકિયાત્મક પાસાંનો વધુ ઉપયોગ કરવામાં આવે છે. આમાં વિદ્યાર્થીએ વર્ગખંડમાં, પ્રયોગશાળામાં કે શાળા બહાર ક્ષેત્રીય કાર્ય કરવાનું હોય છે. આનો મુખ્ય હેતુ વિદ્યાર્થી સ્વયં કાર્ય કરીને શીખે તે છે. આ પ્રકારની પરીક્ષાનો હેતુ વિવિધ પ્રકારના કૌશલ્યો, વલણો અને રુચિઓનું મૂલ્યાંકન કરવાનો હોય છે. આ પ્રકારના મૂલ્યાંકનમાં વિદ્યાર્થીની શારીરિક બાબતો ઉપરાંત આંતરિક બાબતો સાથે સંકળાયેલા વર્તનોનો અવલોકન દ્વારા અભ્યાસ તથા ઓળખયાદી, પ્રસંગનોંધ, મુલાકાત, ક્રમમાપદંડ સામાજિકતામિતિ, સંગૃહિત પ્રગતિપત્રક જેવા સાધનો દ્વારા અભ્યાસ થાય છે.
શાળા કક્ષાએ સિદ્ધિ કસોટી દ્વારા વિદ્યાર્થીના જ્ઞાન, સમજ , ઉપયોજનનું માપન થાય છે, જેનાથી અધ્યયનની અસર જાણી શકાય છે. લેખિત પરીક્ષામાં લેખન સ્વરૂપે જ્યારે મૌખિક પરીક્ષામાં કથન સ્વરૂપે બાળક પોતાની આવડત રજૂ કરે છે. પરંતુ વાસ્તવિક પરિસ્થિતિમાં કોઈ કાર્ય કરી બતાવવું કે નિદર્શન કરવું તેને કાર્યદેખાવ આધારિત પરીક્ષા (Performance Based Exam) કહે છે. એટલે કે અહિ, બાળકની ફક્ત જ્ઞાનાત્મક બાબતોને જ ન તપાસતા તેની કાર્યાત્મક બાબતોને પણ તપાસવામાં આવે છે. બાળક કોઈ પણ કાર્ય કે પ્રવૃત્તિને સારી રીતે કરી બતાવે, પ્રાયોગિક રીતે કાર્ય કરી બતાવે તે કાર્યદેખાવ આધારિત પરીક્ષા છે.
સામાન્ય રીતે બાળક કોઈ પ્રયોગ કે પ્રવૃત્તિ કેમ કરશે તેનું વર્ણન તેણે લેખિત કસોટીમાં લખવાનું હોય છે. પણ તેના બદલે જે તે ક્ષેત્રના તેના કાર્યકૌશલ્યના આધારે બાળકનું મૂલ્યાંકન કરવાનો નવો વિચાર શિક્ષણ ક્ષેત્રે પ્રવેશ્યો છે. કાર્ય વિશેના જ્ઞાનને બદલે તે અંગેની આવડતના માપનનો હેતુ કાર્યદેખાવ આધારિત પરીક્ષાનો હોય છે.
‘કાર્યદેખાવ આધારિત પરીક્ષા એટલે જે પરીક્ષામાં પરીક્ષાર્થીઓએ કોઈ ચોક્કસ બાબતના સંદર્ભમાં ક્રિયાનું નિદર્શન કરવાનું હોય, ક્રિયા ઓળખવાની હોય કે ક્રિયા કરવાની હોય' ( જોશી, 1991 )
કાર્યદેખાવ આધારિત પરીક્ષામાં વાસ્તવિક હોય એવી મૂર્ત પરિસ્થિતિની રજૂઆત કરવામાં આવે છે. પરીક્ષા આપનારને તેની આવડતનું જણાવેલી પરિસ્થિતિમાં નિદર્શન કરવાનું હોય છે, ક્રિયા કરી બતાવવાની હોય છે. અહીં વાસ્તવિકતાની જેટલી ઊંચી કક્ષાની પરિસ્થિતિ પરીક્ષામાં રજૂ કરી શકાય તેટલી પરીક્ષા વધુ અસરકારક પુરવાર થાય.
વાસ્તવિક પરિસ્થિતિમાં કાર્ય કરવાની ક્ષમતાના આધારે આ પ્રકારની પરીક્ષાના ચાર પ્રકાર પાડી શકાય.
1. પેપર - પેન્સિલ કાર્ય કસોટી (Paper & Pencil Performance Based Exam)
2. ઓળખ કસોટી (Identification Based Earn)
3. સૂચિત કામચલાઉ પરિસ્થિતિમાં કાર્યદેખાવ કસોટી (Simulated Perfomance Based Exam)
4. કાર્ય - નમૂનો કસોટી (Work Sample Based Exam)
બી.એડ.માં પ્રશિક્ષણાર્થી માઈક્રોટીચિંગ પાઠ, સિમ્યુલેશન પાઠ કે છૂટાં પાઠ આપે તે પણ એક પ્રકારની કાર્યદેખાવ આધારિત પરીક્ષા (Performance Based Exam) જ છે.
કાર્યદેખાવ આધારિત પરીક્ષાના ઉપયોગો
- વિદ્યાર્થીની કાર્ય કરવાની રીત લેખિતને બદલે જે તે પરિસ્થિતિમાં મૂકીને ચકાસી શકાય છે.
- કાર્યદેખાવ (Performance) ના સંદર્ભમાં જરૂરી બાબતો જેવી કે ઓળખ, માપન, ગુણન, રચનાકાર્ય ચકાસી શકાય છે.
- વિદ્યાર્થી પાસે કાર્ય (Performance) માટે જરૂરી સોપાનોની માહિતી છે કે નહિ તે જાણી શકાય છે.
- શાળા કક્ષાએ વિજ્ઞાન વિષયમાં પ્રાયોગિક કસોટીઓ કાર્ય આધારિત છે, તે જ રીતે ગણિત, સામાજિક વિજ્ઞાન અને ભાષાઓમાં જુદી જુદી કાર્યપ્રવૃત્તિઓ કરાવી શકાય.
- કાર્યના સંદર્ભમાં તર્કસંગતતા, પ્રક્રિયાસૂઝ, પરિણામ સ્વરૂપનો ખ્યાલ જેવા ઉચ્ચ કક્ષાના હેતુઓનું મૂલ્યાંકન કરી શકાય છે.
- અધ્યયન-અધ્યાપન અને મૂલ્યાંકન વાસ્તવિક બને છે.