વિદ્યાર્થીને જે તે એકમ શીખવામાં ક્યાં મુશ્કેલી છે, શી બાબતની કચાશ રહી ગઈ છે તે શોધવાની ક્રિયાને ‘નિદાનાત્મક કાર્ય’ કહે છે.
શિક્ષણકાર્યની સમગ્ર પ્રક્રિયામાં એવા ક્યા પરિબળો કામ કરે છે કે જેનાથી વિદ્યાર્થી અભ્યાસમાં નબળો જણાય છે તે શોધી આપતી કસોટી એટલે નિદાન કસોટી.
કોઈ એક એકમ કે અમુક એકમો શીખવ્યા પછી વિદ્યાર્થીઓમાં ક્યા પ્રકારની કેટલી સમજ વિકસી છે અને કઈ સમજ બરાબર વિકસી શકી નથી, અથવા તો વિદ્યાર્થીને કયો મુદ્દો હજુ આવડ્યો નથી તે જોવા માટે જે કસોટી રચવામાં આવે છે તેને નિદાન કસોટી કહે છે . એટલે કે કોઈએક વિષયાંગ કે અમુક વિષયાંગો શીખવ્યા પછી વિદ્યાર્થીઓમાં ક્યા પ્રકારની કેટલી સમજ વિકસી છે અને કઈ સમજ બરાબર વિકસી શકી નથી તે જોવા માટે જે કસોટીઓ રચવામાં આવે છે તેને નિદાન કસોટીઓ કહે છે.
વિદ્યાર્થીમાં જે તે વિષય કે વિષયમુદ્દાની કચાશ માટે અનેક પરિબળો જવાબદાર હોય છે. આ તમામ પરિબળોથી શિક્ષક જ્ઞાત હોય તે જરૂરી છે. વિદ્યાર્થીની વર્ગમાં જે તે મુદ્દા સમયે ગેરહાજરી , અગાઉના ધોરણોમાં પાયાના શૈક્ષણિક મુદ્દાઓમાં રહી ગયેલી કચાશ, વિદ્યાર્થીઓના વૈયક્તિક તફાવતો, શિક્ષક દ્વારા રસહીન શિક્ષણકાર્ય, વિદ્યાર્થીના ઘરમાં શિક્ષણ પ્રત્યેની ઉદાસીનતા વગેરે જેવી વિવિધ બાબતો તેની નિમ્ન સિદ્ધિ માટે જવાબદાર હોઈ શકે. ઘણીવાર વિદ્યાર્થી શારીરિક - સાંવેગિક રીતે અનુકૂલન ન સાધી શકે તો તેનું અભ્યાસમાં ધ્યાન રહેતું નથી. આ બધા પરિબળોને ધ્યાનમાં લઈ જો વિદ્યાર્થીનું જે તે સમયે નિદાન કરી તેનો ઉપચાર કરવામાં આવે તો વધુ હકારાત્મક પરિણામો મેળવી શકાય છે.
નિદાન કસોટીની લાક્ષણિકતાઓ
- નિદાન કસોટી દ્વારા વિદ્યાર્થીની કોઈ એકમમાં રહી ગયેલી કચાશ જાણી શકાય છે. એટલે કે આખા પાઠ્યક્રમને બદલે એકાદ એકમને આધાર બનાવાય છે.
- તેમાં જે તે એકમને સંલગ્ન વિવિધ બાબતોના માત્ર પ્રશ્નો જ હોય છે, કે જેમાં વિદ્યાર્થીની કચાશ કે મુશ્કેલી માલૂમ પડે છે.
- નિદાન પછીથી સુધારાલક્ષી ઉપચારાત્મક કાર્ય કરવાનો તેનો હેતુ છે.
- વર્ગના નબળાં બાળકો માટે આ કસોટીની રચના કરવામાં આવે છે.
- નિદાન કસોટીના પ્રશ્નો સિદ્ધિ કસોટીની જેમ કઠિનતાના ચડતા ક્રમમાં ગોઠવાયેલાં હોય છે.
- નિદાન કસોટીના પ્રશ્નો વધુ ઊંડાણવાળા હોય છે. આથી જે તે એકમની બધી જ બાબતોને સારી રીતે આવરી લે છે.
- નિદાન કસોટીમાં રહેલા બધા જ પ્રશ્નોના ઉત્તર વિદ્યાર્થી આપે તો જ વિદ્યાર્થીની બધી મુશ્કેલીઓથી જ્ઞાત થવાય કે તેને કઈ કઈ બાબતોને શીખવામાં તકલીફ પડી રહી છે. તેથી નિદાન કસોટીમાં સમયમર્યાદા રાખવામાં આવતી નથી.
- નિદાન કસોટી મુશ્કેલી ક્યાં છે તે શોધી શકે, તેનો પ્રકાર અને પ્રકૃતિ નક્કી કરી શકે, પરંતુ મુશ્કેલીનાં કારણો શોધી આપી શકતી નથી. તે શોધવા માટે અન્ય સાધનોનો ઉપયોગ કરવો પડે છે.
- નિદાન કસોટીમાં પ્રાપ્તકો કરતાં ઉત્તરોનું અર્થઘટન વધુ મહત્વ ધરાવે છે.
- વિદ્યાર્થી મા ઉત્તરો ખોટાં આપે છે અને તે કેવી રીતે ખોટાં ઉત્તર પર આવે છે તેના અર્થઘટન દ્વારા જ મુશ્કેલી જાણી શકાય છે.
નિદાનની પ્રક્રિયા
રોસ (Ross, 1956) મુજબ , શૈક્ષણિક નિદાનની પ્રક્રિયા પાંચ સોપાનો અથવા સ્તરોમાં નીચે મુજબ વિભાજિત કરી શકાયઃ
- કયા વિદ્યાર્થીઓને મુશ્કેલી છે ?
- ભૂલ ક્યાં થાય છે ?
- ભૂલ શા માટે થાય છે ?
- ક્યા ઉપાયો સૂચવવામાં આવ્યા છે ?
- ભૂલ કેમ અટકાવી શકાય ?
પહેલા ચાર સોપાનોને સુધારાત્મક નિદાન સાથે સંબંધ છે, જ્યારે પાંચમા સોપાનને અટકાવયુક્ત નિદાન સાથે સંબંધ છે . બીજી રીતે કહીએ તો નિદાનનો તાત્કાલિક હેતુ સુધારણાનો છે, પણ અંતિમ હેતુ ભૂલો થતી અટકાવવાનો છે.
નિદાન કસોટીની વ્યૂહરચના
- જે એકમને લગતી નિદાન કસોટી રચવી હોય તેના હેતુઓ અને તેનું સ્પષ્ટીકરણ વર્તન - પરિવર્તનની ભાષામાં નક્કી કરવું.
- જે એકમને લગતી નિદાન કસોટી રચવી હોય તે એકમના પાઠ્યપુસ્તકનો ઝીણવટભર્યો અભ્યાસ કરવો જોઈએ, તો જ યોગ્ય પ્રકારની નિદાન કસોટી બનાવી શકાય.
- વિદ્યાર્થીઓ નિશ્ચિત એકમમાં ક્યાં ભૂલ કરે છે અને તેમને ક્યાં મુશ્કેલી પડે છે તે જાણવા માટે સ્વાધ્યાયપોથી, ઉત્તરવહીઓ, સહકાર્યકરો વગેરે પાસેથી પણ માહિતી પ્રાપ્ત કરી કસોટીની રચના કરવી જોઈએ.
- જે એકમની નિદાન કસોટી બનાવવી હોય તે એકમને લગતાં વિવિધ પ્રકારનાં પ્રશ્નોની રચના કરવી જોઈએ, જેથી જાણી શકાય કે વિદ્યાર્થીઓ ક્યા પ્રકારના પ્રશ્નોમાં વધુ ભૂલો કરે છે.
- નિદાન કસોટીના પ્રશ્નોની નાના સમૂહ ઉપર અજમાયશ કરવી, મળેલ ઉત્તરોનું અર્થઘટન કરવું, સાથી શિક્ષકો સાથે ચર્ચા કરવી, મળેલ માહિતીને આધારે જરૂરી સુધારા વધારા કરવા, જે પ્રશ્નોના ઉત્તરો બધા જ વિદ્યાર્થીને આવડ્યા હોય તેનો ઉપચાર કરવાની જરૂર રહેતી નથી .
- જરૂરી સુધારાવધારાને અંતે તૈયાર થયેલી નિદાન કસોટીને નાના જૂથ ૫૨ અજમાવીને ખૂબ સહેલા જણાતા પ્રશ્નો દૂર કરવા જોઈએ. બાકીના પ્રશ્નોની કઠિનતા નક્કી કરીને કઠિનતાના ક્રમમાં તેમને ગોઠવવા.
નિદાન કસોટીનો ઉપયોગ કેવી રીતે કરવો જોઈએ ?
- નિદાન કસોટી વિદ્યાર્થીઓની નબળાઈ શોધવા માટે વપરાય છે. તેથી વર્ગના બધા જ વિદ્યાર્થીઓને આ કસોટી ન આપતા માત્ર જે વિદ્યાર્થી નબળાં માલૂમ પડતાં હોય તેવા વિદ્યાર્થીઓને જ આ કસોટી આપવી. આવા વિદ્યાર્થીઓ શિક્ષક નિર્મિત કસોટી દ્વારા શોધી શકાય.
- નિદાન કસોટી અંગે અગાઉથી વિદ્યાર્થીઓને જાણ ન થવી જોઈએ કે તેઓ નબળાં છે, તેથી તેમને નિદાન કસોટી આપવામાં આવે છે.
- નિદાન કસોટીમાં વિદ્યાર્થીઓ બધા જ પ્રશ્નો લખી શકે તેટલો સમય આપવો જોઈએ. વિદ્યાર્થીઓ નિદાન કસોટીના બધા જ પ્રશ્નોનાં ઉત્તરો લખે તે બાબત પણ ખાસ જરૂરી છે.
- પ્રશ્નોના ઉત્તરો લખાયા બાદ ઉત્તરવહીઓના દરેક ઉત્તરનું અર્થઘટન કરવું જોઈએ. તેમાંથી ક્યા પ્રશ્નોમાં વિદ્યાર્થી ખોટા ખ્યાલો ધરાવે છે તેની તપાસ થવી જોઈએ.