આપણા જીવનમાં એવું ઘણીબધી વાર બને છે કે આપણે જ્યારે કોઈ કામ કે રજૂઆત કરીએ છીએ ત્યારે આપણી આ રજૂઆત કે કાર્યમાં ઘણીબધી ભૂલો હોય છે. પછીથી તે સમગ્ર બાબત પર ચિંતન કરતાં આપણને ધ્યાનમાં આવે છે કે આ રજૂઆતમાં કે વર્તનમાં આપણે શું શું ભૂલો કરી ? આવા પૂર્વાનુભવના ચિંતન પરથી આપણે આપણા હવે પછીના વર્તનમાં, વ્યવહારમાં કે રજૂઆતમાં સુધારો કેવી રીતે લાવી શકીએ તે બાબત પર ગિબ્સનું અધ્યયન ચક્ર વ્યાપક પ્રકાશ પૂરો પાડે છે.ગિબ્સનું ચિંતનાત્મક ચક્ર એ સરળ છ સોપાનોની એક પ્રક્રિયા છે કે જે તમને તમારા અનુભવો પર ચિંતન કરવામાં મદદ કરે છે. જેમાંના પ્રથમ ત્રણ સોપાન શું બન્યું હતું એટલે કે તમે કઈ રીતે પ્રક્રિયામાં આગળ વધ્યા તેના પર ધ્યાન કેન્દ્રિત કરે છે અને પછીના ત્રણ સોપાન તમે કઈ રીતે તમારામાં સુધાર લાવી શકો તેના પર ધ્યાન કેન્દ્રિત કરે છે. અનુભવ દ્વારા અધ્યયનનું માળખું આપવા માટે 1988માં ગ્રેહામ ગિબ્સ દ્વારા 'ગિબ્સ ચિંતનાત્મક ચક્ર' (Gibbs' Reflective Cycle) વિકસાવવામાં આવ્યું. આ ચક્ર અનુભવોને તપાસવા માટે એક માળખું પ્રદાન કરે છે અને તેની ચક્રીય પ્રકૃતિને કારણે પુનરાવર્તિત અનુભવો માટે ખાસ કરીને વિશેષ રીતે સહારો પૂરો પાડે છે કે જે અનુભવેલી બાબતોમાંથી શીખવાની અને તેના આધારે નવી યોજના બનાવવાની સવલત પૂરી પાડે છે કે જેમાં અગાઉ આપણે જે ભૂલો કરી હતી તેને સુધારવાની આપણને તક મળે છે.ગિબ્સ મોડેલ એ અનુભવ દ્વારા કામ કરવાની સારી રીત છે. આવી પરિસ્થિતિ કે અનુભવ તમારા જીવનમાં કોઈએક ખાસ કિસ્સામાં કે વારંવાર પણ આવી શકે છે . દા.ત. તમારે કોઈ પ્રશ્નના ઉકેલ માટે જેની મદદ લેવાની હોય તેવી ટીમ સાથે મિટિંગ ગોઠવવી અને તેનું સંચાલન કરવું. ગિબ્સે આવી પુનરાવર્તિત પરિસ્થિતિઓમાં ચિંતનાત્મક અધ્યયનના ઉપયોગની હિમાયત કરી હતી, પરંતુ તેના દ્વારા સૂચિત આ સોપાનો અને સિદ્ધાંતો કોઈ ખાસ અનુભવો માટે પણ સમાન રીતે લાગુ પડે છે. જો આવા ખાસ અનુભવ ૫૨ આવું ચિંતન કરવામાં આવે તો તેની કાર્યયોજના પણ વધુ સામાન્ય બને છે અને ભવિષ્યમાં આવી જ કોઈ ઘટનામાં તમે કેવી રીતે કાર્ય કરશો તેના વધુ સારા તારણો પર તમે પહોંચી શકો છો.ગિબ્સ મોડેલના દરેક તબક્કા માટે સંખ્યાબંધ મદદરૂપ પ્રશ્નો નીચે દર્શાવેલ છે. વ્યક્તિએ તે બધા જ પ્રશ્નોના જવાબ વિચારવાની જરૂર નથી પરંતુ તેઓ જે તે સોપાનમાં કઈ બાબતોનો વિચાર કરે તો અર્થપૂર્ણ માર્ગદર્શન મળી શકે છે તેનો નિર્દેશ કરે છે. તમારી પાસે અન્ય રસ્તાઓ પણ હોઈ શકે કે જે આ બાબત માટે વધુ સારી રીતે તમને માર્ગદર્શિત કરી શકે છે.
આ સોપાનમાં વિદ્યાર્થી પોતે જોયેલ, સાંભળેલ, વાંચેલ, પ્રાપ્ત કરેલ કે અનુભવેલ બાબતોનું વર્ણન કરે છે એટલે કે તે જે પ્રકારે તેની સમક્ષ આવ્યું હતું તે પ્રકારે પોતાના શબ્દોમાં વિચારે છે.અહિ, તમારી પાસે પરિસ્થિતિનું વિગતવાર વર્ણન કરવાની તક છે. જે તે પરિસ્થિતિમાં શું થયું હતું તેવી મુખ્ય બાબતો અંગે આપણે વિચારવાનું છે. તમારી લાગણીઓ અને તારણો પછીના સોપાનોમાં આવશે.આમ, પ્રથમ સોપાન એટલે, આપણો એવો અનુભવ કે તેમાં શું બન્યું હતું. તેનું સરળ વર્ણન હોય છે. તેના પરથી કોઈ તારણો ન કાઢવા. ધારો કે તમારે પ્રાર્થનાસભામાં કોઈ એક વિષય પર બોલવાનું હતું. તો તે વિષય પર તમે કેવું બોલ્યા. એક - બે ભૂલ પડી. કોઈ એક જગ્યાએ અટકી ગયા. નક્કી કર્યું હતું તે જ રીતે બોલાયું નહિ.
મદદરૂપ પ્રશ્નોઃ
- શું બન્યું હતું ?
- તે ક્યારે અને ક્યાં બન્યું ?
- ત્યાં કોણ હતું ? કે કોણ કોણ હતું ?
- તમે અને અન્ય લોકોએ તે વખતે શું કર્યું ?
- આ પરિસ્થિતિનું પરિણામ શું આવ્યું કે નિષ્પત્તિ શું મળી ?
- તમે ત્યાં શા માટે હતાં ?
- શું થાય એવું તમે ઈચ્છતા હતાં ?
એક વિસ્તૃત ઉદાહરણ જોઈએઃ
જૂથ કાર્ય સોંપણી
મૂલ્યાંકિત લેખિત જૂથ કાર્ય સોંપણી માટે અમારા ચાર મિત્રોના એક જૂથે જુદાં જુદાં વિભાગો પાડી કાર્ય વહેંચણી કરી કે જેથી દરેક મિત્રને કોઈએક વિભાગ પર કાર્ય કરવું પડે. અમે ધાર્યું હતું કે અમે સમયમર્યાદાના આગલા દિવસે બપોરે એકસાથે આ કાર્યની સોંપણી (Submission) કરી દઈશું અને અમારે સાથે બેસીને લખવા માટે સમય નક્કી કરવાની જરૂર નથી. તેથી અમે પોતપોતાની રીતે તે કાર્ય પૂર્ણ કર્યું. પરંતુ જ્યારે અમે સાથે બેઠા ત્યારે તે સ્પષ્ટ થયું કે આ વિભાગો સમાન લેખન શૈલીમાં લખવામાં આવ્યા ન હતાં. તેથી અમારે મોટાભાગના સ્વાધ્યાયને સમાન શૈલીમાં ફેરવવા માટે બધી સામગ્રી ભેગી કરીને ફરીથી લખવું પડ્યું. વિભાગવાર અમારા કાર્યને સમયમર્યાદા કરતાં પહેલાં પૂર્ણ કરવા માટે પ્રથમ આયોજનમાં અમે પૂરતો સમય આપ્યો હતો, જો કે કંઈક ભૂલ થાય તો તેને ફરીથી લખવા માટે અમે ઘણો વધુ સમય ફાળવ્યો ન હતો. તેથી સમાન લેખનશૈલીયુક્ત કામગીરી માટે જૂથનાં બે મિત્રોએ તે સાંજે તેમના અન્ય કાર્યો છોડી દેવા પડ્યા હતા કે જેથી કાર્ય સોંપણી સમયમર્યાદામાં પૂર્ણ કરી જમા કરાવી શકાય.
સોપાન 2 : લાગણી કે સંવેદનાઓ (Feelings)
લાગણી સંવેદનાનો કે અનુભૂતિ એ અનુભવાયેલી બાબતો સાથે સંબંધ રાખે છે. વર્ણન દરમિયાન અને જ્ઞાનપ્રાપ્તિ દરમિયાન જે કાંઈ અનુભૂતિ થઈ હોય તે અનુભૂતિનો ખ્યાલ આ સોપાનમાં કરવામાં આવે છે.અહિ તમે અનુભવ દરમિયાન અનુભવૅલી કોઈપણ લાગણીઓ અથવા વિચારો પર ચિતન કે શોષ કરી શકો છો અને તેની અનુભવ પર શી અસર થઈ હશે તે વિચારી શકો છો.તમે અનુભવેલી સંવેદનાઓને યાદ કરો. એ વક્તવ્ય વખતે હું ખૂબ ડરેલો હતો. થોડો ચિંતાતુર હતો. અને મે જે બોલવામાં ભૂલો કરી હતી તે મારી ઓછી તૈયારીને લીધે થઈ, મને અપવચ્ચે બેસી જવાનું મન થતું હતું, હું વિશ્વાસપૂર્વક રજૂઆત કરી શકીશ કે નહિ તેનો ડર હતો, મારા દિલ પર મારો કાબૂ ન હતો અને તે ખૂબ ઝડપથી પબકી રહ્યું હતું વગેરે.આ સંવેદનાઓનું વિવેચન ન કરવું. તેને સરળ રીતે વિચારો.
મદદરૂપ પ્રશ્નો :
- જે તે પરિસ્થિતિ દરમિયાન તમે શું અનુભવતા (What were you feeling) હતાં ?
- જે તે પરિસ્થતિ પહેલાં અને પછી તમે શું અનુભવતા હતાં ?
- બીજા લોકો આ પરિસ્થિતિ અંગે શું વિચારી રહ્યા હશે તે બાબતે તમે શું વિચારતા હતા ?
- બીજા લોકો આ પરિસ્થિતિ અંગે હવે શું વિચારી રહ્યા હશે તે બાબતે તમે શું વિચારતા હતા ?
- જે તે પરિસ્થિતિ દરમિયાન તમે શું વિચારી રહ્યા (What were you thinking) હતાં ?
- જે તે પરિસ્થિતિ માટે તમે હવે શું વિચારો છો ?
અમે સાથે કામ કરવાનું શરૂ કર્યું તે પહેલાં અમને એ જ્ઞાન હતું કે અમારે ઘણું કામ કરવાનું બાકી છે, છતાં હું ખૂબ ખુશ હતો અને એ સમયે વિચાર્યું હતું કે અમે અમારી વચ્ચે કામ વહેંચ્યું ત્યારે અમે બહુ ડહાપણયુક્ત કાર્ય કર્યું હતું. પરંતુ જ્યારે અમને સમજાયું કે અમારે સ્વાધ્યાયની લેખન શૈલી સમાન બનાવવા માટે તેમાં વધારે કામ કરવાની જરૂર છે, ત્યારે હું હતાશ થઈ ગયો હતો. પરંતુ મને ખાતરી હતી કે અમારું કામ સફળ થશે અને તેથી અમને પુનઃલેખન કરવા માટે થોડી પ્રેરણા મળી. તે જૂથ કાર્યને પૂર્ણ કરવા અમારા બે મિત્રોને તેમની અન્ય કામગીરી રદ કરવી પડી હતી. જેથી હું મારી જાતને દોષિત માનવા લાગ્યો અને આ લાગણીએ તે સાંજે સખત મહેનત કરવામાં અને કામ ઝડપથી પૂર્ણ કરવામાં મને મદદ કરી. અને હવે મને તે વાતનો સંતોષ છે કે અમે તે કામ પૂર્ણ કરવાનું બીડું ઝડપ્યું હતું.
સોપાન 3ઃ મૂલ્યાંકન (Evaluation)
આ સોપાનમાં વિદ્યાર્થી પોતાની અનુભૂતિનું મૂલ્યાંકન કરે છે. આ મૂલ્યાંકન બહુઆયામી હોય છે. તેમાં વર્ગીકરણ અંતે કેવું લાગ્યું તેની વિચારણા કરવામાં આવે છે.આ સોપાનમાં જે તે પરિસ્થિતિમાં તમે શું કર્યું અને શું ન કર્યું તેનું મૂલ્યાંકન કરવાની તમારી પાસે તક છે. એટલે કે તમારા અનુભવનું વિવેચન કે મૂલ્યાંકન કરો. તેમાં શક્ય તેટલા અનાત્મલક્ષી અને પ્રમાણિક બનવાનો પ્રયત કરો. તમારા ચિંતનમાંથી સૌથી વધુ નિષ્પત્તિ મેળવવા માટે, પરિસ્થિતિના હકારાત્મક અને નકારાત્મક એમ બંને પાસાંઓ પર ધ્યાન કેન્દ્રિત કરો, પછી ભલે તે મૂળભૂત રીતે એક હોય અથવા અલગ હોય, મારાથી શું સારું થયું અને મારાથી શું શું ભૂલ થઈ ? આ સોપાનમાં તમે તમારી એ ભૂલમાંથી શું સુધારવાનું છે તે જાણી લો છો. પ્રામાણિકપણે એ નિશ્ચિત કરો કે શું યોગ્ય રીતે થયું અને શું યોગ્ય રીતે ન થયું.
મદદરૂપ પ્રશ્નો :
- આ અનુભવમાં શું સારું હતું અને શું ખરાબ હતું ?
- શું સારું થયું ?
- શું એટલું સારું ન થયું ?
- તમે અને અન્ય લોકો / મિત્રોએ પરિસ્થિતિમાં શું ફાળો આપ્યો ?
જે બાબતો સારી હતી અને સારી રીતે પૂર્ણ થઈ હતી તે એ હતી કે જૂથનાં દરેક સભ્યોએ નિયત સમયમર્યાદામાં સારી ગુણવત્તાવાળું કાર્ય કર્યું હતું. વધુમાં સારી બાબત એ હતી કે બે મિત્રોએ તેમની અન્ય કામગીરી અટકાવીને પણ આ કાર્યને પૂર્ણ કરવા સખત મહેનત કરી હતી.જેણે જૂથમાં કાર્ય કરવાની ભાવનામાં સકારાત્મક યોગદાન આપ્યું. જે બાબત સ્પષ્ટ રીતે પૂર્ણ ન થઈ તે એ હતી કે અમે ધર્યું હતું કે અમે બધા સારું કાર્ય કરીને આવીશું પરંતુ સમાન શૈલીમાં લખાણ ન હોવાને કારણે અમારી આ યોજના નિષ્ફળ ગઈ અને અમારે તેમાં તાત્કાલિક સુધારો કરવાની ફરજ પડી.
સોપાન 4ઃ પૃથક્કરણ (Analysis)
ચિંતનના આ તબક્કામાં વિદ્યાર્થી પરિસ્થિતિઓના સંદર્ભમાં બીજું શું થઈ શકે તેનું વિશ્લેષણ કરે છે, એટલે કે મેળવેલ અનુભવને અનેક દૃષ્ટિકોણથી જોવાનો પ્રયત્ન કરે છે. વિશ્લેષણ સંપૂર્ણપણે વ્યક્તિગત છે. વિશ્લેષણ દરમિયાન વિદ્યાર્થી પોતાના પૂર્વ અનુભવોનો ઉપયોગ પણ કરે છે.આ સોપાનમાં શું થયું તે સમજવાની તમને તક મળે છે. આગળના ત્રણ સોપાન સુધી તમે જે તે પરિસ્થિતિમાં શું બન્યું તેની આસપાસની વિગતો પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. હવે પછીના સોપાનોમાં તમારી પાસે તેમાંથી અર્થ કાઢવાની તક છે. જે તે બાબત સારી રીતે થઈ કે ખરાબ રીતે થઈ તેના વિવિધ પાસાઓને તમે લક્ષ્ય બનાવો છો અને તમારી જાતને પૂછો છો કે તેવું શા માટે થયું ? આ પ્રક્રિયામાં એવું શું છે કે જેથી તમે તમારામાં સુધાર લાવી શકો. આમ, જે તે સમયની પરિસ્થિતિને સમજવા માટે તેનું વિશ્લેષણ કરો, વિકલ્પો શોધો. ક્યા શૈક્ષણિક પ્રતિમાનો કે ઉપકરણો આ બાબતમાં તમને વધુ મદદરૂપ થઈ શક્યા હોત. જો તમે અહિ કોઈ શૈક્ષણિક સાહિત્યનો સમાવેશ કરવા માંગતા હો, તો તેને સમાવવાની આ સ્વાભાવિક જગ્યા છે.
મદદરૂપ પ્રશ્નો :
- જે તે બાબત શા માટે સારી થઈ ?
- જે તે બાબત શા માટે સારી ન થઈ ?
- જે તે પરિસ્થિતિનો હું શું અર્થ કરી શકું ?
- જે તે પરિસ્થિતિને સમજવા માટે મારું પોતાનું કે અન્યનું કર્યું મદદરૂપ થઈ શકે ?
મને લાગે છે કે અમારું કામનું પ્રારંભિક વિભાજન સારી રીતે થયું હતું અને તેનું કારણ એ હતું કે દરેક મિત્રએ તે પોતે ક્યા ભાગમાં કામ કરવા માંગે છે તે જાતે નક્કી કર્યું હતું. એટલે કે અમે અમારી સ્વ - ઓળખ કરી અને અમારી આવડત મુજબનું કાર્ય પસંદ કરી કાર્ય વિભાજન કર્યું હતું. મે આ રીતે કામ કરવાનો અનુભવ પહેલાં પણ મેળવ્યો છે અને જ્યારે હું મારી જાતે કામ કરું છું ત્યારે મને મારી શક્તિઓ સાથે મેળ ખાતી બાબતોમાં કામ કરવાનો આનંદ આવે છે. મને એ સ્વાભાવિક લાગે છે કે જૂથોમાં પણ આવા વિભાજન દ્વારા સ્વ - ઈચ્છા મુજબ કાર્ય થાય છે.મને લાગે છે કે અમે વિચાર્યું હતું કે આ અભિગમના ઉપયોગથી કાર્ય કરવાથી છેલ્લે વિભાગોને એકસાથે જોડતી વખતે અમારો સમય બચશે અને તેથી અમે અન્ય બાબતો વિશે વિચાર્યું ન હતું. હકીકતમાં, આ આયોજનથી અમારે અપેક્ષા કરતાં વધુ સમયનો વ્યય થયો અને તેને સુધારવા માટે પણ અમારે ઉતાવળ કરવી પડી અને અમારી ચિંતા વધી ગઈ હતી. એ બિલકુલ સાચું છે કે અમે તે સમયે એ નક્કી કર્યું ન હતું કે અમે બધા તેને કેવી રીતે લખીશું અને તેને માળખાગત કેવી રીતે કરીશું. જો અમે એવું કર્યું હોત તો અમારે ફરીથી લખવાની તકલીફ ન લેવી પડત.મેં સમૂહ કાર્ય પરના કેટલાંક સાહિત્યનું વાંચન કર્યું જેનાથી મને આ પરિસ્થિતિના સર્જન અંગે જાણવામાં થોડી મદદ મળી. બેલ્જિન (Belbin) ની ટીમ ભૂમિકા (Team roles) સૂચિત કરે છે કે દરેક વ્યક્તિ પોતાની ખાસ આવડતો કે કૌશલ્યો અને નબળાઈઓ સાથે પોતાની ટીમમાં આવે છે અને જો આપણી ટીમના સભ્યો વચ્ચે યોગ્ય સંયોજન થતું નથી તો દરેક વ્યક્તિના કૌશલ્યોનો આપણે યોગ્ય ઉપયોગ કરી શકતા નથી. અમારી બાબતમાં પણ એવું થયું હતું.જેનીસ (Janis, 1991) મુજબ, આપણે જે કાર્યયોજના (Plan) બનાવી તે શા માટેનિષ્ફળ બને છે તેનું એક અન્ય કારણ છે ‘સમૂહવિચારણા’ (Groupthink). સમૂહ વિચારણામાં વ્યક્તિ બહુમતીવાળા નિર્ણયથી અલગ પોતાનો મત આપતો નથી. કારણ કે તે સમૂહથી અલગ પાડવા માંગતો નથી. હું વિચારું છું કે અમારે પણ અમારે અમારી પૂર્વધારણાઓ પર બરાબર ચિંતન કરવા જેવું હતું, જે અમે કરી શક્યા નહિ તેથી અમારું ધાર્યું પરિણામ મેળવવામાં અમને તકલીફ પડી . એટલે કે જ્યારે આપણે નિર્ણયો લેવાના હોય ત્યારે સમૂહચિંતન પણ ડહાપણપૂર્વકનું હોવું જોઈએ.
સોપાન 5 : તારણો કે નિષ્કર્ષ (Conclusion)
ચિંતનના આ તબક્કામાં વિદ્યાર્થી પોતે મેળવેલ જ્ઞાનના નિષ્કર્ષ કે તારણ પર આવે છે. તાલીમી બાબતો હોય ત્યારે વિદ્યાર્થી પોતાની ભૂલોને સ્વીકારે છે બદલાવ માટેનો નિર્ણય કરે છે. પોતાના અનુભવનો ઉપયોગ કેવી રીતે થાય તેનો વિચાર કરે છે.આ સોપાનમાં, તમે શું બન્યું હતું તે વિશે તારણો કરી છો. હવે પછી તમે આમાં શું નવું કરી શકો તેનો વિચાર કરો.આ સોપાનમાં તમે તમારા અધ્યયનના તારણો કાઢો છો અને તમારા કાર્યોમાં ક્યા ફેરફારો ભવિષ્યમાં પરિણામ કે કાર્યનિષ્પત્તિને સુધારી શકે તે દર્શાવો છો અગાઉના સોપાનો કરતાં આ સોપાનનો પ્રતિભાવ સાહજિક હોવો જોઈએ.
મદદરૂપ પ્રશ્નોઃ
- આ પરિસ્થિતિમાંથી હું શું શીખ્યો ?
- સામેલ દરેક વ્યક્તિ માટે આ કેવી રીતે વધુ સકારાત્મક પરિસ્થિતિ હોઈ શકે ?
- આવી પરિસ્થિતિને વધુ સારી રીતે સંચાલિત કરવા માટે મારે કઈ કુશળતા વિકસાવવાની જરૂર છે ?
- હું બીજું શું કરી શક્યો હોત ?
હું શીખ્યો કે જયારે કોઈ જૂથમાં કાર્યની વહેંચણી કરવાની હોય ત્યારે આપ દરેક જૂથને કેવી રીતે જોવા અને અનુભવવા માંગીએ છીએ તેની યોજના બનાવવી જોઈએ - તેનાથી બધાજ સમૂહોના કાર્યને એકસાથે મૂકવાનું અથવા ફરીથી સુધારો કરવાની જરૂરિયાત વિના એકસાથે મૂકવાનું શક્ય બનશે. વધુમાં, હું લોકોને શક્તિની સ્વ - ઓળખ આપવાનું અને મોટા પ્રોજેક્ટ્સ માટે બેલ્બિન ટીમ રોલ માળખાનો ઉપયોગ કરવાનું સૂચન પણ કરીશ. છેલ્લે હું એટલું શીખ્યો કે આપણે અમુક વખત એવા નિર્ણયોને પડકારવા જોઈએ કે જેના પર આખા ગ્રૂપમાં સંમતિ હોય અને માત્ર બહુમતીને લીધે જ તેનો સ્વીકાર થયો હોય.
સોપાન 6 : કાર્યયોજના (Action Plan)
કાર્યયોજના એ પુનઃ આ પ્રકારના અનુભવ માટેની વિશિષ્ટ યોજના છે, એટલે કે વિદ્યાર્થી ફરીથી આ પરિસ્થિતિમાં મૂકાય, આ પ્રકારનો અનુભવ મેળવે, આ પ્રકારનું જ્ઞાન પ્રાપ્ત કરે તે સમયે સુધારાયુક્ત કર્યો નવા પગલા ભરશે તેની યોજના બનાવે છે. ત્યારબાદ ફરીથી અનુભવ મેળવી પુન:વર્ઝનના તબક્કામાં પ્રવેશે છે, આ રીતે સમગ્ર પ્રતિક્રિયા ચક્ર સ્વરૂપે ચાલતી રહે છે.આ સોપાનમાં, તમે ભવિષ્યમાં આવી જ સમાન પરિસ્થિતિમાં અલગ શું કરશો તેની યોજના બનાવો છો. તમારા તારણોને આધારે નવી યોજના તૈયાર કરો, આ યોજના મુજબ કાર્ય કરવા પ્રતિબદ્ધ બનો અને તે મુજબ કાર્ય કરો. આ અલગ રીતે વિચારવામાં તમે તમારી જાતને કેવી રીતે મદદ કરી તે વિશે વિચારવું પણ અત્યંત મદદરૂપ થઈ શકે છે - જેમ કે, તમે શું અલગ રીતે કરશો તેની યોજના જ નથી બનાવતા, પણ તે કેવી રીતે થાય તેની ખાતરી પણ કરો છો. કેટલીક વાર માત્ર અનુભૂતિ જ પૂરતી છે, જયારે કેટલીકવાર પૂર્વાનુભાવોને આધારે નિર્ણયો લેવા પડે છે.
મદદરૂપ પ્રશ્નોઃ
- આ પરિસ્થિતિમાંથી હું શું શીખ્યો ?
- જો મારે એ જ કાર્ય ફરીથી કરવાનું હોય તો હું તેને કઈ અલગ રીતે કરીશ ?
- મારે જરૂરી છે તે કૌશલ્યો હું કેવી રીતે વિકસાવીશ ?
- હું કેવી રીતે એ ખાતરી કરી શકું કે હવે પછી હું અલગ રીતે કામ કરી શકીશ ?
જયારે હું ભવિષ્યમાં જૂથ સાથે કામ કરીશ, ત્યારે હું તેમને તેમનામાં રહેલી કુશળતાઓથી જ્ઞાત કરીશ, પ્રથમ મિટિંગ વખતે આ કરવાનું અને યાદ રાખવાનું સરળ છે, પરંતુ જો આપણે એકબીજાને સારી રીતે જાણતા ન હોઈએ તો તેનાથી કદાચ ટીમમાં ભંગાણ પણ પડે. ભવિષ્યમાં જો આપણે કામને વિભાજિત કરવાનું નક્કી કરીએ તો હું આગ્રહ રાખીશ કે આપણે ટીમના દરેક સભ્ય પાસેથી શું અપેક્ષા રાખીએ છીએ તેનું પણ આયોજન કરીએ. જો શક્ય હોય તો હું પ્રસ્તાવનાને ટીમ વિભાજન પહેલાં લખવા માટે સૂચન કરીશ કે જેથી જુદાં જુદાં વિભાગોમાં વિભાજિત થયા પછી આપો લખી રહ્યા હોઈએ તો આપણા દરેક સભ્યો પાસે એક ચોક્કસ સંદર્ભ હોય, શું લખવાનું છે તેની સ્પષ્ટ સમજ હોય. જો ભવિષ્યમાં કોઈપણ જગ્યાએ જુદી જુદી ટુકડી બનાવીને કાર્ય કરવાનું આવશે તો આ વર્તમાન અનુભવ મને જરૂર યાદ આવશે એવો મને વિશ્વાસ છે. છેલ્લે હું પૂછીશ કે શું આપણે આપણા શરૂઆતના નિર્ણયોને પડકારી શકીએ કે જેનાથી આપણે બહુમતીવાળા વિચારને ટાળીને યોગ્ય નિર્ણય લઈ શકીએ. જો મને આવો કોઈ પ્રશ્ન હશે તો હું ગ્રૂપને કહીશ. હું શક્ય હોય તેટલાં શ્રેષ્ઠ પરિણામો મેળવવા માંગુ છું તે યાદ રાખવાથી પ્રતિકૂળતા હોય તેવા સમયમાં પણ હું બહુમતી વાળા નિર્ણયોથી પર રહી સાચા રસ્તે લઈ જવા મારી સાથેના બધા જ ગ્રૂપના સભ્યોને સમજાવવા પ્રયાસ કરીશ.
ગિબ્સ ચક્ર દ્વારા અધ્યયનના ફાયદા
- ગિબ્સ અધ્યયન ચક્રને સમજવું સહેલું છે અને તેનો ઉપયોગ કરવો પણ સહેલો છે.
- આ ચક્ર સમય સાથે શીખવાની તક આપે છે.
- આ ચક્ર સમય સાથે આપણને વધુ સંતુલિત અને સચોટ નિર્ણય આપે છે.
- વિદ્યાર્થી અનુભવમાંથી યથાર્થ જ્ઞાન મેળવે છે.
- વિદ્યાર્થી અનુભવોને અધ્યયનના સંદર્ભમાં વિચારતો થાય છે, પરિણામે જીવનના તમામ પાસાંઓમાં તે પ્રતિક્રિયા આપવાની માનસિકતા કેળવે છે.
- પ્રતિક્રિયાત્મક વિચારો અનુભવ સાથે જોડાવાથી રોજબરોજના અનુભવો સાથે જ્ઞાનાત્મક પાસાંઓ જોડાય છે. આ રીતે જ્ઞાનને અનુભવાત્મક નક્ક૨ આધારો પ્રાપ્ત થાય છે.
- સામાન્ય રીતે વિદ્યાર્થીઓ પોતાની આસપાસના અનુભવો તેમજ અધ્યયન સામગ્રીને અલગ અલગ સંદર્ભોમાં જોતાં હોય છે. આથી જ્ઞાન જીવન સાથે જોડી શકાતું નથી, પરંતુ પ્રતિક્રિયા આપવા માટે ચિંતનાત્મક અધ્યયનથી રોજબરોજના અનુભવોને પોતાના શૈક્ષણિક મુદ્દાઓ સાથે જોડવાની અમૂલ્ય તક વિદ્યાર્થીઓને સાંપડે છે. પરિણામે જ્ઞાન સહજ અને જીવનલક્ષી બને છે.
- અધ્યયન જીવનના મૂલ્યો સાથે જોડાય છે. વિદ્યાર્થી અધ્યયન દરમિયાન સક્રિય રહે છે. આ સક્રિયતા શારીરિક કે ભૌતિક નથી, પરંતુ માનસિક અને આંતરિક છે. પરિણામે વિદ્યાર્થી જ્ઞાનનો મહત્તમ લાભ લે છે અને અનુભવમાંથી મહત્તમ જ્ઞાન પ્રાપ્ત કરે છે.
- વિદ્યાર્થીને પોતાના અનુભવોની પ્રતિક્રિયાઓમાંથી સમજ પ્રાપ્ત થવાને લીધે તેને તે બાબત પૂર્ણપણે યાદ રહી જાય છે તેથી વિદ્યાર્થીને યાદ રાખવું કે ગોખવું પડતું નથી.
ગિબ્સ ચક્ર દ્વારા અધ્યયનની મર્યાદા
- તે પ્રતિક્રિયાશીલ છે, સક્રિય નથી, (it's reactive, not proactive)
- તે કૃત્રિમ ચિંતન પણ હોઈ શકે.
- લોકો માટે પોતાની લાગણીઓને જાહેર કરી તેની ચર્ચા કરવી એ જરા મુશ્કેલ બની શકે છે.
છ સોપાનની આ પ્રક્રિયા વિદ્યાર્થીને આચરણ દ્વારા શીખવામાં મદદ કરે છે (learn through practice) આમ, પ્રતિમાનના પ્રથમ ત્રણ સોપાનો એટલે કે પહેલો ભાગ તમને ‘શું થયું’ તે સમજવામાં મદદ કરે છે જયારે પ્રતિમાનના છેલ્લા ત્રણ સોપાનો એટલે કે બીજો ભાગ સુધારણા માટેના ઉપલબ્ધ વિકલ્પો સૂચવે છે અને તે મુજબ પગલાં લેવાના તેમાં પ્રયાસો થાય છે.