1. ક્રિયા દ્વારા શિક્ષણનો સિદ્ધાંત
ડબલ્યુ. એચ. રાયબર્ન ‘ક્રિયા દ્વારા શિક્ષણ'ના સિદ્ધાંતને સૌથી વિશેષ મહત્વ આપે છે. બાળક સ્વભાવે ક્રિયાશીલ હોય છે. રુસોએ છેક અઢારમી સદીમાં પણ આ જ વાત કરી છે. ફ્રોબેલ, મોન્ટેસરી, પેસ્ટાલોજી, જહોન ડ્યુઈ, ગાંધીજી, વિવેકાનંદ, શ્રી અરવિંદ, માતાજી વગેરે જેવા મહાન કેળવણીકારોએ પણ ‘ક્રિયા દ્વારા શીખવાના સિદ્ધાંત' પર ખૂબ ભાર આપ્યો છે. ડેલોર્સ રિપોર્ટમાં પણ 'Learning by Doing- ક્રિયા દ્વારા અધ્યયન’ને શિક્ષણના ચાર આધારસ્તંભોમાંનો એક સ્તંભ ગણાવ્યો છે.
જહોન ડ્યુઈએ તો ક્રિયા દ્વારા શિક્ષણને નવો ઓપ આપી પ્રવૃત્તિકેન્દ્રી શિક્ષણની હિમાયત કરી. તેઓ હંમેશા એવો આગ્રહ રાખતા કે પહેલાં ક્રિયા, તે પછી જ્ઞાન. ગાંધીજીએ હાથ-પગ અને હૈયાની કેળવણીને, ક્રિયા દ્વારા શિક્ષણને મહત્વ આપતી બુનિયાદી શિક્ષણની એક આગવી પદ્ધતિની વિશ્વને ભેટ આપી.
શિક્ષણ પ્રક્રિયામાં ક્રિયા - પ્રવૃત્તિ વગર વિદ્યાર્થી સક્રિય કેવી રીતે રહે ? બાળક એ જડ પદાર્થ નથી કે યંત્ર નથી, એ તો જીવંત ઘટક છે. એને સ્વાનુભવ નહિ લેવા દઈએ તો બાળકની સુષુપ્ત શક્તિઓનો વિકાસ અવરોધાય. દરેક બાળક ક્રિયાશીલ હોય છે. ક્રિયા એ તો બાળકનો પ્રાણ છે. શિક્ષકે બાળકના ક્રિયાશીલ સ્વભાવનો અધ્યાપનકાર્યમાં મહત્તમ ઉપયોગ કરવો જોઈએ.
આજે કમનસીબે શક્તિઓથી ભરપૂર એવાં ચેતનવંતા બાળકો નિષ્ક્રિય અને નિસ્તેજ દેખાય છે. તેનું કારણ શું? કોઠારી કમિશન પણ નોંધે છે કે, “ભારતનું ભાવિ તેના વર્ગખંડમાં ઘડાઈ રહ્યું છે”. આપણી પરંપરાગત શિક્ષાપ્રથાએ વિદ્યાર્થીઓને વર્ગખંડની ચાર દીવાલો વચ્ચે શબ્દોમાં જકડી રાખ્યા છે. એમને નથી ક્રિયા અપાતી કે નથી પ્રવૃત્તિશીલ રખાતાં. શબ્દો, શબ્દો અને શબ્દો...
નાટ્યીકરણ, સંવાદ, નકશા દોરવા, સંગ્રહ કરવો, નમૂના બનાવવા, પ્રયોગ કરવા, પ્રવાસ કરવો, અંક બનાવવો, અવલોકન કે નિરીક્ષણ કરવું, માહિતી શોધવી, ચર્ચા કરવી, પ્રોજેક્ટ હાથ ધરવા, સ્વાધ્યાય કરવા વગેરે પ્રવૃત્તિઓ વિદ્યાર્થીઓની ક્રિયાશીલતાને સંતોષી શકે. કેટલાંક કૌશલ્યો તો ક્રિયા વગર શીખી જ ન શકાય.
આપણે માહિતીના ઢગલામાં અટવાતાં બાળકોને શબ્દોમાં જકડાયેલી શિક્ષણ પ્રણાલીથી બચાવી લઈએ તો શિક્ષણની એટલે કે અધ્યયન-અધ્યાપનની સાચી પ્રક્રિયા શરૂ થશે. આ માટે આપણે ક્રિયા દ્વારા શિક્ષણના સિદ્ધાંતને અનુસરવું જોઈએ. આનો અર્થ એ થયો કે ક્રિયા અથવા પ્રવૃત્તિ દ્વારા શિક્ષણ એ સારા, સફળ અને અસરકારક શિક્ષણનું એક અગત્યનું લક્ષણ છે.
2. રસ - રુચિ જાગૃત કરવાનો સિદ્ધાંત
વિદ્યાર્થી અધ્યયન માટે તત્પરતા દર્શાવે અને ધ્યાન કેળવે ત્યારે જ અધ્યયનની સંભાવના જન્મે. અધ્યયન કે અભ્યાસ માટે તો વિદ્યાર્થીની રુચિ જાગૃત કરવી પડે. આ સિદ્ધાંત શૈક્ષણિક મનોવિજ્ઞાન દ્વારા પ્રસ્થાપિત થયો છે. જ્ઞાનપ્રાપ્તિ માટે ધ્યાન આવશ્યક છે. ધ્યાન માટે રસ-રુચિ જરૂરી છે. જેમાં રસ અને રુચિ હોય તેમાં આપોઆપ ધ્યાન અપાય. આથી જ કહેવાયું છે કે રસ એ ધ્યાનની જનની છે. રસને પરિણામે વિદ્યાર્થી પ્રવૃત્તિ માટે અભ્યાસ માટે પ્રેરિત થાય છે. રસ કે રુચિ વિના ધ્યાન નહિ અને ધ્યાન નહિ તો અધ્યયન પણ નહિ. રસ અને ધ્યાન એકબીજાના પૂરક છે. ધ્યાન આકર્ષિત થાય તો રુચિ જન્મે અને રુચિ જન્મે તો ધ્યાન આકર્ષિત થાય.
જો વિદ્યાર્થીના રોજબરોજના અનુભવો સાથે અને જીવાતા જીવન સાથે શિક્ષણને સાંકળી લેવામાં આવે તો શિક્ષણમાં રુચિ જન્મે. વિદ્યાર્થીની સ્વભાવગત ક્રિયાશીલતાને પોષવામાં આવે તો રુચિ જાગૃત થાય. વિદ્યાર્થીમાં જીજ્ઞાસા જાગૃત કરવામાં આવે તો રુચિ જન્મે. વિદ્યાર્થીને વ્યક્તિગત રીતે ઓળખી તેમની જરૂરિયાતોનો ખ્યાલ કરી તે સંદર્ભમાં શિક્ષણકાર્ય કરવામાં આવે તો રુચિ જન્મે. વિદ્યાર્થીને સર્જનાત્મક પ્રવૃત્તિમાં જોડવામાં આવે, શિક્ષણ પ્રક્રિયામાં તેમની સામેલગીરી વધા૨વામાં આવે, શિક્ષણમાં નવીનતા, પ્રયોગશીલતા હોય તો રુચિ જાગૃત થાય. પ્રાથમિક કક્ષાએ તો તરંગ અને ઉલ્લાસમય શિક્ષણનો વિચાર એટલા માટે જ વહેતો થયો હતો કે વિદ્યાર્થીને ભણવામાં આનંદ આવવો જોઈએ અને ભણતર ભાર વિનાનું બનવું જોઈએ તો રુચિ જાગૃત થાય.
3. પ્રેરણાનો સિદ્ધાંત
શિક્ષણની પ્રક્રિયામાં પ્રેરણા કેન્દ્રનું સ્થાન ધરાવે છે. વાસ્તવમાં અધ્યયન માટે પ્રેરણા અનિવાર્ય છે. વિદ્યાર્થીને અધ્યયન માટે પ્રેરણા થાય તો રુચિ જન્મે. શીખવા માટે પ્રથમ જરૂરત ઊભી કરવી પડે. પ્રેરણાના અભાવે શિક્ષકના બધાં પ્રયાસો નિષ્ફળ જાય છે. વિદ્યાર્થીને શીખવા માટે કેવી રીતે પ્રેરિત કે ઉત્સાહિત કરવા, ભણવા માટેની ભૂખ કેવી રીતે જાગૃત કરવી એ સવાલ સમસ્યા ઉપજાવનારો છે, પરંતુ શિક્ષક અને વિદ્યાર્થી વચ્ચે સહયોગ સધાય તો જ પ્રેરણા જન્મે. પ્રેરણા અને અધ્યયન ગાઢ રીતે સંકળાયેલાં છે. પ્રેરણા એ અધ્યયનની મૂળભૂત શરત છે.
પ્રેરણા વિનાનું અધ્યયન નિષ્પ્રાણ બને. પ્રેરણાના અભાવે નિશ્ચિત ધ્યેય સિદ્ધ કરી શકાય નહિ. આથી જ શિક્ષણમાં પ્રેરણાનો સિદ્ધાંત મહત્વનો છે. સારું અધ્યાપન વિદ્યાર્થીને અધ્યયન માટે પ્રેરણા પૂરી પાડે છે. આપણે એ યાદ રાખીએ કે પ્રેરણા એ શિક્ષણ પ્રક્રિયાનું હૃદય છે.
4. જીવન સાથેના અનુબંધનો સિદ્ધાંત
શિક્ષણ અને જીવનને એકબીજાના પર્યાય કહીએ તો ચાલે. શિક્ષણ અને જીવનને એકબીજાથી અલગ પાડી શકાય નહિ. એ તો અભિન્ન છે. જીવન એ સતત અનુભવ છે - અનુભવોની હારમાળા છે.
વિદ્યાર્થી શાળામાં આવે છે ત્યારે તે અનેક અનુભવોનો ખજાનો પણ લઈને આવે છે. વિદ્યાર્થી પાસે માહિતી છે અને અનુભવો પણ હોય છે. અનુભવોની અવગણના કરીને શિક્ષણ આપી શકાય નહિ. શિક્ષણનો અનુભવ સાથે અનુબંધ સાધીને, જીવનની વાસ્તવિક પરિસ્થિતિ સાથે શિક્ષણને જોડીને અધ્યયન-અધ્યાપન પ્રક્રિયા થાય તો જ્ઞાન વધુ વાસ્તવિક અને ઉપયોગી બને.
ગાંધીજીએ તો વ્યક્તિના સામાજિક, પ્રાકૃતિક અને ઔદ્યોગિક વાતાવરણ સાથે શિક્ષણને જોડવું. બુનિયાદી કેળવણીમાં તો ઉદ્યોગને શિક્ષણનું કેન્દ્ર બનાવી શિક્ષણનો જીવન સાથે અનુબંધ સાધવા પર ભાર મુકાયો છે. શિક્ષણને વ્યાવહારિક, પ્રાયોગિક, અનુભવજન્ય બનાવવાની જરૂરિયાત પર આ સિદ્ધાંતમાં ભાર અપાયો છે. જીવન સાથે અનુબંધિત નહિ હોય તેવી બાબતો ગોખવાની બાબત બની જાય છે. જીવન સાથે શિક્ષણનો અનુબંધ સ્થાપવાથી શિક્ષણકાર્ય રોચક, સચોટ અને દીર્ઘકાલીન બને છે.
5. વિષયો સાથે અનુબંધ જોડવાનો સિદ્ધાંત
અભ્યાસક્રમના જુદાં જુદાં વિષયોને ભિન્ન સમજી તેમનો પરસ્પરનો સંબંધ ભૂલી જવો એ ઉચિત નથી. એક વિષયમાં શીખેલી વાત બીજા વિષયના શિક્ષણમાં સહાયક કે પૂરક બને છે. વિષયોના અનુબંધથી જ્ઞાન ચિરસ્થાયી બને છે, શિક્ષણ રોચક અને સમૃદ્ધ બને છે, આનંદપ્રદ બને છે અને વિદ્યાર્થીને વિચારવાની ટેવ પડે છે. શિક્ષક વિષયોનો અનુબંધ ત્યારે જ બાંધી શકે જ્યારે તે પોતાના વિષય ઉપરાંત બીજા વિષયોનું પણ જ્ઞાન ધરાવતો હોય. અનુબંધ વિનાનું શિક્ષણ અસિક બને છે અને અધ્યાપનકાર્યમાં વધુ સમય જાય છે. વળી, એક જ વિષયના જુદાં જુદાં એકમો - અંગોને પણ એકબીજા સાથે સંબંધ હોય છે. આમ, વિષયો - વિષયો વચ્ચે અને એક જ વિષયના ભિન્ન - ભિન્ન એકમો - અંગો વચ્ચે અનુબંધ કે સમવાય સાધીને શિક્ષકે શિક્ષણ આપવું જોઈએ.
6. આયોજનનો સિદ્ધાંત
આયોજન વિના કોઈ પણ યોજનાનું સફળ વ્યવસ્થાપન સંભવિત નથી. આયોજનના અભાવે નાણાં, સમય અને શક્તિનો વ્યય થાય છે. આયોજન એ પૂર્વવિચારણા કે પૂર્વતૈયારી છે. શિક્ષણ માટે પણ આયોજન અનિવાર્ય છે. આયોજનને પરિણામે અભ્યાસક્રમ સમયસર, ક્રમબદ્ધ અને અસરકારકતાથી પૂર્ણ થઈ શકે છે, સારું શિક્ષણ આયોજનપૂર્વકનું હોય છે. નિર્ધારિત કેતુઓ સિદ્ધ થઈ શકે છે. આયોજન એ સફળ શિક્ષણની પૂર્વશરત છે.
7. વ્યક્તિગત તફાવતો સંતોષવાનો સિદ્ધાંત
દરેક બાળકને પોતાની આગવી વિશિષ્ટતાઓ, આગવી ખાસિયતો, આગવું રુચિ વૈવિધ્ય, આગવી ગ્રહણશક્તિ અને આગવી ભળવાની ગતિ કે ઝડપ હોય છે. સ્કિનરના મતે, શાળામાં ભણતાં બાળકો શક્તિઓ અને રસમાં ઘણી રીતે જુદા પડતા હોય છે. છતાં આપણે તેમની સાથે એકસરખો વર્તાવ રાખીએ છીએ. દરેક બાળકની અપેક્ષા ભિન્ન અને દરેકની શક્તિ અને સિદ્ધિ ભિન્ન હોવા છતાં આપણે દરેક બાળકને એકસમાન રીતે જ શીખવીએ છીએ, વર્ગમાં દરેક બળક માટે એકસરખી પદ્ધતિ જ ઉપયોગમાં લઈએ છીએ. આથી તેમના વ્યક્તિગત તફાવતો સંતોષાતા નથી. પરિણામે અધ્યયનમાં નબળું બાળક પણ હતાશ થાય અને અયનમાં તેજસ્વી બાળક પણ હતાશ થાય છે. આથી તેમનામાં અજંપો વધે છે. સારું શિક્ષણ વિદ્યાર્થીના વ્યક્તિગત તફાવતોને ધ્યાનમાં રાખી તેને સંતોષવ માટે પ્રયાસો કરે છે.
8. લોકશાહીયુક્ત વર્ગવ્યવહારનો સિદ્ધાંત
લોકશાહીયુક્ત જીવન અપનાવવાની વાત એ નૂતન શિક્ષણનું એક આગવું લક્ષણ છે. જો શિક્ષક પોતાના વિદ્યાર્થી સાથેના વર્તનમાં કે શિક્ષણવ્યવહારમાં લોકશાહી વલણ, રીતરસમ નહિ અપનાવે તો વર્ગમાં લોકશાહી નહિ જન્મે. શિક્ષકે બાળકના વ્યક્તિત્વનો સ્વીકાર અને આદર કરવો જોઈએ. શિક્ષકે બાળકને પ્રશ્નો પૂછવાની સ્વતંત્રતા આપવી જોઈએ. શિક્ષકે બાળકને હૂંફ, પ્રેમ અને સલામતી આપવા જોઈએ. વર્ગનાં બાળકો જૂથમાં સહકારથી કાર્ય કરે એવી પદ્ધતિઓનો ઉપયોગ કરવો જોઈએ. વિદ્યાર્થી પોતાના વિચારો નીડરતાથી વ્યક્ત કરી શકે એવી સ્વતંત્રતા તેને હોવી જોઈએ. લોકશાહીયુક્ત વર્ગવ્યવહારને પરિણામે વિદ્યાર્થીમાં આત્મવિશ્વાસ વધે છે, વિચાર પ્રક્રિયાને વેગ મળે છે. વળી, તેઓની આત્મપ્રસ્થાપનની વૃત્તિ પણ સંતોષાય છે.
9. જ્ઞાનની પસંદગીનો સિદ્ધાંત
જ્ઞાનનું વિસ્ફોટન તો સતત થતું જ રહે છે. આમ પણ 21મી સદી માહિતીની સદી છે. આટલી બધી માહિતી શિક્ષક વર્ગખંડમાં બાળકને પૂરી પાડી શકે નિહ આથી કઈ વયે, કેટલી માહિતી અને ક્યા પ્રકારની માહિતી ( કે જ્ઞાન ) આપવી તેની શિક્ષકે પસંદગી કરવી જોઈએ. બાળકની શક્તિમર્યાદા બહારનું જ્ઞાન આપવા શિક્ષક પ્રયાસ કરે તો બાળક માટે એ ભારરૂપ, કંટાળાજનક અને નિરર્થક બને છે. આથી શીખવવાના વિષયવસ્તુની પસંદગી ડહાપણપૂર્વક થવી જોઈએ. બાળકની કક્ષા, એના વ્યક્તિગત તફાવતો, બાળકો માટે તેની ઉપયોગિતા વગેરેને ધ્યાનમાં લઈને જ્ઞાનની - માહિતીની કે વિષયવસ્તુની પસંદગી થવી જોઈએ. સારું શિક્ષણ શીખવવાના વિષયવસ્તુની ડહાપણયુક્ત પસંદગી કરીને જ્ઞાન પીરસે છે અને વિદ્યાર્થીને સ્વ - અધ્યયન તરફ દોરી જાય છે.
10. અભ્યાસક્રમના વિભાજનનો સિદ્ધાંત
અભ્યાસક્રમના વિભાજન અંગે બે વિચારધારાઓ છે. એક વિચારધારા પ્રમાણે અભ્યાસક્રમને જુદાં જુદાં એકમોમાં વિભાજિત કરવો જોઈએ એવી માન્યતા પ્રચલિત છે. આમ, કરવાથી ક્રમિકતા જળવાય છે અને વિદ્યાર્થી ધીમે ધીમે આગળ વધી શકે છે. અભિક્રમિત અધ્યયનમાં સમગ્ર વિષયવસ્તુને નાનાં નાનાં સોપાનમાં વિભાજિત કરવામાં આવે છે.
બીજી વિચારધારા અનુસાર જ્ઞાનનો ટુકડે ટુકડે વિચાર કરવાની વાત બરાબર નથી. જ્ઞાન સમગ્ર છે, જ્ઞાન અખંડ છે. એને ખંડિત કરી શકાય નહિ. ગેસ્ટાલ્ટવાદી (સમગ્રતાવાદી) મનોવિજ્ઞાનીઓ આ મંતવ્યના હિમાયતી છે . તેઓના મતે, બાળક પ્રથમ કોઈ પણ બાબતને સમગ્ર રીતે જ જુએ છે, પછી એના વિવિધ ભાગો જુએ છે. દા.ત. બાળક પ્રથમ સમગ્ર ફૂલને જુએ છે, પછી તેના વિવિધ ભાગો પુષ્પદંડ, વજપત્ર, પુષ્પાસન, દલચક્ર, સ્ત્રી - કેસર, પરાગાસન, પરાગવાહિની, બીજાશય, પુંકેસર, પરાગનયન વગેરેનો વિચાર કરે છે.
અભ્યાસક્રમ વિભાજનનાં સિદ્ધાંતમાં આ બીજી વિચારધારાનો વિરોધ નથી. આ સિદ્ધાંત તો એમ સૂચવે છે કે અભ્યાસક્રમને વિવિધ એકમોમાં વહેંચી શિક્ષક અધ્યાપનકાર્ય કરે તો વિદ્યાર્થી તે એકમને સારી રીતે સમજી શકે છે અને ધીમે ધીમે સ્વ - ગતિએ આગળ વધી શકે છે. આપણે શિક્ષણકાર્યનું આયોજન કરીએ છીએ ત્યારે આ જ રીતે વિચારીએ છીએ. આપણે તો એકમને પણ પેટા મુદ્દાઓમાં વિભાજિત કરીએ છીએ. અધ્યાપન માટેનું વિષયવસ્તુ જેમ વધુ મુદ્દાઓમાં વિભાજિત કરીએ તેમ તે શીખવામાં વધુ સરળ બને છે. આમ, મુદ્દાસર વિષયવસ્તુને નાનાં નાનાં સોપાનોમાં વિભાજિત કરીને વિદ્યાર્થી સમક્ષ રજૂ કરાય તે સારું શિક્ષણ છે.
11. પુનરાવર્તનનો સિદ્ધાંત
શિક્ષક અધ્યાપનકાર્ય દરમિયાન શિક્ષણની પહેલ કરી આપે છે. શિક્ષકે આપેલ શિક્ષણ દ્રઢ થાય એ માટે દઢીકરણની જરૂરિયાત રહે છે. એટલે કે શીખેલા જ્ઞાનનું પુનરાવર્તન થવું જોઈએ. વિદ્યાર્થી શીખે તે તેને લાંબા સમય સુધી યાદ રહેવું જોઈએ અને જરૂર પડે ત્યારે તેણે પ્રાપ્ત કરેલા જ્ઞાનનો ઉપયોગ કરી શકે તો જ શિક્ષણ સાર્થક થયું કહેવાય. મહત્વના મુદ્દાઓનું પુનરાવર્તન કરાય તો જ જ્ઞાન દૃઢ થાય. આવું પુનરાવર્તન કંટાળાજનક ન બને તે શિક્ષકે જોવું જોઈએ.
12. સર્જન અને આનંદનો સિદ્ધાંત
વિદ્યાર્થીની સ્વયંભૂ પ્રવૃત્તિ પર શિક્ષણનો આધાર રહેલો છે. શિક્ષણ સ્વયંસ્ફૂરિત બને તો વિદ્યાર્થીને આનંદ મળે અને તેની સર્જનશીલતા વિકસે. વિદ્યાર્થીની મૌલિકતાને ઉત્તેજન મળે એવા વર્ગ વાતાવરણનું સર્જન થવું જોઈએ અને શિક્ષકે વિદ્યાર્થીઓ માટે એવી પ્રવૃત્તિઓનું આયોજન કરવું જોઈએ. શિક્ષકે તેના વિદ્યાર્થીઓને સ્નેહપૂર્વક માર્ગદર્શન આપવું જોઈએ. સારું શિક્ષણ વિદ્યાર્થીની સર્જનાત્મકતા વિકસાવે તેવું હોય છે. વિદ્યાર્થીની સર્જનશક્તિ કુંઠિત થાય એવો શિક્ષકનો શિક્ષણવ્યવહાર હોય તો એમાંથી આનંદ જતો રહે છે. આનંદ વિનાનું શિક્ષણ ભારરૂપ બને છે.
13. ઉત્પાદનશીલતાનો સિદ્ધાંત
ગાંધીજીએ ચીંધેલ બુનિયાદી શિક્ષણનો પાયાનો સિદ્ધાંત એ ઉત્પાદનશીલતાનો સિદ્ધાંત છે. કોઠારી શિક્ષણ પંચ (1964-66) અને ઈશ્વરભાઈ પટેલ સમિતિ (1977) એ કાર્યાનુભવ, સમાજોપયોગી ઉત્પાદક શ્રમકાર્ય તરીકે થોડાં ફેરફાર સાથે બુનિયાદી શિક્ષણનો ઉત્પાદનશીલતાનો સિદ્ધાંત સ્વીકાર્યો છે. આ સિદ્ધાંતના મૂળમાં તો શિક્ષણ દ્વારા માનવના મૂળભૂત પ્રશ્નોના નિરાકરણની વિચારસરણી છે. કેળવણી દ્વારા સ્વનિર્ભર થવાના હેતુને સિદ્ધ કરવા, આર્થિક ઉપાર્જન સાથે કેળવણી માટે ગાંધીજીએ ઉદ્યોગ દ્વારા કેળવણીની સલાહ આપી છે. ગાંધીજીએ કહ્યું છે, “સ્વાશ્રયી કેળવણી વિદ્યાર્થી માટે બેકારીની સામે એક જાતના વીમા જેવી થઈ પડે.” વધુમાં ગાંધીજીએ કહ્યું છે કે, ‘‘ઉદ્યોગકેન્દ્રી શિક્ષજ્ઞને વરેલી શાળા આર્થિક રીતે સ્વાવલંબી બનવી જોઈએ.” આમ, સારું શિક્ષણ ઉત્પાદનલક્ષી હોવું જોઈએ. ઉત્પાદનને પરિણામે બાળક ઉત્કૃષ્ઠ સર્જન કરવા પ્રેરાશે.
14. પરિવર્તનશીલતા અને સહભાગીતાનો સિદ્ધાંત
શિક્ષણ પ્રક્રિયામાં વિદ્યાર્થીની સામેલગીરી યા સહભાગિતા એ આવતીકાલનાં શિક્ષણનું મહત્વનું લક્ષણ હશે. વિદ્યાર્થીની ભાગીદારી વિનાનું શિક્ષણ નિષ્પ્રાણ હોય છે. વિદ્યાર્થી નિષ્ક્રિય શ્રોતા બનીને શિક્ષકની વાતો સાંભળ્યા કરે તે સારી પરિસ્થિતિ નથી. એવી શિક્ષણ પ્રક્રિયાને તિલાંજલી આપવી જ રહી, જે શિક્ષણ વિદ્યાર્થીની સહભાગીતા વધારે તે જ સાચું, સફળ શિક્ષણ, સારું શિક્ષણ પરિવર્તનોને સ્વીકારે છે અને શિક્ષજ્ઞ પ્રક્રિયામાં વિદ્યાર્થીની સહભાગીતા વધારે છે. વિદ્યાર્થીની સક્રિયતા વિના અધ્યયન સંભવે જ નહીં.
15. સિદ્ધિપ્રેરણાના વિકાસનો સિદ્ધાંત
વ્યક્તિની ધ્યેયસિદ્ધિ સાથે સંકળાયેલી પ્રેરણાને સિદ્ધિપ્રેરણા કહેવામાં આવે છે. કોઈ પણ કાર્ય વધુને વધુ સારી રીતે કરવાની આંતરિક ઈચ્છા એટલે સિદ્ધિપ્રેરણા. શિક્ષકે વિદ્યાર્થીઓને પડકારરૂપ સમસ્યાઓ, પ્રશ્નો પૂરાં પાડવાં જોઈએ, જેનો ઉકેલ શોધવા વિદ્યાર્થીઓને સ્વપ્રયતની તક આપવી જોઈએ. શિક્ષકે માત્ર માર્ગદર્શક બની રહેવું જોઈએ. શાળાના વર્ગોનું વર્ગીકરણ સિદ્ધિપ્રેરણા આંકને આધારે કરવું જોઈએ. વર્ગવ્યવહાર સુધારણા દ્વારા સિદ્ધિપ્રેરણા થોડાઘણાં અંશે લાવી શકાય પરંતુ મહદ્અંશે સિદ્ધિપ્રેરણા લાવવા માટે શિક્ષકે વિદ્યાર્થીની તમન્ના, એના ધ્યેયો અને એની મહત્વાકાંક્ષાને જગાડે એવું શિક્ષણકાર્ય કરવું જોઈએ. સારું શિક્ષણ સિદ્ધિપ્રેરિત હોય છે, વિદ્યાર્થીમાં સિદ્ધિ પ્રેરણાનો વિકાસ કરનારું હોય છે.
16. ભવિષ્યલક્ષી શિક્ષણનો સિદ્ધાંત
આવતીકાલનો એટલે કે ભવિષ્યનો વિચાર કર્યા વિના શિક્ષણ અપાય તો તે વિદ્યાર્થીની ભાવિ જરૂરિયાતો સંતોષી શકે નહિ. આજનો વિદ્યાર્થી આવતીકાલનો વિશ્વ - નાગરિક છે. આવનારો સમય એના માટે પડકારો અને સમસ્યાઓ લઈ આવશે. એ પડકારો ઝીલવા અને સમસ્યાઓ હલ કરવા એની પાસે કેટલીક વિશિષ્ટ શક્તિઓ, ક્ષમતાઓ જોઈશે. ભાવિ સમાજની તરાહ, ભાવિ સમાજની જરૂરિયાતો અને અપેક્ષાઓ તેમજ પડકારો ધ્યાનમાં લઈ શિક્ષકે શિક્ષણકાર્ય કરવું જોઈએ એ આ સિદ્ધાંતનું હાર્દ છે.
17. સહભાગીદારીયુક્ત શિક્ષણનો સિદ્ધાંત
સહભાગીદારીયુક્ત શિક્ષણના સિદ્ધાંતને સંરચનાવાદી અધ્યયન સાથે સંબંધ છે. અહિ વિદ્યાર્થીને તેની સ્વયંની અધ્યયન પ્રક્રિયાના સક્રિય સહભાગી તરીકે અભિપ્રેરિત કરવામાં આવે છે. અધ્યાપનપ્રક્રિયા શિક્ષકેન્દ્રી ન બની રહેતા વિદ્યાર્થીકદ્રી બની રહે છે. શિક્ષક માર્ગદર્શકની ભૂમિકામાં રહી વિદ્યાર્થીઓની જીજ્ઞાસાને ઉતેજન આપે છે, માર્ગદર્શન આપે છે. સહકારજન્ય અધ્યયન, સહયોગજન્ય અધ્યયન, સમસ્યા આધારિત અધ્યયન વગેરે તેના ઉદાહરણો છે. અહિ, શીખવાની સાથે સાથે વિદ્યાર્થીનું સતત નિરીક્ષણ અને મૂલ્યાંકન શિક્ષક દ્વારા થાય છે. શિક્ષણનો આ સિદ્ધાંત વર્તમાન શિક્ષણ પ્રણાલીમાં બાળકને નિષ્ક્રિય ગ્રહણકર્તા તરીકે ન જોતા તેને જ્ઞાનનો સક્રિય નિર્માતા માને છે.
18. નવીન કે આધુનિક શૈક્ષણિક ટેકનોલોજી તેમજ ઈન્ફર્મેશન ટેકનોલોજીના ઉપયોગનો સિદ્ધાંત
વર્તમાન વિજ્ઞાનની નવીન શોધખોળોને લીધે આધુનિક શૈક્ષણિક ટેકનોલોજી તેમજ ઈન્ફર્મેશન ટેકનોલોજીનો શિક્ષણમાં ઉપયોગ હવે વધુ પ્રચલિત બનતો જાય છે અને તે સમયની માંગ પણ છે.
વિવિધ દશ્ય - શ્રાવ્ય સાધનો સાથે કમ્પ્યુટર અને ઈન્ટરનેટનો શિક્ષણમાં ઉપયોગ વધી રહ્યો છે. ટી.વી., રેડિયો, કમ્પ્યૂટર, ટેલિફોન, મોબાઈલ, સેટેલાઈટ જેવા અનેક ઉપકરણોની મદદથી અધ્યયન - અધ્યાપન કાર્ય વધુ સુગમ બન્યું છે. ઈન્ટરનેટ તથા વિવિધ સોફ્ટવેરની મદદથી માહિતીનું સર્જન, પ્રસાર, સંગ્રહ અને વ્યવસ્થાપન વધુ સરળતાથી કરી શકાય છે. વિદ્યાર્થીને ગમે તે સ્થળે, ગમે તે સમયે શિક્ષણ પૂરું પાડી શકાય છે. દેશ - વિદેશના શિક્ષકોએ બનાવેલાં શૈક્ષણિક સ્ત્રોતો, પાઠ આયોજનો ઓનલાઈન મેળવી તેનો વર્ગખંડ શિક્ષણમાં વિનિયોગ કરી શકાય છે. ફેસબુક, વોટ્સએપ, ટ્વીટર જેવા સોશિઅલ મિડીયાના ઉપયોગ દ્વારા વિદ્યાર્થીઓ સાથે જ્ઞાનનું આદાન - પ્રદાન કરી શાકય છે. વર્ચ્યુઅલ ક્લાસરૂમ, વિડીયો કોન્ફરન્સ, વેબસાઈટ વગેરેનો ઉપયોગ કરી શકાય છે. ર્ડદ્ધ, સિસ્કો વેબેક્સ, ગુગલ મીટ, માઈક્રોસોફ્ટ ટીમ્સ જેવી ઓનલાઈન એપ્લિકેશન્સનો શિક્ષણમાં ઉપયોગ હવે સામાન્ય બનતો જાય છે. આ અને આવી અનેક માહિતી તકનિકીનો જરૂર પડશે યથાયોગ્ય ઉપયોગ શિક્ષક દ્વારા અધ્યયન - અધ્યાપનમાં થવો જોઈએ.