નિદાન કાર્ય દ્વારા વિદ્યાર્થીઓની ખામીઓ અને તે પેદા થવાનાં જે કારણો શોધ્યાં હોય તેને અસરકારક રીતે દૂર કરી વિદ્યાર્થીઓમાં હેતુસિદ્ધિના અંતરાયો દૂર ક૨વાની ક્રિયાને ઉપચારાત્મક કાર્ય કહે છે.
ઉપચારાત્મક કાર્યક્રમ હેઠળ શિક્ષક પોતાની શીખવવાની પદ્ધતિમાં પરિવર્તન લાવી, શિક્ષણકાર્યને વધુ અસ૨કા૨ક બનાવી શકે, જેનાથી વિદ્યાર્થીઓને કઠિન લાગતું વિષયવસ્તુ સમજવામાં સરળતા રહે છે. ઉપચારાત્મક કાર્ય વિના નિદાન કાર્યની કોઈ કિંમત નથી. તેથી જ નિદાન પછી હંમેશા ઉપચારાત્મક કાર્ય થવું જોઈએ.તે માટે શિક્ષકે નીચેની બાબતો ધ્યાનમાં રાખવી.
- જે બાબતની ભૂલો વિદ્યાર્થી અવારનવાર કરતો હોય તે બાબતનું જ ઉપચારાત્મક કાર્ય કરવું.
- ઉપચારાત્મક અધ્યાપનમાં દશ્ય - શ્રાવ્ય સાધનોનો વધુ ઉપયોગ કરી વિદ્યાર્થીઓની સંકલ્પના વધુ દૃઢ બનાવવી.
- ઉપચારાત્મક કાર્યના દરેક તબક્કે વિદ્યાર્થીને તેના પરિણામની જાણ કરવી, જેનાથી વિદ્યાર્થીનો આત્મવિશ્વાસ વધે છે.
- વિદ્યાર્થીની શક્તિ જાણીને ત્યાંથી ઉપચારાત્મક કાર્યની શરૂઆત કરવી જોઈએ.
- વિદ્યાર્થીઓને વ્યક્તિગત કે સામૂહિક જરૂરી માર્ગદર્શન પૂરું પાડવું જોઈએ.
- નિદાન કસોટીમાં નિબંધ સ્વરૂપના પ્રશ્નો ન મૂકતાં ટૂંકજવાબી અને હેતુલક્ષી પ્રશ્નો મૂકવા જોઈએ.
- ઉપચારાત્મક કાર્ય સબળ બને તે માટે નિદાન કસોટી દ્વારા મેળવેલ ઉત્તરોના સાચા - ખોટાંપણા વિશે પ્રશ્નવાર પૃથક્કરણ સૂચવતી સારણી તૈયાર કરવી જોઈએ.
- સારણી દ્વારા મેળવેલ માહિતીનું પૃથક્કરણ કરી વિષયવસ્તુના જે તે મુદ્દા વિશે ઉપચારાત્મક ઉપાયો વિચારી તેનો અમલ કરવો જોઈએ.
ઉપચારાત્મક કાર્ય કર્યા પછી તેની અસરકારકતા તપાસવાનું મન થાય એ સ્વાભાવિક છે. નૈદાનિક કસોટી દ્વારા કચાશ પારખ્યા પછી તે ક્યાશ દૂર કરવા માટે ઉપચારાત્મક શિક્ષણ આપવામાં આવ્યું. આ ઉપચારાત્મક શિક્ષણ કેટલું અસરકારક નીવડ્યું તે જાણવા માટે પુનઃ નૈદાનિક કસોટી આપવી. આ પુનઃ નૈદાનિક કસોટીનું સ્વરૂપ નિદાન કસોટીના સમાંતર સ્વરૂપનું હોય છે. ઉપચારાત્મક શિક્ષણ આપ્યા પછી એકાદ મહિના બાદ વિદ્યાર્થીઓને પુનઃ નૈદાનિક કસોટી આપી શકાય.
આમ, વિદ્યાર્થીનો સમગ્રલક્ષી વિકાસ કરવામાં નિદાન કસોટી અને ઉપચારાત્મક કાર્ય મહત્વનો ભાગ ભજવે છે. તેથી દરેક શિક્ષકે પોતાના વિદ્યાર્થીઓનું યોગ્ય નિદાન કરી તે પ્રમાણે ઉપચારાત્મક કાર્ય હાથ ધરવું જોઈએ.